ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.29
અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયામાં ભારે વરસાદ અને પવનના કારણે દરિયો તોફાની બની ગયો હતો. આ તોફાનમાં દરિયાથી 18 નોટિકલ માઈલ દૂર ત્રણ બોટો ડૂબી જવાની ઘટના ઘટી હતી, જેમાં 11 માછીમારો લાપતા થયા હતા. થોડી પહેલાં બે માછીમારોના મૃતદેહ મળી આવ્યા હતાં અને સતત શોધખોળ દરમિયાન વધુ એક માછીમારનો મૃતદેહ મળ્યો છે. જયશ્રી તાત્કાલિક બોટના માછીમાર હરેશ બિજલભાઈ બારૈયાનો મૃતદેહ નવસારીના જલાલપુર તાલુકાના વાસી-બોરસી ગામે મળી આવ્યો હતો. મૃતદેહને પીએમ અને ઓળખ પ્રક્રિયા માટે જલાલપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
જાફરાબાદ મત્સ્યોધ્યોગ કચેરીના અધિકારીએ જણાવ્યા મુજબ, મળેલો મૃતક માછીમાર 37 વર્ષીય હરેશ બિજલભાઈ બારૈયા છે. હજુ 8 માછીમારો લાપતા છે અને હેલીકોપ્ટર તથા જહાજની મદદથી કોસ્ટગાર્ડ ટીમ દરિયામાં શોધખોળ ચાલુ રાખી છે. આ દુર્ઘટનાથી માછીમારોમાં શોકનું મોજું છવાઈ ગયું છે.
જાફરાબાદ: એક વધુ માછીમારનો મૃતદેહ મળી આવ્યો
