1 મહિનામાં રૂા.10 લાખ ચૂકવવા કોર્ટનો આદેશ, નહીંતર વધુ 6 મહિનાની જેલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં ઈમ્પિરિયલ પેલેસ હોટલ સામે ડો. યાજ્ઞિક રોડ ઉપર ધંધો કરતાં ફરિયાદી હરિભાઈ ચંદારાણા પાસેથી જસદણની જલારામ જિનિંગ ફેકટરીના ભાગીદારોએ લીધેલ રકમ રૂા. 50,00,000માંથી રકમ રૂા. 10,00,000 પરત અદા કરવા ઈસ્યુ કરી આપેલો ચેક રિટર્નનો કેસ ચાલી જતાં સાબિત થતાં રાજકોટના મહે. એડી. ચીફ જ્યુડિ. મેજિ.એ ચેક રિટર્ન કેસમાં દોઢ વર્ષની સજા તથા રૂા. 10,00,000 ફરિયાદીને એક માસમાં ચૂકવવામાં કસૂર કરવામાં આવે તો છ માસની વધુ સજા કરતો હુકમ ફરમાવેલ છે.
રાજકોટ શહેરમાં ડો. યાજ્ઞિક રોડ પર ઈમ્પિરિયલ પેલેસ હોટલ સામે માધવ કોમ્પલેક્ષમાં ધંધો કરતાં ફરિયાદી હરીભાઈ રામજીભાઈ ચંદારાણા પાસેથી જસદણ મુકામેની જલારામ કોટન એન્ડ પ્રોટીન્સ લિ.ના ભાગીદાર આરોપી આનંદભાઈ અરવિંદભાઈ પોપટે સંબંધના દાવે ધંધાના વિકાસ માટે લીધેલી રકમ રૂા. 50,00,000માંથી રકમ રૂા. 10,00,000 પરત કરવા આરોપી જલારામ જિનિંગ ફેકટરીના ભાગીદાર દરજ્જે ચેક ઈસ્યુ કરી આપેલ તથા લેણાનો પત્ર લખી આપેલ અને ઈસ્યુ કરી આપેલ ચેક ફરિયાદી તેના બેંક ખાતામાં રજૂ રાખે એટલે ચેક પાસ થઈ જશે, પરત ફરશે નહીં તેવા વચન, વિશ્ર્વાસ અને ખાત્રીના આધારે ફરિયાદીએ બેંકમાં ચેક રજૂ કરતાં પાસ ન થતાં આરોપીને ડિમાન્ડ નોટીસ આપવા છતાં રકમ પરત ન કરતા આરોપી વિરુદ્ધ રાજકોટના મહે. એડી. ચીફ જ્યુડિ. મેજિ.ની કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી.
ઉપરોક્ત કેસ ચાલી જતાં આરોપી તરફે એવી દલીલો કરવામાં આવેલી કે આરોપીએ ફરિયાદીના પુરાવાનું સચોટ ખંડન કરેલ હોય, નિર્દોષ ઠરાવી છોડી મૂકવા કરેલ રજૂઆત સામે ફરિયાદીના એડવોકેટ સુરેશ ફળદુ દ્વારા વિવિધ મુદ્દે લંબાણપૂર્વકની દલીલો કરવામાં આવેલી હતી.
- Advertisement -
રેકર્ડ પરના રજૂ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓને સમગ્રપણે ધ્યાને લેતાં ફરિયાદ પક્ષની હકીકતોને સોગંદ પરના પુરાવાથી દસ્તાવેજી પુરાવાને સંપૂર્ણ સમર્થન મળે છે. આરોપીએ ફરિયાદીનું કાયદેસરનું લેણું પરત કરવા ચેક ઈસ્યુ કરી આપેલની હકીકતને સમર્થન મળે છે. ફરિયાદીએ એન.આઈ. એક્ટના તમામ આવશ્યક તત્ત્વો પૂરવાર કરેલા છે તેમજ ચેક આપેલ નહીં હોવાની કે ચેકમાં પોતાની સહી નહીં હોવાનો આરોપીનો બચાવ નથી, ફરિયાદ પક્ષના પુરાવાનું ખંડન કરતો ખંડનાત્મક પુરાવો આરોપી રેકર્ડ પર લાવવામાં સફળ થયેલ નથી ત્યારે ફરિયાદીનો કેસ પૂરવાર માની આરોપી જલારામ જિનિંગ ફેકટરી, આનંદભાઈ અરવિંદભાઈ પોપટને દોઢ વર્ષની સજા ઉપરાંત ચેકની રકમ રૂા. 10,00,000 એક માસમાં ફરિયાદીને ચૂકવવામાં આરોપી કસુર કરે તો વધુ છ માસની એ રીતે સજા ફરમાવતો સિમાચિન્હરૂપ ચૂકાદો ફરમાવવામાં આવ્યો છે.
ઉપરોક્ત કામના ફરિયાદી હરીભાઈ ચંદારાણા વતી રાજકોટના જાણીતા એડવોકેટ લલિતસિંહ જે. શાહી, સી. એમ. દક્ષિણી, સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, પાર્થ સંઘાણી, જસ્મીન દુધાગરા, જય પીઠવા તથા મદદમાં યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, ભાવીન ખુંટ, આર્યન કોરાટ, જયમલ મકવાણા રોકાયેલા હતા.