ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
પરમ પૂજ્ય સંત શિરોમણી જલારામ બાપાની 226મી જન્મજયંતિ (કારતક સુદ સાતમ) ને લઈને જૂનાગઢના લોહાણા સમાજમાં ઉત્સવનો માહોલ છે. લોહાણા સમાજ માટે આ દિવસ દિવાળી સમાન ગણાય છે. બાપાના ’હંમેશા આપતા રહો’ ના સંદેશને જીવનમાં ઉતારવા માટે ભક્તિ, દાન અને સેવાની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
જલારામ જયંતિ નિમિત્તે જૂનાગઢ લોહાણા જ્ઞાતિ દ્વારા ગિરનાર રોડ પરના માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે વિશાળ સમૂહ ભોજન ’નાત’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગિરનાર રોડ પર આવેલી લોહાણા મહાજનવાડી ખાતે શુદ્ધ ઘીમાંથી બનેલા અડદિયા, મીઠી ગુંદી અને મજેદાર ગાઠીયાના પ્રસાદનો સ્ટોક તૈયાર કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં જલારામ ભક્તો માટે સમૂહ પ્રસાદની વ્યવસ્થા અંતિમ તબક્કામાં છે. જલારામ બાપાના ઉપદેશ “દેને કો ટુકડો ભલો લેને કો હરી નામ”ને ચરિતાર્થ કરતાં લોહાણા સમાજ દ્વારા આ પ્રસંગે એક વિશાળ રક્તદાન કેમ્પનું પણ મહત્વનું આયોજન કરાયું છે, જે ખરા અર્થમાં જીવનદાન સમાન બની રહેશે. આ રક્ત એકત્રિત કરીને સરકારી હોસ્પિટલમાં સગર્ભા બહેનો, થેલેસેમિયા પીડિત બાળકો અને અકસ્માતગ્રસ્ત દર્દીઓ માટે ઉપયોગી બનાવવામાં આવશે. લોહાણા મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂએ જણાવ્યું કે, બાપાની સેવા અને દાનની પરંપરા જાળવવાનો અમારો આ નાનો પ્રયાસ છે. આ દિવસે સમૂહ પ્રસાદ સાથે રક્તદાન પણ એક વિશેષ કાર્યક્રમ બની રહે છે, જે સેવા અને ધર્મને જોડતો પવિત્ર યજ્ઞ છે. લોહાણા સમાજની આ તૈયારી એ સિદ્ધાંતને ફરી જીવંત કરે છે કે, જ્યાં દાન છે, ત્યાં જલારામ છે.



