રાજકોટમાં 15મી ભવ્ય રથયાત્રા નીકળી, યુવાનોનાં કરતબ આકર્ષણનું કેન્દ્ર બન્યા
ખાસ-ખબર સંવાદદાતા
આપણે ત્યાં એક એવી માન્યતા છે કે, જગન્નાથ પૂરીમાં આવેલા ભગવાનના નિજધામ સુધી દરેક ભક્તજનો પહોંચી શકતા નથી. આથી દરેક શહેરમાં ભગવાન જગન્નાથના મંદિર આવેલા છે. આજે અષાઢી બીજે દરેક શહેરમાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળી ભાવિકોને સામેથી દર્શન આપે છે. ત્યારે રાજકોટમાં નાનામવા ખાતે આવેલા કૈલાશધામ આશ્રમમા બિરાજતા ભગવાન જગન્નાથ મંદિર ખાતેથી આજે સવારે જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. જેમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીને રથમાં બેસાડી શણગારવામાં આવેલા રથોમાં રથયાત્રા નીકળી છે. ‘જય રણછોડ, માખણ ચોર’ સાથે મોટી સંખ્યામાં લોકો રથયાત્રામાં જોડાયા છે. રથયાત્રામાં યુવાનોના બન્ને હાથમાં તલાવરના કરતબ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
- Advertisement -
રાજકોટ શહેરમાં આજે 15મી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. જેમાં નાના-મોટા સૌ કોઈ અનેરી શ્રદ્ધા સાથે આ રથયાત્રામાં જોડાઈ રહ્યા છે. આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની યાત્રામાં સાધુ-સંતોની સાથે શહેરીજનો પણ જોડાયા હતા. રથયાત્રા દરમિયાન સાધુ-સંતોએ ભગવાન જગન્નાથના સાંનિધ્યમાં લીન થઇને અવનવા કરતબો રજૂ કર્યા હતા અને રથયાત્રાનું ઠેર ઠેર અદભૂત રીતે સ્વાગત કરવામાં આવી રહ્યું છે.
રાજકોટ શહેરમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 22 કિલોમીટરની આ રથયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી રહી છે અને સાંજે આ રથયાત્રા નિજ મંદિરે પહોંચશે અને અહીં ભગવાન જગન્નાથની મહાઆરતી ઉતારવામાં આવશે.