એક યુવાન માતા એના ત્રણ બાળકો સાથે એક ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર ઊભી હતી. લિફ્ટનો દરવાજો ખૂલ્યો અને સૌથી મોટો દીકરો જે સાત વર્ષનો હતો એ લિફ્ટમાં પ્રવેશી ગયો. એને ખબર હતી કે ફર્સ્ટ ફ્લોર પર જવાનું છે. તેણે લિફ્ટનો દરવાજો બંધ કરીને લિફ્ટનું બટન દાબી દીધું. તે ફર્સ્ટ ફ્લોર પર પહોંચી ગયો. બીજા નંબરનો દીકરો ચાર વર્ષનો હતો. તે દાદરના પગથિયાં ચડીને એકલો પહેલા માળે પહોંચી ગયો. ત્રીજો દીકરો માત્ર એક જ વર્ષનો હતો. હજી ડગલાં ભરતાં તાજો જ શીખ્યો હતો. એ ન તો લિફ્ટમાં જઈ શક્યો, ન દાદરના પગથિયાં ચડી શક્યો. એણે બે હાથ ઊંચા કર્યા અને સાચુકલું રડવાનું શરૂ કર્યું. એના ગળામાંથી એક જ શબ્દ નીકળતો હતો, “મા…..! મા…..!” યુવાન માતાએ પોતાના સૌથી નાના બાળકને ઊંચકી લીધો અને તે દાદરના પગથિયાં ચડી ગઈ. માને સૌથી વહાલું કોણ હોય છે? જે બાળક તકલીફમાં હોય છે તે. જે બાળક તેને તેની મદદ માટે પ્રાર્થના કરે છે અને રડે છે તે. જે બાળક બે હાથ ઊંચા કરીને માને વિનવે છે તે. વાસ્તવિક જીવનમાં આવું જ હોય છે. જગતજનની મા ભવાની પોતાના આફતમાં આવેલા સંતાનને અચૂક મદદ કરે છે. જ્યારે જ્યારે આપણે તકલીફમાં હોઈએ એમાંથી ઉગારવા માટે આપણી પાસે લિફ્ટ પણ ન હોય કે પગથિયાં પણ ન હોય ત્યારે બે હાથ જોડીને મા ભવાનીને પ્રાર્થના કરશો તો તે અચૂક દોડી આવશે અને આપણને ઊંચકી લેશે, આપણને છાના રાખશે અને આપણી ઉન્નતિનું કારણ બનશે.
Follow US
Find US on Social Medias