જે લેખકનું જાહેરમાં સન્માન થવું જોઈએ, તેને જૂતાં શા માટે? આ વૈષ્ણવ સંપ્રદાયના ધર્મગુરુઓની પરીક્ષા છે, સૌરભ શાહની નહીં
વિશેષ:સૌરભ શાહ
- Advertisement -
1997-98ની વાત છે. ‘મહારાજ’ નવલકથાનો પૂર્વાર્ધ ‘નેટવર્ક’ નામના અમદાવાદથી પ્રગટ થતા સાપ્તાહિકમાં ધારાવાહિક સ્વરૂપે છપાતો હતો. દંતાલી-પેટલાદવાળા પૂજનીય સ્વામી સચ્ચિદાનંદ દર અઠવાડિયે ‘નેટવર્ક’માં ‘મહારાજ’નાં પ્રકરણ વાંચતા હતા. એ જ ગાળામાં કરસનદાસ મૂળજી જે જ્ઞાતિના હતા તે કપોળ જ્ઞાતિની એક જાણીતી સંસ્થાએ મુંબઈ-વિલેપાર્લામાં સ્વામી સચ્ચિદાનંદ અને સૌરભ શાહનાં પ્રવચનનો કાર્યક્રમ ગોઠવ્યો. પ્રવચનોનો વિષય કોઈ જુદો જ હતો. સ્વામીજીએ પોતાના પ્રવચનના આરંભે મંચ પર ઉપસ્થિત વ્યક્તિઓનાં નામનો ઉલ્લેખ કરતી વખતે મારા નામ પાસે થોડો વધુ સમય લઈને ‘મહારાજ’ નવલકથા લખવા બદલ મને બિરદાવ્યો. કરસનદાસ મૂળજીના નામની પ્રશંસા કરી અને મારી તુલના એક રાષ્ટ્રીય કક્ષાના ખૂબ જાણીતા અંગ્રેજી પત્રકારનું નામ લઈને એમની સાથે કરી. સ્વામી સચ્ચિદાનંદ સાધુ છે, સંન્યાસી છે, ક્રાંતિકારી વિચારક છે અને ભારતના સનાતન ધર્મના સંશોધક તરીકે એમણે લખેલાં અનેક પુસ્તકો ખૂબ વંચાયાં છે. એમણે હિંદુ ધર્મ માટે, સનાતન પરંપરા માટે જેટલું યોગદાન આપ્યું છે એટલું બહુ ઓછા ગુજરાતીઓએ આપ્યું છે. કરસનદાસ મૂળજીના નામને અને કામને લોકો સુધી પહોંચાડનારી નવલકથા લખનારાને જાહેરમાં બિરદાવનારા સ્વામી સચ્ચિદાનંદને શું કોઈ હિંદુવિરોધી કે સનાતનવિરોધી કહી શકશે? તો પછી આજકાલ કેટલાંક તત્ત્વોની ઉશ્કેરણીથી અમુક લોકો કેમ મંડી પડ્યા છે કે કરસનદાસ મૂળજી ધર્મદ્રોહી હતા, સૌરભ શાહ બનાવટી હિંદુ છે.
ડો. શિરીષ કાશીકર ડોક્ટર એટલા માટે છે કે એમણે કરસનદાસ મૂળજીના જીવન અને કર્મ વિશે થીસિસ લખીને પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે, ડોક્ટરેટ પ્રાપ્ત કરી છે. સનાતન પરંપરાના પરિવારમાં ઉછરેલા શિરીષભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ માસ કમ્યુનિકેશન ઍન્ડ જર્નલિઝમ (એન.આઈ.એમ.સી.જે.) નામની ખૂબ સુંદર કામ કરી રહેલી પત્રકારત્વની શિક્ષણસંસ્થાના સ્થાપનાથી ડિરેક્ટર છે. આ સંસ્થા સનાતન અને હિંદુ ધર્મમાં આસ્થા ધરાવનારાઓના તનમનધનના સહયોગથી ઊભી થઈ છે, વિકસી રહી છે અને હવે તો એક વિશાળ કેમ્પસમાં શિફ્ટ થઈ રહી છે. કરસનદાસ મૂળજી જો ધર્મદ્રોહી કે ધર્મદ્વેષી હોત તો શું શિરીષભાઈએ થીસિસના વિષય તરીકે કરસનદાસની પસંદગી કરી હોત? અને માની લો કે ‘ધર્મદ્રોહી’ શિરીષભાઈ કરસનદાસ જેવા ‘ધર્મદ્રોહી’ પર સંશોધન કરીને ડોક્ટરેટ થઈ ગયા તો શું આ સંસ્થા જે લોકોને કારણે સ્થપાઈ (જેમાં આર.એસ.એસ. અને વી.એચ.પી.ના દૃઢ સમર્થકો પણ છે) તે લોકો શું મૂરખ છે કે આવા કોઈ ‘ધર્મદ્રોહી’ માણસને પોતાની સંસ્થા ચલાવવાની જવાબદારી સોંપે? ન તો કરસનદાસ હિંદુવિરોધી હતા, ન ડો. શિરીષ કાશીકર હિંદુવિરોધી છે, ન એન.આઈ.એમ.સી.જે.ની સ્થાપના-સંચાલનમાં ફાળો આપનારાઓ હિંદુવિરોધી છે. આ સૌ હિંદુ ધર્મનો આદર કરનારાઓ છે. સનાતન પરંપરામાં ગૌરવ લેનારાઓ છે. કરસનદાસ મૂળજીને બદનામ કરીને પોતાનો ટૂંકો સ્વાર્થ સિદ્ધ કરવા માટે સમાજની આંખમાં ધૂળ નાખનારાઓને ઉઘાડા પાડવા જોઈએ. કોણ છે આ લોકો? સૌએ તપાસ કરવી જોઈએ.
