જામીન માટે ખોટા મેડિકલ સર્ટિફિકેટ બનાવી આપનાર રાજકોટના ડોક્ટર ધીરેન ઘીવાલાની ધરપકડ, જેલમાં જ ચાલતું હતું PCO સેન્ટર !

અમરેલી જિલ્લા જેલમાં ચાલતી લાલીયાવાડીનો પર્દાફાશ અમરેલી પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. અમરેલી જિલ્લા જેલમાં એક ગેરકાયદેસર પીસીઓ ચલાવવામાં આવી રહ્યું હતું. જેલમાં જ બેસીને બનાવટી મેડિકલ સર્ટીફીકેટ પણ બનાવડાવવામા આવતા હતા, જેના આધારે કેદીઓને જામીન પણ મળી જતા હતા. આમ ગુનેગારોનો અડ્ડો બની ચૂકેલી આ જેલમાં કોણ કરતુ હતું આવી પ્રવૃત્તિઓ તેનો આખરે પર્દાફાશ થયો છે.

અમરેલી જિલ્લાની જેલ અનેક માથાભારે ગુનેગારોએ પોતાનો અડ્ડો બનાવી દીધો છે. હવે અમરેલી પોલીસ દ્વારા જેલમાં ચાલતા અનેક ગોરખધંધાનો પર્દાફાશ કરાયો છે. અમરેલી જિલ્લા જેલના યાર્ડ નંબર 5 માં આવેલી બેરેક ન.9 અને 10મા વીઆઈપી અને માથાભારે કેદીઓ દ્વારા મોટી સંખ્યામાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરી જુદી જુદી જેલમાં વાત કરાતી હતી. અમરેલી જિલ્લા જેલમાં યાર્ડ નંબર 5 માં કુલ 40 જેટલા આઇએમઇઆઇ અને 17 જેટલા મોબાઈલ નંબરનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે. વીઆઈપી કેદીઓ મોટાપાયે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. હકીકત સામે આવતા જેલના PCO સેન્ટરનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

દરમ્યાન જેલમાંથી ખોટા મેડિકલ સર્ટી બનાવવાનો પણ એક વેપલો ચાલી રહ્યો હોવાનું પોલીસે પર્દાફાશ કર્યો છે. જિલ્લા જેલમાં રહેતો કાંતિ વાળા નામનો કેદીએ રાજકોટના ડોક્ટર ધીરેન પાસેથી પોતાને જામીન મેળવવા માટે ખોટા મેડિકલ સર્ટિફિકેટ બનાવ્યા હતા. તેમજ અન્ય કેદીઓને પણ ખોટા મેડિકલ સર્ટિફિકેટ પર જામીન મેળવવા માટે ડો. ધીરેન ઘીવાલા નામના ડોક્ટરનો સંપર્ક પણ કરાવી આપ્યો હોવાનો ખુલાસો થયો છે.

આમ પોલીસે અમરેલી જેલમાંથી બેઠા બેઠા અન્ય જેલ અને બહારના વ્યક્તિઓ સાથે વાતચીત કરવાની ખોટા મેડિકલ સર્ટિફિકેટને આધારે કેદીઓને જમીન મેળવવા માટે મદદ કરવી, જેવા મોટા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ પ્રવૃત્તિમાં કુલ 12 આરોપીઓ સંડોવાયેલા હોવાનું પોલીસે તપાસમાં ખૂલ્યું છે. જેમા 6 આરોપીઓને પોલીસે જેલમાંથી જ પકડી લીધા છે. આ ઉપરાંત રાજકોટના ડોક્ટર ધીરેન ઘીવાલાને પણ ઝડપી લીધો છે. તો સમગ્ર કૌભાંડમાં હજુ છ આરોપી પકડવાના બાકી છે.