નાનામવાના શ્રી કૈલાસધામ આશ્રમ ખાતેથી 15મી રથયાત્રા નીકળશે
1300થી વધુ સુરક્ષા જવાનોનો ખડેપગે, 60 બોડી વોર્ન કેમેરા અને ડ્રોન કેમેરાનો ઉપયોગ
- Advertisement -
રથયાત્રાનો પ્રારંભ સવારે આઠ વાગ્યે શ્રી કૈલાસધામ ખાતેથી થશે અને સાંજે સાત વાગ્યે નિજ મંદિરે પરત ફરશે
ખાસ-ખબર સંવાદદાતા
આવતીકાલે અષાઢી બીજના દિવસે 15મી રથયાત્રા રાજકોટ શહેરમાં યોજવામાં આવશે. રથયાત્રાનો રૂટ 22 કિમી લાંબો રહેશે. જેને લઇને શહેર પોલીસ એલર્ટ બની બંદોબસ્તમાં તૈનાત રહેશે. રથયાત્રામાં 1307 પોલીસ જવાનો ખડેપગે રહેશે તો 60 બોડી વોર્ન કેમેરા અને ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. નાનામવાના શ્રી કૈલાસધામ આશ્રમથી સવારે 8 વાગ્યે ભગવાનશ્રી જગન્નાથજી, શ્રી બલભદ્રજી અને શ્રી સુભદ્રાજીના રથો રથયાત્રામાં સામેલ રહેશે. સાથોસાથ 55 થી 60 વાહનો ઉપરાંત 2000 થી વધુ ભાવિકો રથયાત્રામાં જોડાશે. રર કિ.મીના રૂટમાં ફર્યા બાદ સાંજે 7 વાગ્યે રથયાત્રા શ્રી ખોડીયાર આશ્રમે પરત ફરશે.
કાલે નાનામવા કૈલાસધામ આશ્રમથી શરૂ થનારી રથયાત્રા શહેરના 22 કિલોમીટર રૂટ પર ફરશે, રથયાત્રા દરમિયાન શહેરીજનોને ટ્રાફિક અવરોધ નડે નહીં તે માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જે મુજબ રથયાત્રાના કેટલાક રૂટ પર જમણી બાજુ વાહનની અવરજવર કરવાની રહેશે તો કેટલાક રસ્તા યાત્રા દરમિયાન સજ્જડ બંધ કરવામાં આવ્યા છે, કેટલાક રસ્તા પર કામચલાઉ ડાયવર્ઝન પણ આપવામાં આવ્યા છે. રાજકોટના મોકાજી સર્કલ પાસે કૈલાશધામ ખાતેથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. જેને લઇને મંદિર દ્વારા પણ તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ભગવાનની રથયાત્રામાં સાધુ-સંતો પણ મોટી સંખ્યામાં જોડાશે. સાથે અલગ અલગ ફ્લોટ્સ તૈયાર કરી રથયાત્રામાં સાથે જોડાવામાં આવશે.
- Advertisement -
વિવિધ સંપ્રદાયો દ્વારા જગન્નાથજીનું સ્વાગત
પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, અષાઢી બીજના રોજ જગન્નાથજીની રથયાત્રા નીકળશે. રથયાત્રા સાથે સંકળાયેલા વિવિધ સંપ્રદાયના લોકો અને રૂટ પર આજુબાજુ રહેતા તમામ સંપ્રદાયના લોકો સાથે શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા એક મિટીંગ યોજવામાં આવી હતી. શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં રથયાત્રા પૂર્ણ થાય તે પ્રકારનો પ્રયાસ રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવનાર છે. રથયાત્રામાં 1307થી વધુ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ જવાનો ખડેપગે હાજર રહેશે.
રથયાત્રાને લઈને પોલીસનું ફૂટ પેેટ્રોલિંગ
રથયાત્રાના રૂટ પર જમણી બાજુ વાહનની આવનજાવન થશે: જાહેરનામું
નાનામવા મોકાજી સર્કલથી ન્યારી સમ્પ, નીલ દા ઢાબા પુષ્કરધામ મેઇન રોડ, આકાશવાણી ચોક, સાધુવાસવાણી રોડ પર જમણી બાજુ વાહનની અવરજવર કરી શકાશે, યુનિ.રોડ સાધુવાસવાણી રોડ ટી પોઇન્ટ, આલાપ ગ્રીનસિટી અને રૈયા રોડ સુધી યાત્રા દરમિયાન કોઇ પણ પ્રકારના વાહનની અવરજવર થઇ શકશે નહીં, અને રોડ ક્રોસ કરી શકશે નહીં. કનૈયા ચોક, બ્રહ્મસમાજ સહિતના નાના ડિવાઇડરથી કોઇપણ પ્રકારના વાહનો રથયાત્રાને ક્રોસ કરી શકશે નહીં. રથયાત્રા સમય દરમિયાન ફૂલછાબ ચોક, સદર બજાર પર વાહન આવનજાવન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
રથયાત્રામાં જોડાવાની અપીલ ધૂણાના મહંત સીતારામબાપુ
આવતીકાલે સમગ્ર રાજકોટમાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. જેને લઈને ધૂણાના મહંત સીતારામબાપુ રીક્ષામાં ફરીને નગરજનોને રથયાત્રામાં જોડાવા માટે અપીલ કરી રહ્યા છે. સીતારામબાપુ ભક્તોનું સ્વાગત કરશે અને સરબત પીવડાવવામાં આવશે