રેસકોર્સ ગ્રાઉન્ડમાં સાંસ્કૃતિક કાર્યક્રમો માટે સ્ટેજ, રમકડા, ખાણીપીણી અને આઇસ્ક્રીમના સ્ટોલ તેમજ ચકડોળ અને રાઇડસ ઉભા કરવા માટે રાત – દિવસ કામગીરી : સીસીટીવી કેમેરા માટે તાબડતોબ ટેન્ડર કરાયું.
રાજકોટ લોકમેળા સમિતિ અને કલેકટર તંત્ર દ્વારા આગામી તા. 24ને શનિવારથી રેસકોર્સ ગ્રાઉન્ડમાં આયોજિત કરાયેલા જન્માષ્ટમીના પાંચ દિવસીય લોકમેળાને આડે હવે માત્ર ચાર દિવસ જ બાકી રહ્યા હોય આ અંગેની તૈયારીઓ કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ પુરજોશમાં આગળ ધપાવવામાં આવી રહી છે.
- Advertisement -
સૌરાષ્ટ્રની ભાતીગળ લોકસંસ્કૃતિની ઝલક આપતા આ લોકમેળાનો પ્રારંભ થતા જ બાળકોથી લઇ મોટેરાઓ અવનવી રાઇડસ-ચકડોળની મોજ મજા માણવાની સાથે જ ખાણીપીણીની લિજજત અને રમકડા ખરીદીનો આનંદ લૂંટશે.
અહીં એ ઉલ્લેખનીય છે કે, રાજકોટના લોકો પોતાના આગવા અંદાજમાં જ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરે છે. રાજકોટનો લોકમેળો એ પ્રતિ વર્ષ સૌરાષ્ટ્રભરમાં આકર્ષણનું કેન્દ્ર બને છે. લોકમેળામાં ચકડોળ-રાઇડસની મોજ મજા તેમજ ખાણીપીણીની લિજજત અને રમકડા ખરીદીની સાથે અવનવા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ જમાવટ કરશે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના પગલે મેળા માટે કડક એસઓપી અમલી બનાવતા રાજકોટમાં આ વખતે ખાનગી મેળાના આયોજન આયોજકોએ માંડી વાળ્યા હોય લોકમેળામાં ચિકકાર જનમેદની ઉમટી પડશે. લોકમેળોનો પ્રતિ વર્ષ 13 થી 14 લાખ લોકો મહાલવાનો લાભ લેતા હોય છે.
પરંતુ આ વખતે ખાનગી મેળાના આયોજન પડતા મૂકાયાચ હોય લોકમેળામાં જનમેદનીનો આંકડો રેકોર્ડબ્રેક થવાની શકયતા વ્યકત કરવામાં આવી રહી છે. જોકે આ વખતે લોકમેળામાં સ્ટોલની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે. લોકમેળામાં લોકોની ભીડને નિયંત્રીત કરવા માટે કલેકટર તંત્ર દ્વારા વિશેષ રૂપથી પગલા લેવામાં આવનાર છે. ડ્રોનથી પણ મોનીટરીંગ કરવામાં આવનાર છે. આ માટે વિશેષ આયોજન ઘડી કાઢવામાં આવેલ છે.
- Advertisement -
રેસકોર્સ ગ્રાઉન્ડમાં રમકડા, ખાણીપીણી અને આઇસ્ક્રીમ માટે સ્ટોલ તેમજ ચકડોળ અને અવનવી રાઇડસ માટે ચકડોળ ઉભા કરવાની તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે મંચ તૈયાર કરવાની કામગીરી રાત-દિવસ વેગવાન બનાવવામાં આવી છે. લોકમેળાના કંટ્રોલ રૂમમાં રેવન્યુ કર્મચારીઓ રાઉન્ડ ધ કલોક ફરજ બજાવશે તેમજ સીસીટીવી કેમેરા માટે પણ તાબડતોબ ટેન્ડર કરાયું છે.