‘મહારાજ’ ફિલ્મનો અને ‘મહારાજ’ નવલકથાનો હિંદીભાષી કે બિનગુજરાતી ભાષી હિંદુવાદી સંસ્થાઓ/જૂથો/ વ્યક્તિઓએ શરૂઆતમાં ગેરસમજણને કારણે વિરોધ શરૂ કર્યો હતો. પણ ગુજરાતીભાષીઓ શું કામ એમાં જોડાયા? એમાંય પુષ્ટિમાર્ગમાં માનનારા ભક્તો તથા એમના ગુરુઓ શું કામ ગેરસમજણ ધરાવનારાઓની હામાં હા પુરાવતા થઈ ગયા? મિસગાઈડ થઈ રહેલા ભક્તોને કે જાણીજોઈને ગેરમાહિતી ફેલાવતા ભક્તોને સાચું ગાઈડન્સ આપવાની જવાબદારી વલ્લભ સંપ્રદાયના આચાર્યો, ગોસ્વામીઓ, ગુરુઓની છે. કારણ કે તેઓને તો આ 1860-62 ના કિસ્સાની પાકે પાયે ખબર જ છે. જો કોઈને ખબર ના હોય તો એમની પાસે એવા સોર્સ પણ છે જેમાંથી એ વિશે જાણી શકે છે. તેઓ પોતાની માતૃભાષામાં ‘મહારાજ’ નવલકથા પણ વાંચી શકે છે. અથવા એમાંની માહિતી વિશે કોઈ તટસ્થ, સારા, અક્કલવાળા ભક્તોને બોલાવીને જાણી શકે છે.
- Advertisement -
વૈષ્ણવોમાં, પુષ્ટિ માર્ગીઓમાં આદરણીય સ્થાન પામેલા વલ્લભાચાર્યજીના બાલકો, ગુરુઓ ચૂપ રહીને એક પ્રખર હિંદુત્વવાદી લેખકનું બૂરું થવા દે એ કેટલું યોગ્ય છે? વૈષ્ણવ સંપ્રદાય જેનો એક અગત્યનો હિસ્સો છે એ હિંદુ સંસ્કૃતિ પર, સનાતન પરંપરા પર જ્યારે દેશના દુશ્મનો પ્રહાર કરે છે ત્યારે એમનો સામનો કરનારા સૌરભ શાહ પર પ્રહાર થતો જોઈને તમારે ચૂપ રહેવાનું હોય કે ગેરસમજ ફેલાવનારાઓને બોલાવીને સમજાવવાના હોય?
વૈષ્ણવ સંપ્રદાયનું અસ્તિત્વ હિંદુ ધર્મને કારણે છે. હિંદુ ધર્મ જો નબળો પડ્યો તો એની સીધી અસર આપણા તમામ સંપ્રદાયો પર થવાની. આક્રમણખોરો આપણને ક્યાંયના નહીં રહેવા દે. 1992માં બાબરી ધ્વસ્ત કરવામાં આવી ત્યારે હિંદુઓને બદનામ કરવામાં આવતા હતા તે વખતે સૌરભ શાહ હિંદુ ધર્મવિરોધી તત્ત્વોની સામે કલમની તલવાર લઈને લડતો હતો. ગોસ્વામીઓએ પોતાના ભક્તોને પૂછવું જોઈએ કે આજે તમારામાંના જે લોકો સૌરભ શાહનું માથું તાસક પર માગી રહ્યા છે તેઓ 1992માં ક્યાં હતા? શું તેઓએ હિંદુ ધર્મ પર થતા પ્રહારોને ઝીલીને જખમી થવાનું જોખમ ખેડ્યું હતું?
