યાર્ડની આવકમાં રૂા.11 કરોડથી વધુનો વધારો
યાર્ડમાં અનેક સુવિધાઓ વધારાશે: જયેશ બોઘરા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.3
રાજકોટ માર્કેટ યાર્ડના નવા હોદ્દેદારોની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે, જે અંતર્ગત પાંચ જુલાઈના રોજ માર્કેટિંગ યાર્ડના ચેરમેન, વાઈસ ચેરમેન પદ માટેની ચૂંટણી યોજાવાની છે ત્યારે વર્તમાન ચેરમેન જયેશભાઈ બોઘરાએ તા. 2-12-2021થી ચાર્જ સંભાળેલ છે જે સમય દરમિયાન અસરકારક વહીવટથી સહકારથી સમૃદ્ધિનું સપનું સાકાર કરવામાં આવ્યું છે. વર્તમાન ચેરમેન જયેશભાઈ બોઘરાના શાસન દરમિયાન માર્કેટ યાર્ડની આવક 26 કરોડથી વધારીને 37 કરોડ સુધી લઈ જવામાં આવી છે, જેથી અંદાજિત 11 કરોડ જેટલી આવકનો વધારો કરવામાં આવ્યો છે.
ચેરમેન જયેશભાઈ બોઘરા દ્વારા નાણાંકીય વર્ષની શરૂઆતમાં જ વર્ષ દરમિયાન થનાર આવક કરવામાં આવનાર ખર્ચ તેમજ કરવાના વિકાસના કામો અને આવકના ધોરણો અંગે અગાઉથી લક્ષ્યાંક નક્કી કરવામાં આવે છે. આ લક્ષ્યાંક પાછળ સતત મોનિટરીંગ કરી લક્ષ્યાંકો પરિપૂર્ણ થાય તે માટે સમગ્ર ડીરેકટર તથા સેક્રેટરી સહિતના સ્ટાફ દ્વારા રાત-દિવસ મહેનત કરવામાં આવે છે.
- Advertisement -
ગુજરાત નિયંત્રિત બજાર સંઘ અમદાવાદ દ્વારા વર્ષ 2023-24માં સમગ્ર ગુજરાત રાજ્યમાં કુલ આવકની દ્રષ્ટિએ ત્રીજું સ્થાન પ્રાપ્ત કરવા બદલ બજાર સમિતિના ચેરમેન જયેશભાઈ બોઘરાનું સન્માન કરવામાં આવ્યું છે. અનાજ વિભાગ તેમજ શાકભાજી વિભાગમાં ચેરમેન દ્વારા સતત હાજરી આપીને ખેડૂતો, વેપારીઓ, કમિશન એજન્ટો તેમજ માર્કેટ યાર્ડ સાથે સંકળાયેલા લોકોમાં વિશ્ર્વાસનું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે. બજાર વિસ્તારના ખેડૂત ખાતેદારોના આકસ્મિક અવસાન બદલ તેઓના પરિવારને મદદરૂપ થવા માટે અગાઉ રૂપિયા 2,00,000ની સહાય આપવામાં આવતી હતી જેમાં રૂપિયા 1,00,000નો વધારો કરી રૂપિયા 3,00,000 કરવામાં આવ્યો છે. માર્કેટ યાર્ડમાં કામ કરતાં લાયસન્સદાર હમાલ, મજૂર, તોલાટ વ્યક્તિઓના આકસ્મિક અવસાન બદલ રૂપિયા 50,000 સહાયની નવી યોજના ચાલુ કરવામાં આવી છે. સરકારની ખેડૂતોને લગતી ઓનલાઈન સેવાનો લાભ ખેડૂતોને મળી રહે તે હેતુથી માર્કેટ યાર્ડમાં કિસાન સેવા કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યા છે. બજાર સમિતિ દ્વારા નહીં નફો અને નહીં નુકસાનના ધોરણે બજાર સમિતિ રાજકોટની બ્રાન્ડથી ઘઉં વેચાણ માટેનું રીટેઈલ કેન્દ્ર માર્કેટ યાર્ડમાં ખોલવામાં આવ્યા છે. રાજકોટ માર્કેટ યાર્ડના મુખ્ય યાર્ડ તેમજ સબયાર્ડમાં ડોર ટુ ડોર કચરો એકત્રિત કરી ઘનિષ્ઠ સફાઈ ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે તેમજ બજાર સમિતિના શાકભાજી યાર્ડમાંથી નીકળતા લીલા કચરાના નિકાલ માટે બાયોવેસ્ટ પ્લાન્ટ નાખવામાં આવ્યા છે જેમાં લીલા કચરાનું પ્રોસેસિંગ કરી ઉત્પન્ન થતાં ખાતરનું ખેડૂતોમાં રાહતદરે વિતરણ કરવામાં આવનાર છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં ખરીદ વેચાણ માટે અન્ય રાજ્યમાંથી આવતા વેપારીઓ માટે આરામ ગૃહની સગવડ આપવામાં આવી છે.
