ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે શંકરસિંહ વાઘેલાની બેઠક, કહ્યું – ‘આંદોલન હવે પુરુ થઈ ગયું!’
આગામી 20 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના ગોતા ખાતે ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાવા જઈ રહ્યું છે. જેમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહેવાના છે. જેને લઈને આજે રાજકોટ ખાતે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ બેઠક બાદ શંકરસિંહ વાઘેલાએ ક્ષત્રિય આંદોલનને લઈને મોટું નિવેદન આપ્યું છે.
- Advertisement -
હકીકતમાં ક્ષત્રિય સંમેલનને લઈને રાજકોટમાં સમાજની એક બેઠકમાં શંકરસિંહ વાઘેલા પહોંચ્યા હતા. આ બેઠકમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ તેમજ સંસ્થાના અગ્રણી આગેવાનો તેમજ ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો હાજર રહ્યા હતા. જો કે ક્ષત્રિય સમાજની બેઠકમાં પદ્મિનીબા દેખાયા નહતા. પદ્મિનીબા વાળાને સર્કિટ હાઉસ ખાતે અલગ બેઠક માટે બોલાવવામાં આવ્યા હતા. જ્યાં પદ્મિની બા અને શંકરસિંહ વાઘેલા સાથે 15 મિનિટ સુધી ચર્ચા થઈ હતી.
આ બેઠક બાદ પત્રકારોના પ્રશ્નનો જવાબ આપતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, આજની બેઠકમાં કોઈ રાજકીય મુદ્દા પર ચર્ચા કરવામાં આવી નથી. આ બેઠકમાં સમાજનું કલ્યાણ કેમ થાય અને સમાજ કેવી રીતે આગળ આવે? તેવા મુદ્દા પર ચર્ચા થઈ હતી.
ક્ષત્રિય આંદોલન અંગે પત્રકારોએ પૂછેલા પ્રશ્નનો જવાબ આપતા પૂર્વ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આંદોલનની વાત જ નથી. આંદોલન પુરું થઈ ગયું. સમાજમાં બીજા સમાજનું જોઈને કંઈક શીખવાનો સવાલ છે. મારી નવી પાર્ટી બનાવવાની વાતો થઈ રહી છે, પરંતુ જેને જે વાતો કરવી હોય તે કરે. જ્યારે સમાજનું બંધન હોય, ત્યારે જે સંસ્થા હોય, ત્યાં રાજકીય જોડા બહાર કાઢીને જવાનું. સમાજમાં માત્ર સમાજની જ વાત કરવાની.