ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના જૈનમ પરિવાર દ્વારા સતત 10માં વર્ષે આયોજીત થતો જૈનમ નવરાત્રી મહોત્સવ-2025 તડામાર તૈયારીઓ સાથે અંતિમ ચરણમાં છે. દર વર્ષે જેમ ખેલૈયાઓ અને દર્શકો માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવે છે, તેમ આ વર્ષે પણ આરોગ્ય, આહાર અને સુરક્ષાના પાસાઓને ધ્યાનમાં રાખીને સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
જૈનમ ગ્રાઉન્ડમાં મેડિકલ ઈમરજન્સીને પહોંચી વળવા મિની આઈ.સી.યુ. યુનિટ સેટઅપ કરવામાં આવશે. અહીં બેડ, સ્ટ્રેચર, વ્હીલચેર, પંખા-કુલર સહિતની તમામ સુવિધા સાથે સ્ટેથોસ્કોપ, પલ્સ ઓકસીમીટર, ઇ.સી.જી. મશીન, ગ્લુકોમીટર, ડેફીબ્રિલેટર, બીપી મશીન, મલ્ટીપર્પઝ મોનીટર જેવા આધુનિક સાધનો ઉપલબ્ધ રહેશે.
હદયરોગ હુમલો, છાતી દુખાવો કે અચાનક બેભાન થઈ જવા જેવી પરિસ્થિતિ માટે તાલીમ પ્રાપ્ત ટીમ તત્પર રહેશે. જરૂર પડે ત્યારે દર્દીઓને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવશે.
આ મિની હોસ્પિટલમાં દરરોજ એમ.બી.બી.એસ.થી ઉપરની ડીગ્રી ધરાવતા નિષ્ણાંત ડોકટરો સેવા આપશે. જેમાં ડો. રાજુભાઈ કોઠારી, ડો. અમીતભાઈ હપાણી, ડો. હીરેનભાઈ કોઠારી, ડો. પારસભાઈ ડી. શાહ, ડો. શ્રેણિકભાઈ દોશી, ડો. જયભાઈ તુરખીયા સહિત ફિઝિયોથેરાપિસ્ટ ડો. દેવાંશી કોઠારી સામેલ છે. શિવ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ અને પંચનાથ હોસ્પિટલના સહયોગથી મેડિકલ ઓફિસર, નર્સિંગ સ્ટાફ તથા એમ્બ્યુલન્સ તત્પર રહેશે.
ખેલૈયાઓ માટે આ વર્ષે ખાસ 100% જૈન ફુડ કોર્ટ ઉભું કરવામાં આવ્યું છે. રોજ અલગ-અલગ સ્વાદિષ્ટ અને હાઈઝેનિક વાનગીઓ ઉપલબ્ધ રહેશે. આ વખતે નવી વ્યવસ્થા મુજબ ખેલૈયાઓને મળતા ફુડ કુપન કોઈપણ સ્ટોલ પર રીડીમ કરી શકાશે, જેથી તેઓ પોતાની પસંદગીનું ખાવાનું મેળવી શકે.જૈનમ ગ્રાઉન્ડમાં નાઈટ વિઝન હાઇટેક કેમેરા, ખાનગી સુરક્ષા એજન્સી તેમજ જૈનમ સુરક્ષા સમિતિના સભ્યો દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે. આ ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ખેલૈયાઓ અને તેમના પરિવારજનોને નિર્ભય વાતાવરણ પૂરો પાડે છે. ખાસ કરીને યુવા ખેલૈયાઓ નિરાંતે રાસનો આનંદ માણી શકે તેવા માહોલનું સર્જન થાય છે.આજરોજ યોજાયેલી પ્રેસ મુલાકાતમાં જૈનમ પરિવારના અમિષભાઈ દેસાઈ, ધર્મેશભાઈ બાખાઈ, ચિરાગભાઈ સંઘવી અને અમીતભાઈ લાખાણી ઉપસ્થિત રહી આ આયોજન અંગે વિગતવાર માહિતી આપી હતી.
- Advertisement -
સતત 10માં વર્ષે આયોજીત જૈનમ નવરાત્રી – મિની હોસ્પિટલ, હાઈજેનિક ફુડ કોર્ટ અને ત્રણ સ્તરીય સુરક્ષા સાથે ખેલૈયાઓ માટે વિશેષ માવજત
ખાસ આકર્ષણો
મિની હોસ્પિટલ સેટઅપ : મેડિકલ ઈમરજન્સી માટે આઈ.સી.યુ. લેવલ સુવિધા
ડોકટરોની ટીમ : તજજ્ઞ ડોકટરો દરરોજ રાત્રે 8 થી 12 સુધી હાજર
ફુડ કોર્ટ : 100% જૈન ફુડ, કુપન રીડીમ સિસ્ટમ
સુરક્ષા : હાઇટેક કેમેરા + ખાનગી સુરક્ષા + જૈનમ સુરક્ષા સમિતિ
તારીખ : નવરાત્રી મહોત્સવ-2025 દરમ્યાન સતત 10 દિવસ



