નવરાત્રિ પહેલાં હાઇકોર્ટની કડક ટિપ્પણી
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
ધ્વનિ પ્રદૂષણને નાથવા અંગે ખુદ સુપ્રીમકોર્ટે 2005માં મહત્ત્વનો ચુકાદો આપ્યો હતું. તેમ છતાં આ અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું જાહેરનામું, નોઇસ પોલ્યુશન કંટ્રોલ રેગ્યુલેશન સહિતની જોગવાઈઓ હોવા છતાં ધ્વનિ પ્રદૂષણનું ભયાનક બેકાબૂ પબ્લિક ન્યુસન્સ ચાલુ રહેતા હાઇકોર્ટમાં થયેલી ક્ધટેમ્ટ પિટિશનની સુનાવણી સોમવારે હાથ ધરાઈ હતી. સોમવારે (15 સપ્ટેમ્બર) જસ્ટિસ એ.એસ સુપહીયા અને જસ્ટિસ એલ. એસ. પીરઝદાની ખંડપીઠે ધ્વનિ પ્રદૂષણના ન્યુસન્સ અને તેને મર્યાદિત રાખવામાં સત્તાધીશોની નિષ્ફળતાને લઈને ભારે નારાજગી વ્યક્ત કરી હતી. ખાસ કરીને હાઇકોર્ટે સુપ્રીમકોર્ટના ચુકાદા અને સત્તાધીશો દ્વારા જાહેર માર્ગદર્શિકાઓનું કડકાઈથી પાલન કરાવવા સરકારને નિર્દેશ કર્યો હતો.
કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ગંભીર ટકોર કરી હતી કે, રસ્તાઓ પર 20-20 ફૂટ ઊંચા ડીજે અને વધુ પડતા અવાજ(ઘોંઘાટ) હોય અને છતાં પોલીસ-દ્વારા પગલાં ન લેવાય તે દુર્ભાગ્યપૂર્ણ કહી શકાય. ડીજેનું ભયંકર ન્યૂસન્સ તમારું માથું ફાડી નાખે છે, જે અસહનીય હોય છે. હાઇકોર્ટે પોલીસ અને સંબંધિત સત્તાધીશોને ધ્વનિ પ્રદૂષણ મામલે કડક કાર્યવાહી કરવા પણ તાકીદ કરી હતી. ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો હતો કે, ધ્વનિ પ્રદૂષણની સમસ્યા ગંભીર અને જનમાનસ પર અસર કરનારી છે.
શું છે ડીજે અંગે સરકારની માર્ગદર્શિકા?
સોમવારે રાજ્ય સરકાર અને જીપીસીબી તરફથી હાઇકોર્ટને જણાવાયું હતું કે, ગૃહવિભાગ અને જીપીસીબી સત્તાધીશો દ્વારા ધ્વનિ પ્રદૂષણને નાથવા સુપ્રીમકોર્ટ એને હાઇકોર્ટના સંબંધિત ચુકાદાઓને ધ્યાનમાં રાખી એસઓપી-ખાસ માર્ગદર્શિકા જાહેર કરી છે. ગૃહવિભાગના પરિપત્ર મુજબ, રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ડીજે અને લાઉડ સ્પીકર પર પ્રતિબંધ ફરમાવાયેલો છે. ડીવાયએસપી કક્ષાના અધિકારી જ પબ્લિક એડ્રેસ સિસ્ટમ માટે મંજૂરી આપશે. આ સિવાય 75 ડેસિબલથી વધુ અવાજ ન હોવો જોઈએ અને જે એરિયામાં જેટલો અવાજ હોય તેનાથી 10 ડેસિબલ વધે નહીં તેવા નિયમો છે. એસઓપી મુજબ, સાઉન્ડ સિસ્ટમમાં સાઉન્ડ લિમિટર લગાવવું પણ ફરજિયાત છે. જો નિયત માપદંડ કરતા વધુ પ્રમાણમાં અવાજ હોય તો પોલીસ કાર્યવાહી કરી શકે છે અને ઓડિયો સિસ્ટમ પણ જપ્ત કરી શકે છે.
હાઇકોર્ટે જણાવી ગ્રાઉન્ડ રિયાલિટી
હાઇકોર્ટે સરકાર, પોલીસ અને સત્તાધીશોએ સવાલ કરતાં જણાવ્યું કે, જો તમારી પાસે પરિપત્રો, એસઓપી અને પોલિસી બધું જ છે તો પણ ધ્વનિ પ્રદૂષણના ન્યુસન્સને કેમ ડામી શકાતુ નથી? સુપ્રીમકોર્ટના ચુકાદાની માર્ગદર્શિકા અને નિયમોનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે. હાઇકોર્ટે તાજેતરમાં બે ડીજે વાળા વચ્ચે થયેલી બબાલ અંગે અખબારોમાં ચમકેલા સમાચારની પણ નોંધ લીધી હતી. આ દરમિયાન હાઇકોર્ટે સરકાર પક્ષને બહુ માર્મિક ટકોર કરી હતી કે, અમારા મતે, ડીજે અંગેની પરવાનગી ડીવાયએસપી કક્ષાના અધિકારી આપતા નથી. જો આપતા હોય તો સારુ પરંતુ અમારા મતે, કોન્સ્ટેબલ કે નીચલા લેવલના અધિકારી -મંજૂરી આપતા હોય છે. તમે એસઓપી જારી કરી છે, તેમાં જો 25 ટકા પાલન થાય તો પણ ઘણું સારું પરંતુ વાસ્તવિકતા એ છે કે, ગ્રાઉન્ડ રિયાલિટી કંઇક અલગ છે. ખરેખર તો, કોઈ નિયમોનું પાલન થતું જ નથી અને દેખીતી રીતે ઉલ્લંઘન જોવા મળે છે.



