દીક્ષા મારવાડી વિરુદ્ધમાં કુલ 17 ગુના દાખલ: સ્ટેટ મોનિટરીંગ સેલે બૂટલેગરના સાથીઓને માત આપીને દીક્ષાને કોલર ખેંચીને ગાડીમાં બેસાડી દીધો હતો
ખાસ-ખબર સંવાદદાતા
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે પરંતુ રોજબરોજ દારૂની પ્રોહિબિશનના ગુનાઓ વધી રહ્યા છે. રાજ્યમાં દારૂનો ધંધો માટાપાયે વિકસ્યો છે. જો કે ગુજરાતમાં સુવ્યવસ્થિત રીતે ચાલી રહેલા દારૂના નેટવર્કને તોડવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલ હવે એક બાદ એક ઓપરેશન હાથ ધરી બૂટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલી રહ્યું છે. તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે એક ઓપરેશન હાથ ધરી રાજસ્થાનના સિરોહી જિલ્લાના ધાન્તા ગામમાંથી લિકર-માફિયા વિનોદ સિંધીના સાથી એવા આનંદપાલ સિંહ ઉર્ફે દીક્ષા મારવાડીને પકડી લીધો છે. દીક્ષા મારવાડીને ઝડપી લેવા માટે જખઈએ ફિલ્મી સ્ટાઈલમાં ઓપરેશન પાર પાડ્યું હતું, જેમાં જીવ પણ જોખમમાં મુકાયો હતો છતાં આ ટીમે બૂટલેગરના સાથીઓને માત આપીને દીક્ષાને કોલર ખેંચીને ગાડીમાં બેસાડી દીધો હતો. ભલભલાના શ્ર્વાસ થંભાવી દે એવું આ ઓપરેશન સ્ટેટ મોનિટરીંગ સેલે પુરૂ પાડ્યું હતું.
- Advertisement -
આ અંગે સ્ટેટ મોનિટરીંગ સેલના ડીવાયએસપી કે.ટી. કામરિયાએ જણાવ્યું હતું કે સિરોહી જિલ્લા રાજસ્થાનનું ધાન્તા નામનું ગામ છે. ત્યાંનો બૂટલેગર આનંદપાલ સિંહ ઉર્ફે દીક્ષા સમદરસિંહ દેવડા રાજપૂત ઉર્ફે દીક્ષા મારવાડી છે. દીક્ષા મારવાડી નામથી ઓળખાતો આ બૂટલેગર લિકર-માફિયા વિનોદ સિંધીનો મુનીમ હતો અને 2016થી નાસતો ફરતો હતો. દીક્ષા મારવાડી વિરુદ્ધમાં કુલ 17 ગુના દાખલ થયા હતા. આ 17 ગુનામાંથી ચાલુ વર્ષે જખઈ દ્વારા 7 ગુના દાખલ થયા છે, જેમાં તે વોન્ટેડ હતો. આ બૂટલેગર પર અમારી ટીમ વોચ ગોઠવીને બેઠી હતી. આ દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલને જાણ થઈ કે દીક્ષા હાલ ધાન્તા ગામમાં ફાર્મહાઉસ પર હાજર છે. અમારી ટીમ ત્યાં જવા માટે તાબડતોબ રવાના થઈ હતી. અમારી ટીમ વોચ ગોઠવીને બેઠી હતી એ દરમિયાન ખબર પડી કે આનંદપાલ સિંહ તેના ફાર્મ હાઉસમાં હાજર છે, જેથી અમે રેડ કરતાં તે મળી આવ્યો હતો. ત્યાર બાદ ટીમ તેને લઈને સીધી ગાંધીનગર અને અમદાવાદ ખાતે આવવા માટે રવાના થઈ હતી.
ડીવાયએસપીએ વધુમાં કહ્યું કે, ‘અમે બે અધિકારી પૂર્વ તૈયારી રૂપે વેપન લઈને ગયા હતા. અમને ખબર હતી કે દીક્ષા મારવાડી મોટી ગાડી વાપરે છે અને પોલીસ જાય તો હુમલો કરી શકે છે. અમારી ટીમમાં 4 જ લોકો હતા. અમે 1-1.30 વાગ્યાની આસપાસ ધાન્તા પહોંચી ગયા હતા ત્યાં રાહ જોઈ. અમે પહેલા વેરિફાઈ કર્યું કે આ ત્યાં હોય શકે કે નહીં? ત્યારે એ ફાર્મહાઉસમાં નહોતો. એ 4 વાગ્યાની આસપાસ આવ્યો હતો, જેથી અમે જોવા માટે ત્યાંથી પસાર થયા. એક વ્યક્તિ એના ફાર્મહાઉસની આગળ રેકી માટે ઊભી હતી. એ અમને ખબર ન પડે એ રીતે જોઈ રહ્યો હતો. ત્યારે ખ્યાલ આવી ગયો કે અહીં કંઈક છે. ત્યારે અમે ફાર્મહાઉસ આગળથી સીધા નીકળી ગયા. એક કિલોમીટર આગળ ગયા. પછી નક્કી કર્યું કે પરેફેક્ટ છે એટલે ગાડીનો યુ ટર્ન મારીને સીધે સીધી ફાર્મહાઉસમાં જ ગાડી ઘુસાડી દીધી. લકીલી એ વખતે ફાર્મહાઉસનો દરવાજો પણ ખુલ્લો હતો. જ્યારે રેકી કરનારી વ્યક્તિ ત્યાંથી ગાયબ હતી.’
- Advertisement -
‘દીક્ષા મારવાડી વિનોદ સિંધી માટે દારૂ પૂરો પાડવાથી લઈ પૈસા મેનેજ કરતો’
રાજસ્થાનમાં રેડ કરીને તેના ઘરેથી બૂટલેગર દીક્ષા મારવાડીને ઝડપી લાવનાર જખઈના ટીમના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે જ્યારે વિનોદ અહીં હતો ત્યારે આનંદપાલ સિંહ ઉર્ફે દીક્ષા મારવાડી તેના મુનીમ તરીકે કામ કરતો હતો, જેમાં તેના ઠેકા પરથી માલ સપ્લાય કરવાનું અને એનો હિસાબ રાખવાનો એવાં બધાં કામ સંભાળતો હતો.