ડૉ. કુમાર વિશ્ર્વાસની જલકથા પૂર્વે જળસંચય સાથે જનશક્તિને જોડવાનો સ્તુત્ય પ્રયાસ
ગીરગંગા પરિવાર ટ્રસ્ટના અનેકવિધ કાર્યક્રમોમાં ભારે ઉત્સાહ: તૈયારીઓનો ધમધમાટ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળ સંરક્ષણ માટે 1,11,111 જળસંચય કાર્યોના લક્ષ્ય સાથે યોજાનાર ડો. કુમાર વિશ્ર્વાસની ‘જલકથા: અપને અપને શ્યામ કી’ પૂર્વે દેશભરની 111 પવિત્ર નદીઓના એકઠા કરાયેલા જળનું આર્ષ વિદ્યા મંદિરના સ્વામી પરમાત્માનંદજી અને અન્ય સંતોના હસ્તે ‘જળકલશ મહાપૂજન’ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં 1,11,111 જળસંચય કાર્યો કરવાના મહાસંકલ્પ સાથે જળસંચયના કાર્યમાં જનશક્તિને જોડવા અને જનજાગૃતિ માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ખ્યાતનામ કવિ, તત્ત્વચિંતક અને યુગ વક્તા ડો. કુમાર વિશ્ર્વાસની જલકથા યોજાઈ રહી છે. ડો. કુમાર વિશ્ર્વાસ તેમની આગવી શૈલીમાં ‘જલકથા: અપને અપને શ્યામ કી’ દ્વારા પાણીના મહત્ત્વ અને જળસંચયની તાતી જરૂરિયાતને લોકમાનસ સુધી પહોંચાડશે. આ જળકથા એક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક માધ્યમ બનીને લોકોને જળ સંરક્ષણના મહાઅભિયાન સાથે જોડવાનો પ્રયાસ છે.
- Advertisement -
આ જળકથા પૂર્વે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સમગ્ર ભારતની 111 પવિત્ર નદીઓના જળ એકત્ર કરીને એક ‘જળકલશ મહાપૂજન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર કાર્યક્રમમાં સંતો અને અગ્રણીઓના હસ્તે પવિત્ર નદીઓના જળથી ભરાયેલા કલશનું શાસ્ત્રોક્ત રીતે પૂજન કરવામાં આવ્યું હતું.
ગત રવિવારે સાંજે કાલાવડ રોડ સ્થિત સેફ્રોન પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમ પ્રસંગે બોલતાં પરમાત્માનંદજીએ જણાવ્યું હતું કે ગીરગંગા પરિવારનું કાર્ય માત્ર એક ટ્રસ્ટનું કાર્ય નથી, પણ તે એક મહાન જળયજ્ઞ છે. આ સંસ્થાએ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જળ સંચય અને સંવર્ધન કરીને સુકા પડેલા જળસ્ત્રોતોને પુનર્જિવત કર્યાં છે જે પ્રકૃતિ અને જીવસૃષ્ટિ માટે મોટા આશીર્વાદરૂપ છે. ગીરગંગાના પ્રયાસો થકી પાણીનું ટીપેટીપું સચવાય છે, જે આવનારી પેઢીઓ માટે જળ સુરક્ષાની ખાતરી આપે છે.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયાએ જણાવ્યું હતું કે પાણી એ જીવનનો આધાર છે અને સૌરાષ્ટ્ર જેવા વિસ્તારમાં તેના સંચયનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે. ટ્રસ્ટનો ઉદ્દેશ્ય જનશક્તિને જોડીને આ અભિયાનને એક જનઆંદોલન બનાવવાનો છે, જેથી આવનારી પેઢીને જળ સુરક્ષાનું કવચ મળી રહે.
આ પ્રસંગે જળસંચયની આવશ્યકતા પર ભાર મૂકતાં પ્રકાશભાઈ ભાલાળા, ભાવેશભાઈ સખીયા અને ગીતાંજલિ કોલેજના સંચાલક શૈલેષભાઈ જાનીએ પણ પ્રાસંગિક ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે જળસંચય એ માત્ર સરકારી કે સ્વૈચ્છિક સંસ્થાઓનું કામ નથી પરંતુ તે દરેક નાગરિકની નૈતિક ફરજ છે. દરેક વ્યક્તિએ પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ અને જળસ્ત્રોતોને પુનર્જિવત કરવાના કાર્યમાં સહભાગી થવું જોઈએ, તો જ જળસંકટમાંથી કાયમી મુક્તિ મળશે.
દેશભરની 111 પવિત્ર નદીઓના જળ એકત્રિત કરવા માટે સર્વે ભાવેશભાઈ સખીયા, પ્રવીણભાઈ ટોપિયા, મયુરભાઈ સખીયા, ગોપાલભાઈ સખીયા, અલ્પેશભાઈ સખીયા, ડો. યશવંતભાઈ ગોસ્વામી, કોર્પોરેટર જ્યોત્સનાબેન ટીલાળા વગેરેએ જહેમત ઉઠાવી હતી. આ પૂજન દ્વારા ટ્રસ્ટે રાષ્ટ્રની પવિત્ર ભાવનાને જળ સંરક્ષણના મહાઅભિયાન સાથે જોડીને જનજાગૃતિ ફેલાવવાનો પાયો નાખ્યો છે, જે આગામી સમયમાં આયોજિત ‘જલકથા’ના માધ્યમથી વધુ વેગ પકડશે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રમુખ દિલીપભાઈ સખીયા, જમનભાઈ ડેકોરા, પ્રતાપભાઈ પટેલ, રમેશભાઈ ઠક્કર, વિરાભાઈ હુંબલ, વસંતભાઈ લીંબાસીયા, હરીશભાઈ લાખાણી, જેન્તીભાઈ સરધારા, ગોવિંદભાઈ પટેલ, પરસોતમભાઈ કમાણી, ગૌતમભાઈ ધમસાણીયા, જયેશભાઈ ઉપાધ્યાય, ભરતભાઈ ટીલવા, ભરતભાઈ દોશી, મનુભાઈ સૈજા, રમેશભાઈ શીંગાળા, પ્રવીણભાઈ ભુવા, અરવિંદભાઈ લાવડીયા, સુરેશભાઈ દેસાઈ, અશોકભાઈ મોલિયા, આશિષભાઈ વેકરીયા, મુકેશભાઈ સાંગાણી, ડો. દેવાંગીબેન મૈયડ, પુજાબેન પટેલ વગેરે ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા.