2002ના ગોધરા હિંદુ હત્યાકાંડ વખતે સૌરભ શાહે પોતાની આસપાસના વિષમય વાતાવરણમાં કલમ દ્વારા અમૃત પીરસ્યું હતું. તે વખતે આ વૈષ્ણવોમાંથી કેટલાએ ગુજરાતના હિંદુઓનો, નરેન્દ્ર મોદીનો, સંઘ અને પરિષદનો, બજરંગ દળ-દુર્ગા વાહિનીનો સાથ આપવાની બહાદુરી દેખાડી હતી? સૌરભ શાહે દેખાડી હતી.
2024માં અયોધ્યામાં રામમંદિર બંધાયું તેના પાયામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતથી લઈને અનેક નામી-અનામી હિંદુવાદીઓએ પ્રતીકાત્મક ઈંટો મૂકી હતી. રામ મંદિરના પાયામાં એક પ્રતીકાત્મક મજબૂત કાંકરી સૌરભ શાહની પણ છે.
છેલ્લાં ત્રીસ વર્ષમાં એણે હિંદુ ધર્મ માટે, સનાતન પરંપરા માટે સામી છાતીએ લડીને – સામાજિક, આર્થિક અને વ્યવસાયિક રીતે અનેક ભોગ આપીને – આ કામ કર્યું છે. અત્યારે ‘હિંદુધર્મનો બચાવ કરવા માટે’ સૌરભ શાહનું પૂતળું બાળવા નીકળી પડેલા અને ચારેકોરથી સૌરભ શાહને હેરાન કરો, પરેશાન કરો એવા હાકલા-પડકારા કરનારા વૈષ્ણવ ભક્તોમાંથી કેટલા લોકો એવો દાવો કરી શકે એમ છે કે અયોધ્યાના આ રામમંદિરના પાયામાં એક કાંકરી એમની પણ છે? – અને આ સવાલ મારે ના પૂછવાનો હોય. પુષ્ટિમાર્ગના આદરણીય ગુરુઓએ, આચાર્યોએ પોતાના વૈષ્ણવ ભક્તોને પૂછવાનો છે.
જેને વિરોધ કરવાને બદલે સ્વીકાર કરીને એને માથે ચડાવવાનો હોય, આપણા પ્લસપોઈન્ટ તરીકે ઉજવવાનો હોય એને પોંખવાનો આ પ્રસંગ છે. એક જમાનામાં જે બન્યું તેની ગંદકી એક કપોળ પત્રકારે સાફ કરી અને સંપ્રદાયને વધુ ઉજળો બનાવ્યો. એને બદલે તમે કઈ વાતનો બચાવ કરવામાં પડી ગયા? અને કઈ વાતનો વિરોધ કરવા લાગ્યા?
હિંદીભાષીઓની વાત જુદી હતી. ગુજરાતીભાષીઓ તો હકીકત સમજવા છતાં આનો વિરોધ કરી રહ્યા છે. આ હકીકત એમના વિશે શું ઇન્ડિકેટ કરે છે? જે ગુજરાતીઓ વૈષ્ણવ નથી અને જેમણે ‘મહારાજ’ વાંચી છે તેઓ તમારા આ વિરોધને કારણે તમારા વિશે શું વિચારતા થઈ
ગયા હશે?
જે લોકો હજુ પણ ‘મહારાજ’નો વિરોધ કરે છે તેઓ કેજરીવાલના એન્ટીકરપ્શન ફ્રન્ટની જેમ એક પ્રો-હિન્દુત્વનો બનાવટી ફ્રન્ટ ઊભો કરીને ખોટું વર્તન કરી રહ્યા છે. આ ખોટા વેવ પર કેજરીવાલ પણ ઝાઝું ન ટકી શક્યો, એની અસલિયત ઉઘાડી પડી ગઈ. અત્યારે ‘મહારાજ’ વિશે ઊલટીસીધી વાતો ફેલાવનારાઓને ફાયદો લાગી રહ્યો હશે પણ વખત જતાં કેજરીવાલની જેમ તેઓ પણ સમાજ સમક્ષ ખુલ્લા પડી જશે.
