વ્હોરા ઉદ્યોગપતિના પુત્રનું શાપરમાંથી અપહરણ થયું હતું જે ગુનામાં અગાઉ 8 આરોપી ઝડપાયા બાદ વધુ એક આરોપીને માલવીયાનગર પોલીસે દબોચી લીધો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના શાપર વેરાવળમાં ફેક્ટરી ધરાવતા વ્હોરા ઉદ્યોગપતિના પુત્રનું અપહરણ કરી 15 કરોડની ખંડણી માંગનાર ઈરફાન ઉર્ફે ભાણાની માલવીયાનગર પોલીસે ધરપકડ કરી છે. શાપરમાં ફેકટરી ધરાવતા અને રાજકોટમાં જ્યુબીલી રોડ પર ધ ગ્રાન્ડ ઠાકર હોટલ પાછળ રહેતા વ્હોરા ઉદ્યોગપતિ શબ્બીરભાઈ ફજલેઅબ્બાસ તેલવાલાના પુત્ર અદનાનનું શાપરમાંથી અપહરણ થયું હતું જે ગુનામાં અગાઉ 8 આરોપી ઝડપાયા બાદ વધુ એક આરોપીને માલવીયાનગર પોલીસે રાજકોટમાંથી દબોચી લીધો છે.
- Advertisement -
પોલીસ સુત્રોનાં જણાવ્યા મુજબ અપહરણનો બનાવ તા. 15 ઓગસ્ટનાં રોજ બન્યો હતો. તેના એક દિવસ પહેલા જ ઇરફાન સહિતનાં આરોપી શાપરમાં આવી ગયા હતા અને અહીં રોકાણ કર્યું હતું. ઇરફાન બસ મારફત આવેલો જ્યારે અન્ય આરોપી કારમાં આવેલા પ્લાન મુજબ બનાવના દિવસે અદનાનની કાર સાથે આરોપીઓએ પોતાની કાર અથડાવી હતી અને જેવો અદનાન તેની કારમાંથી નીચે ઉતર્યો કે તરંત આરોપીઓ તેનું અપહરણ કરી ફરાર થઇ ગયા હતા. અદનાનને રાજુલા વિસ્તારની એક વાડીમાં રાખવામાં આવ્યો હતો.
જો કે ઇરફાનને કોઇ કામ આવી જતાં તે ત્યાંથી નીકળી ગયો હતો. અને ત્યારબાદ અમરેલી સ્થાનિક પોલીસે વાડીમાં દરોડો પાડી અદનાનને છોડાવ્યો હતો અને સ્થળ પરથી ચાર આરોપી નઇમ કનોજીયા, અમીન મંઘરા, અબ્દુલ બુકેરા, હમીદ ઝાખરાને ઝડપી લીધા હતા. આ તરફ શાપર પોલીસે શબ્બીરભાઈની કમલ એન્ટરપ્રાઈઝમાં કામ કરતા કારખાનાના કર્મચારી પુત્ર મોઇનને ઝડપી લીધેલો. આ આરોપીઓ અન્ય આરોપીને ગુનાની ટીપ આપી હતી. તે પછી શાપર પોલીસે વધુ બે શખ્સોને પકડ્યા હતા. અને એમ કુલ 9 આરોપી અત્યાર સુધી ઝડપાઈ ચૂક્યા છે.