શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું: શોભાયાત્રામાં રઘુવંશી સમાજ ઉમટી પડ્યો 
શોભાયાત્રામાં જલારામબાપાનું જીવન ચરિત્ર, સામાજિક સંદેશા આપતા વિવિધ ફ્લોટ્સને પ્રદર્શિત કરાયા 
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.30
સંત શિરોમણી ભક્તશ્રી જલારામબાપાની 226મી જન્મ જયંતી વીરપુરમાં ધામધૂમથી ઉજવાઈ હતી. શહેરમાં ઠેર-ઠેર ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેરના ભીલવાસ વિસ્તારમાં આવેલા જલારામ મંદિરમાં પણ સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. ત્યારબાદ આખો દિવસ ધૂન-ભજન-કીર્તન કરી બાપાની ભક્તિ કરાઇ હતી. આ તકે અન્નકૂટ ધરી, મહાઆરતી તથા મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. બીજી તરફ જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા નીકળી હતી. જેમાં બાપાનું જીવન ચરિત્ર, પાત્રો તથા સામાજિક સંદેશા આપતા વિવિધ ફ્લોટ્સ પણ તૈયાર કરાયા હતા. દર વર્ષે સુશોભિત કરેલા રથમાં શોભાયાત્રા નીકળતી હોય છે, પરંતુ પહેલી વાર સુશોભિત કરેલી વિન્ટેજ કારમાં બાપાની મૂર્તિ રાખી શોભાયાત્રા નીકળી હતી. જેથી ઉંમરલાયક લોકો પણ સરળતાથી દર્શન તથા ફૂલહાર કરી શકે તે માટે આ વિશેષ આયોજન કરાયું હતું.
- Advertisement -
જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા આયોજીત શોભાયાત્રા ચૌધરી હાઈસ્કૂલ ખાતેથી નીકળી રાજકોટના મુખ્યમાર્ગો પર નીકળી હતી. જેની શરૂઆત મેયર નયનાબેન પેઢડિયા અને શાસક પક્ષના નેતા મનીષ રાડીયા દ્વારા કરવામાં આવી હતી. આ શોભાયાત્રામાં રઘુવંશી સમાજ ઉમટી પડ્યો હતો. રઘુવંશી સમાજના અનેક લોકોએ આરતી, પ્રસાદ અને દર્શનનો લાભ લીધો હતો. સંત શિરોમણી શ્રી જલારામ બાપા ગુજરાતના એક સુપ્રસિદ્ધ સંત હતા, જેઓ નિ:સ્વાર્થ સેવા અને ગરીબોની મદદ માટે જાણીતા છે. તેમણે પોતાનું જીવન પ્રાર્થના અને અન્યોને મદદ કરવા માટે સમર્પિત કર્યું હતું. વીરપુરમાં તેમણે અન્નક્ષેત્રની સ્થાપના કરી હતી, જ્યાં તમામ જાતિના લોકોને મફત ભોજન પૂરું પાડવામાં આવતું હતું. તેઓ ભગવાન રામના ભક્ત તરીકે પૂજનીય છે અને તેમની સ્મૃતિ આજે પણ લોકોને પ્રેરણા આપે છે.



 
                                 
                              
        

 
         
        