બુમરાહે બોલિંગમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે અને ઇંગ્લેન્ડમાં રમાયેલી ટેસ્ટ શ્રેણી દરમિયાન સૌથી વધુ વિકેટ ઝડપનારો ભારતીય બોલર બની ગયો છે.
બુમરાહે અણનમ 31 રનની ઇનિંગ રમી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એજબેસ્ટનમાં રમાઈ રહેલી રિશેડ્યૂલ ટેસ્ટ મેચમાં ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે ટીમની કમાન સંભાળી રહ્યો છે. બર્મિંઘમ ટેસ્ટની 3 દિવસની રમત પસાર થઈ ગઈ છે અને અત્યાર સુધી આ રમતની કપ્તાની કરતા જસપ્રિત બુમરાહ બેટ અને બોલ બંનેથી મેચની મજા માણતા જોવા મળી રહ્યા છે. પ્રથમ ઇનિંગમાં બેટિંગ કરતા બુમરાહે અણનમ 31 રનની ઇનિંગ રમી હતી, ત્યાંરે બોલિંગ કરતા સમયે તેણે 3 વિકેટ પોતાના નામે કરી હતી.
- Advertisement -
બુમરાહે ભુવનેશ્વરને પાછળ છોડ્યો
ગયા વર્ષે શરૂ થયેલી આ 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં જસપ્રિત બુમરાહે અત્યાર સુધીમાં 21 વિકેટ ઝડપી છે અને આ યાદીમાં ટોચના ક્રમાંકિત ભુવનેશ્વર કુમાર (2014, 19 વિકેટ)ને પાછળ છોડી દીધો છે. આ યાદીમાં પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાનનું નામ પણ સામેલ છે, જેણે 2007માં રમાયેલી 3 મેચની ટેસ્ટ શ્રેણી દરમિયાન 18 વિકેટ ઝડપી હતી. આ દિગ્ગજો ઉપરાંત ભારતના ફાસ્ટ બોલર ઈશાંત શર્મા (2018, 18 વિકેટ) અને લેગ સ્પિનર સુભાષ ગુપ્તે (17 વિકેટ, 1959)ના નામ પણ સામેલ છે. બોલિંગમાં આ સિદ્ધિ હાંસલ કરતાં પહેલાં જસપ્રિત બુમરાહે બેટથી ધમાલ મચાવ્યો હતો અને ટેસ્ટ ક્રિકેટની એક ઓવરમાં સૌથી વધુ રન બનાવનારો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો.
બેટિંગમાં પણ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
જસપ્રિત બુમરાહે ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડ સામે એક ઓવરમાં 4 ચોગ્ગા, 2 છગ્ગા અને એકસ્ટ્રા રનની મદદથી કુલ 35 રન બનાવ્યા હતા અને બ્રાયન લારા (28)નો રેકોર્ડ તોડ્યો હતો. આ સાથે સ્ટુઅર્ટ બ્રોડ ટી-20 અને ટેસ્ટ ક્રિકેટનો સૌથી મોંધી ઓવર બોલિંગનો બોલર બની ગયો છે.
ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને 416 રન બનાવ્યા
બર્મિંઘમમાં રમાઇ રહેલી આ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને 416 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ જોની બેયરસ્ટો (106)ની શતકીય ઇનિંગની મદદથી 284 રન જ બનાવી શકી હતી. ત્રીજા દિવસની રમતના અંતે ભારતીય ટીમે ચેતેશ્વર પુજારા (50) અને ઋષભ પંત (30)ની અણનમ ઈનિંગના આધારે 125 રન બનાવ્યા છે અને લીડને 257 રન સુધી પહોંચાડી દીધી છે.
- Advertisement -