ગેરમાહિતીમાં ફસાવાને બદલે જો ફિલ્મ વિશે બોલવું હોય તો એક વખત જોઈ લો. અને નવલકથા વિશે બોલવું હોય તો એક વખત આખેઆખી વાંચી લો. ચાલતી ગાડીએ બેસી જઈને શું કામ અક્કલનું પ્રદર્શન કરવું. ગાડરિયા પ્રવાહમાં એક ઘેટાની જેમ, અક્કલ બાજુએ મૂકીને, ઘસડાઈ જવાનું શું કામ?
ખોટો પ્રચાર કરીને હિંદુત્વવાદી વિચારસરણી ધરાવતા એક લેખકની વિરુદ્ધ ભક્તોને અને એમાંય ખાસ કરીને જેઓ રેગ્યુલરલી મને વાંચતા નથી એવા ભક્તોને ગેરમાહિતી આપીને ઉશ્કેરવાના પ્રયત્નો ચારેકોર થઈ રહ્યા છે. આવા વખતે વલ્લભકુળના અગ્રણીઓ તથા સંપ્રદાયના મોભીઓ ‘આપણે શું?’ એવી ભાવના રાખશે તો હું એટલું જ કહીશ કે એક યુગ હતો જ્યારે ભગવાન ખુદ અર્જુનના સારથિ બનતા. એ વખતે શ્રીકૃષ્ણે કહ્યું હોત કે પાંડવો-કૌરવોની લડાઈમાં ‘મારે શું?’ તો મહાભારતનો ઇતિહાસ કેવો લખાયો હોત? તો અત્યારે કસોટી મારી એકલાની નહીં, આપણા સૌની છે. હું તો ‘મહારાજ’ અને કરસનદાસના પક્ષમાં લડનારો એક યોદ્ધા છું. તમે પાંડવોની સાથે આવશો કે કૌરવોની જોડે ઊભા રહેવા મજબૂર બની જશો-પિતામહ ભીષ્મ કે આચાર્ય દ્રોણની જેમ? જો તમે નહીં બોલો, ચૂપ રહેશો તો કોના પક્ષે ઊભા રહેલા ગણાશો?
હિંદુદ્વેષીઓ એટલે કે સેક્યુલરો પોતે હારી ગયા હોય ત્યારે પણ અમે નથી હાર્યા એવું પિક્ચર ઊભું કરે છે. અને આ બાજુ કેટલાક હિંદુત્વવાદીઓ પોતાના ગૌરવ અને વિજયને પણ પરાભવ માની બેસે છે. એનું કારણ એ છે કે ‘ઇસ્લામ ખતરે મેં હૈ’ની જેમ જ ‘હિંદુત્વ ખતરે મેં હૈ’ પર એ લોકોની દુકાન ચાલે છે. સ્વામી રામદેવે આવા સનાતનીઓ વિશે એક નવી ટર્મ શોધી છે – તનાતનીઓ.
તાજા કલમ
1997-98માં ‘મહારાજ’નો પૂર્વાર્ધ લખાઈ ગયા પછી, 2003માં મને વડા પ્રધાન અટલ બિહારી વાજપાયી તથા ગૃહ પ્રધાન લાલકૃષ્ણ અડવાણીના હાથે દિલ્હીના સંસદભવન સંકુલના સભાગૃહમાં એક સમારંભ યોજીને પાંચજન્યવૈદ્ય ગુરુદત્ત અવોર્ડ આપવામાં આવ્યો. મને મળેલા પાંચજન્ય શંખની પ્રતિકૃતિની નીચે પિત્તળની તકતી પર કોતરેલું છે: ‘ગુજરાતી પત્રકારિતા મેં રાષ્ટ્રનિષ્ઠ, નિર્ભીક લેખિની કે ધની શ્રી સૌરભ શાહ’
જો મેં હિંદુ ધર્મનો દ્રોહ કરતું કોઈ એકાદ કૃત્ય પણ કર્યું હોત તો શું મને આટલા મોટા સન્માનનો અધિકારી બનાવવામાં આવ્યો હોત? તમે જ કહો.
2002ના ગોધરા હિંદુ હત્યાકાંડ વખતે
સૌરભ શાહે પોતાની આસપાસના વિષમય વાતાવરણમાં કલમ દ્વારા અમૃત પીરસ્યું હતું,
તે વખતે આ વૈષ્ણવોમાંથી કેટલાએ ગુજરાતના હિંદુઓનો, નરેન્દ્ર મોદીનો, સંઘ અને પરિષદનો, બજરંગ દળ-દુર્ગા વાહિનીનો સાથ આપવાની બહાદુરી દેખાડી હતી? સૌરભ શાહે દેખાડી હતી