બર્લુસ્કોનીનું ગયા મહિને 86 વર્ષની વયે અવસાન થયું હતું
ખાસ-ખબર સંવાદદાતા
ઇટાલીના દિવંગત પૂર્વ પ્રધાનમંત્રી સિલ્વિયો બર્લુસ્કોનીની વસિયત હાલ ખુબ ચર્ચામાં છે. તેમણે પોતાની વસિયતમાં તેમની 33 વર્ષીય ગર્લફ્રેન્ડ માર્તા ફાસિના માટે 100 મિલિયન યુરો એટલે કે 906 કરોડ રૂૂપિયાથી વધુ છોડ્યા છે. બર્લુસ્કોનીનું ગયા મહિને 86 વર્ષની વયે અવસાન થયું હતું. બર્લુસ્કોની છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. બર્લુસ્કોનીનું નામ પણ વિવાદોમાં સામેલ હતું અને વર્ષ 2013માં તેઓ સેક્સ સ્કેન્ડલમાં ફસાયા હતા. આ સાથે તેમના પર ભ્રષ્ટાચાર અને ટેક્સ હેરાફેરીનો પણ આરોપ હતો.
- Advertisement -
સિલ્વિયો બર્લુસ્કોની મીડિયા ટાયકૂન અને રાજકારણી હતા. આ સિવાય તેઓ ત્રણ વખત ઈટાલીના પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે. બર્લુસ્કોનીના સામ્રાજ્યની કિંમત 6 અબજ યુરોથી વધુ આંકવામાં આવી છે. ફોર્ઝા ઇટાલિયાના ડેપ્યુટી માર્તા ફાસિના અને બર્લુસ્કોની વચ્ચે સંબંધ વર્ષ 2020માં શરૂ થયો હતો. બંનેએ ક્યારેય કાયદેસર રીતે લગ્ન કર્યા ન હતા. પરંતુ મરતા પહેલા પત્ની તરીકે સ્વીકારી હતી.
વર્ષ 2018માં યોજાયેલી સામાન્ય ચૂંટણીથી 33 વર્ષીય માર્તા ઈટાલીની સંસદના નીચલા સદનની સભ્ય રહી છે. તે ફોર્ઝા ઇટાલિયાની સભ્ય પણ છે. ફોર્ઝા ઇટાલિયાની સ્થાપના બર્લુસ્કોની દ્વારા વર્ષ 1994માં કરવામાં આવી હતી, જ્યારે તેમણે પ્રથમ વખત રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. માર્તાને વસિયતમાં કરોડો રૂપિયા મળ્યા હશે, પરંતુ તેના બે બાળકો જ પૂર્વ પીએમનો બિઝનેસ સંભાળી રહ્યા છે. આ કિસ્સામાં બંને બાળકો મરિના અને પિયર સિલ્વીયો પાસે 53 ટકા હિસ્સો હશે. આ ઉપરાંત બર્લુસ્કોનીએ વસિયતમાં ભાઈને પણ સ્થાન આપ્યું છે. તેમણે તેમના ભાઈ પાઓલો માટે 100 મિલિયન યુરો અને તેની પાર્ટીના પૂર્વ ધારાસભ્ય માર્સેલો ડેલ’ઉટ્રી માટે 30 મિલિયન યુરો છોડ્યા છે.