ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
ગિરનાર પર્વત પર સ્થિત ધાર્મિક સ્થાનોની પવિત્રતા અને સુરક્ષા બાબતે શ્રી ગોરખનાથજીના દલિચાની જગ્યાના પ્રતિનિધિ દ્વારા વહીવટી તંત્રને લેખિતમાં ધારધાર રજૂઆત કરવામાં આવી છે.
ગિરનાર પર્વત પર શ્રી ગોરખનાથ શિખર અને શ્રી ગુરુ દત્તાત્રેય શિખરની મધ્યમાં ઓઘડ શિખર આવેલું છે. આ શિખર પર ઓઘડનાથજીની ચરણ પાદુકાઓ આવેલી છે. આ સ્થળ ગુજરાત રાજ્યના પુરાતત્વ વિભાગના રાજ્ય રક્ષિત સ્મારકની શ્રેણીમાં સામેલ છે અને ગોરખનાથજીના દલિચાની જગ્યા (ટ્રસ્ટ રજિસ્ટર નં. એ-241) હેઠળ રજિસ્ટર્ડ છે. રજૂઆતકર્તાના જણાવ્યા મુજબ, જૈન ધર્મના કેટલાક લોકો દ્વારા ઓઘડ શિખર પર ચઢીને ધજા લગાડી, અસ્પષ્ટ લખાણો લખી અનઅધિકૃત હક સ્થાપિત કરવાની કોશિશ કરવામાં આવી છે. આ પ્રકારના કૃત્યોથી બે સમાજો વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનું અને ગિરનાર પર અશાંતિ ફેલાવવાનું કાર્ય થઈ રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અગાઉ શ્રી ગુરુ શિખર પર થયેલા હુમલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનો કેસ હાલ નામદાર કોર્ટમાં ચાલુ છે. આ ઘટનાથી લાખો સનાતની લોકોની લાગણી દુભાઈ રહી હોવાનું જણાવીને, આવું કૃત્ય કરનારા લોકો તેમજ તેમને ગેરમાર્ગે દોરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.