માર્કેટ યાર્ડમાં વોટર પ્યુરીફાઈ ટેકનીકથી વોટર પ્લાન્ટ ચાલુ કરવામાં આવ્યું છે જેનાથી બજાર ભાવથી નીચા દરે ગોડાઉન, દુકાનો ધરાવતા માલિકોને ડોર ટુ ડોર પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. માર્કેટ યાર્ડમાં આવતા ખેડૂતો, કામ કરતા વેપારીઓ, કમિશન એજન્ટભાઈઓ, મજુરો અને અન્ય લોકો માટે સમયાંતરે આરોગ્ય નિદાન કેન્દ્ર, મેડિકલ ચેકઅપ જેવી સુવિધાઓ સરકાર તથા અન્ય સંસ્થાઓના સંકલનથી પૂરી પાડવામાં આવે છે. બજાર સમિતિ રાજકોટ દ્વારા સરકાર પાસે વધુ જમીનની માગણી કરવામાં આવેલી છે. જે મંજૂર થયે ત્યાં ખેડૂતોના માલના સ્ટોરેજ હેતુથી ગોડાઉન- દુકાનો અને પ્લેટફોર્મ બનાવવામાં આવનાર છે. સબયાર્ડ ખાતે ચેરમેન દ્વારા સતત હાજરી આપીને માર્કેટ યાર્ડમાં પડ્યા પાથર્યા રહેતા અસામાજિક તત્ત્વો તેમજ લુખ્ખા તત્ત્વોને દૂર કરવામાં આવ્યા છે તેમજ ભવિષ્યમાં પણ આવી પ્રવૃત્તિ ન થાય તે માટે પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવ્યું છે. બજાર સમિતિ રાજકોટના મુખ્ય યાર્ડ તથા સબયાર્ડ 100 ટકા સીસીટીવી સર્વેલન્સથી આવરી લીધેલી છે. બજાર સમિતિ રાજકોટનાં ખેડૂતોના માલને વાતાવરણની પ્રતિકુળ અસરથી બચાવવાના હેતુથી નવી બનાવવામાં આવેલ પીઈબી શેડ સમગ્ર રાજ્યમાં સૌથી મોટો છે.
બજાર સમિતિ રાજકોટના મુખ્ય યાર્ડમાં હયાત પ્લેટફોર્મ વચ્ચેના રોડને પણ કવર કરી પ્લેટફોર્મ ઉપર ડોમ બનાવવામાં આવેલો છે જેથી વરસાદી વાતાવરણથી સંપૂર્ણ સુરક્ષા આપી શકાય છે. ચાલુ વર્ષમાં હવે પછી પેટ્રોલ પંપ, ઓકશન રોડ, રંગરોગાન જેવા અંદાજિત 8 કરોડથી વધુના પ્રકલ્પોની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. ચેરમેન જયેશભાઈ બોઘરા, વાઈસ ચેરમેન વસંતભાઈ ગઢીયા તથા બોર્ડ ઓફ ડીરેકટરોની પ્રથમ ટર્મ દરમિયાન કુલ 4084.32 લાખના વિકાસ કામો કરવામાં આવ્યા છે.