ખાસ-ખબર ન્યૂઝ જામનગર
જામનગરમાં આવેલા ટાઉન હોલ પાસેની એક કપડાની દુકાનના માલિકે જાણીતી રાજલક્ષ્મી બેકરીમાંથી પફ મંગાવ્યા હતા. જ્યારે દુકાનદાર રાઠોડ ભગીરથસિંહે આ પફ ખાવાનું શરૂ કર્યું ત્યારે તેમને ચોંકાવનારી ઘટના બની. પફમાં એક મરેલો વંદો મળ્યો હતો. આ ઘટના બાદ દુકાનદારે તરત જ ફૂડ વિભાગને જાણ કરી હતી. ફૂડ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. આ મામલે બેકરી સંચાલક સામે કાર્યવાહી કરવાની શક્યતા છે. ફૂડ સેફ્ટી અંગે લોકોમાં જાગૃતિ આવે તે જરૂરી બની ગયું છે.
- Advertisement -
મહાનગરપાલિકાની ફૂડ શાખા પાસે ખોરાકમાં ઉપયોગમાં લેવાતાં પાણીની એસિડિક વેલ્યૂ, ટીડીએસ કે ઓક્સિજનનું પ્રમાણ વગેરે ચકાસવાના સાધનો નથી, આવડાં મોટા શહેરમાં ફૂડ શાખા પાસે ખાણીપીણીની ચીજોની કવોલિટી તથા નમૂનાઓ ચકાસવા માટેની લેબોરેટરી નથી. શહેરના દરેક વોર્ડમાં બે ફૂડ ઈન્સ્પેક્ટર સતત, સપ્તાહના સાતેય દિવસ ખાણીપીણીની ચીજોનું એકધારૂં ચેકિંગ કરે, નમૂનાઓ મેળવે, ફટાફટ રિપોર્ટની વ્યવસ્થાઓ કરે તો આ શાખા થોડી વધુ કાર્યક્ષમ બની શકે. ઓછા સ્ટાફને કારણે શહેરમાં પથરાયેલા ખાણીપીણીના હજારો ધંધાર્થીઓને ચકાસવાની ફૂડ શાખાની કામગીરીમાં એક ધંધાર્થીનો વારો એક વરસેય ન આવે, જેને કારણે ખાણીપીણીની ચીજોની કવોલિટીની બાબતે કાયમી ધોરણે લાલિયાવાડીઓ ચાલી રહી છે અને લાખો નગરજનોનું આ દ્રષ્ટિએ સ્વાસ્થ્ય રામભરોસે છે.