જાનથી મારી નાંખવાની ધમકી આપી શખ્સ વારંવાર દુષ્કર્મ આચરતો હતો
બોર્ડની પરીક્ષા હોવાથી પરિવારજનોએ ફરિયાદ નોંધાવી નહોતી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં મુંજકા નજીક રહેતી ધો.10ની વિદ્યાર્થિની સાથે તેના જ સગાએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. તરુણી પર ફેબ્રુઆરી માસમાં શારીરિક અત્યાચાર થયો હતો, પરંતુ તરુણી ધોરણ 10માં અભ્યાસ કરતી હોવાથી બોર્ડની પરીક્ષામાં તેના માનસ પર ઘટનાના ઘેરા પડઘા પડે નહીં તે માટે પરિવારજનોએ તત્કાલીન સમયે ફરિયાદ નોંધાવી નહોતી અંતે ગુનો નોંધાતા પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી.
શહેરના મહિલા પોલીસમથકમાં મંગળવારે સાંજે એક સગીરાએ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે આરોપી તરીકે તેના સગા માસા ધીરૂ (ઉ.વ.50)નું નામ આપ્યું હતું. સગીરાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ધીરૂ તેના માસા થતા હોવાથી અવારનવાર તેના ઘરે આવતા હતા, એક વખત ઘરમાં એકાંત મળતા ધીરૂએ સગીરાનો હાથ પકડી છેડતી કરી હતી, સગીરાએ પ્રતિકાર કરતા માસા ધીરૂ ઉશ્કેરાયો હતો અને જો આ અંગે કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી દેતા સગીરાએ કોઇને વાત કરી નહોતી, ધમકીથી ગભરાયેલી સગીરાનો ધીરૂએ ગેરલાભ ઉઠાવ્યો હતો અને થોડા દિવસો બાદ ફરીથી બીભત્સ હરકતો કરી હતી.
પુત્રી સાથે થયેલા અત્યાચારથી તેની માતા પણ સ્તબ્ધ થઇ ગઇ હતી. જેતે સમયે સગીરા અને તેની માતા સહિતના પરિવારજનો મહિલા પોલીસમથકે પહોંચ્યા હતા અને ધીરૂના કરતૂતોની જાણ કરી હતી, પરંતુ ફરિયાદ નોંધાવી નહોતી.
સગીરા ધોરણ 10માં અભ્યાસ કરતી હતી અને માર્ચ મહિનામાં તેની બોર્ડની પરીક્ષા હતી, તે સમયે ફરિયાદ નોંધાવે તો કાનૂની અને તબીબી પ્રક્રિયા સહિતના કામોમાં સગીરાને વારંવાર પોલીસમથકે જવું પડે અને તેના માનસ પર તેની વિપરીત અસર થાય તો પરીક્ષામાં પણ તેની વિપરીત અસર પડે તેવા કારણોસર ત્યારે ફરિયાદ કરી નહોતી, અંતે આજે મંગળવારે ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે ધીરૂ સામે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી હતી.