મિડલ ઇસ્ટમાં તણાવ વચ્ચે રાજ્યના ઊર્જા મંત્રીની નાગરિકોને હૈયાધારણા
ગેસ પુરવઠાને લઈને ઉદ્યોગોમાં મર્યાદા મૂક્યા બાદ રાંધણ ગેસ અંગે લોકોમાં પ્રશ્ર્ન થતા સરકારની સ્પષ્ટતા
- Advertisement -
હવે ગ્રાહકો એક સિલિન્ડર બુક કર્યા પછી બીજો સિલિન્ડર 21 દિવસને બદલે 25 દિવસ પછી જ બુક કરી શકશે
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
અમેરિકા-ઇઝરાયલ અને ઇરાનના યુદ્ધના કારણે રાજ્યમાં ગેસ પુરવઠાને લઈને ઉદ્યોગોમાં મર્યાદા મૂકવામાં આવ્યા બાદ રાંધણ ગેસ અંગે લોકોમાં ઊભી થયેલી ચિંતાઓ વચ્ચે ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટતા કરી છે કે સામાન્ય નાગરિકોને મળતા રાંધણ ગેસના પુરવઠામાં કોઈ તકલીફ ન થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર આ મુદ્દે કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. દરેક ઘરમાં ચૂલો સળગે એ સરકારની પ્રાયોરિટી છે અને કોમર્શિયલ સિલિન્ડર પણ મળતો રહેશે. મિડલ ઇસ્ટમાં તણાવ વચ્ચે રાજ્યના નાગરિકોને ઊર્જા મંત્રીએ હૈયાધારણા આપી છે.
ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા રાંધણ ગેસ અને ખાસ કરી જે ડોમેસ્ટિક પર્પઝ (ઘરેલું ઉપયોગ) માં વપરાતો ગેસ, કોઈપણ વ્યક્તિને એની તકલીફ ના પડે તે માટે સતત પ્રયત્નશીલ છે. જે ઇન્ડસ્ટ્રીયલ ગેસિસ છે એના માટે પણ આપણે ઇન્ડસ્ટ્રીની અંદર 50% જેટલો કાપ કર્યો છે અને ફર્ટિલાઇઝર અને દૂધ માટે 40% જેટલો કાપ છે, જેથી કરી ડોમેસ્ટિક પર્પઝ માટે કે દરેક ઘરની અંદર જે રસોઈ માટે વપરાતો જે ગેસ છે, જે સિલિન્ડર છે એમાં ક્યાંય કોઈપણ પ્રકારનો વિક્ષેપ અથવા તો બાધા ના પડે અને રેગ્યુલર એનો નિયમિત પુરવઠો જળવાઈ રહેશે.
અગાઉ કેન્દ્ર સરકારે ઘરેલું કઙૠ સિલિન્ડરના રિફિલ બુકિંગના નિયમોમાં ફેરફાર કર્યો હતો. હવે ગ્રાહકો એક સિલિન્ડર બુક કર્યા પછી બીજો સિલિન્ડર 21 દિવસને બદલે 25 દિવસ પછી જ બુક કરી શકશે. એટલે કે સરકારે રિફિલ બુકિંગના લઘુત્તમ વેઇટિંગ પિરિયડને 4 દિવસ માટે વધારી દીધો છે. મિડલ ઇસ્ટમાં તણાવ વચ્ચે સરકારે આ પગલું ગેસનો સંગ્રહ અટકાવવા અને તમામ ગ્રાહકોને સમાન રીતે સપ્લાય સુનિશ્ચિત કરવા માટે ભર્યું છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી એવું જોવા મળી રહ્યું હતું કે જરૂર ન હોવા છતાં લોકો સિલિન્ડર બુક કરીને સ્ટોક કરી રહ્યા હતા. વેઇટિંગ પિરિયડને 25 દિવસ કરવાથી બિનજરૂરી બુકિંગ પર અંકુશ આવશે. તેનાથી એવા લોકોને સરળતાથી સિલિન્ડર મળી શકશે જેમને ખરેખર જરૂર છે.
- Advertisement -
3 દિવસ પહેલા સરકારે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ.60નો વધારો કર્યો
3 દિવસ પહેલા સરકારે ઘરેલું ગેસ સિલિન્ડર 60 રૂપિયા મોંઘું કરી દીધું છે. દિલ્હીમાં 14.2 કિલોગ્રામનું કઙૠ ગેસ સિલિન્ડર હવે 913 રૂપિયામાં મળી રહ્યું છે. પહેલા આ ભાવ 853 રૂપિયા હતો. બીજી તરફ, 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરમાં 115 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. તે હવે 1883 રૂપિયામાં મળી રહ્યું છે. વધેલા ભાવ 7 માર્ચથી લાગુ થઈ ગયા છે. આ પહેલા સરકારે 8 એપ્રિલ 2025ના રોજ ઘરેલું સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો હતો. એટલે કે આ વધારો લગભગ એક વર્ષ બાદ કરવામાં આવ્યો છે. તો 1 માર્ચ 2026ના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 31 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો હતો. સરકારે ગેસના ભાવમાં આ વધારો એવા સમયે કર્યો છે જ્યારે અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે દેશમાં ગેસની અછત સર્જાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
પેટ્રોલ-ડીઝલના ભાવ હાલ સ્થિર રહેશે
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં હાલ વધારાની કોઈ શક્યતા નથી. અધિકારીઓનું કહેવું છે કે જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત 130 ડોલર પ્રતિ બેરલને પાર નહીં કરે, ત્યાં સુધી સ્થાનિક બજારમાં કિંમતો સ્થિર રહેશે. વર્તમાન અનુમાનો અનુસાર, ક્રૂડ ઓઈલ 100 ડોલર પ્રતિ બેરલની આસપાસ રહેવાની અપેક્ષા છે.
દેશમાં ઇંધણની કોઈ અછત નથી ઇંધણના પુરવઠા અંગે સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશના કોઈપણ પેટ્રોલ પંપ પર તેલની અછત નથી. સપ્લાય ચેઇન સંપૂર્ણપણે સામાન્ય છે. ભવિષ્યમાં કોઈપણ સંભવિત સંકટનો સામનો કરવા માટે ભારતે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ ઉપરાંત અન્ય માર્ગોથી ક્રૂડ ઓઈલની સોર્સિંગ ઝડપી કરી છે. તેનાથી દરિયાઈ માર્ગમાં કોઈપણ તણાવની સ્થિતિમાં પુરવઠામાં અવરોધ નહીં આવે.
અન્ય દેશો ભારત પાસેથી સલાહ માંગી રહ્યા છે
એનર્જી મેનેજમેન્ટના મામલે ભારત વિશ્વના અન્ય ઘણા દેશો કરતાં સારી સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. સરકારી સૂત્રોએ જણાવ્યું કે બદલાતી વૈશ્વિક પરિસ્થિતિઓમાં ભારતની તૈયારીને જોતા ઘણા દેશોએ નવી દિલ્હીનો સંપર્ક કર્યો છે. તેઓ ભારતના સ્ટોક મેનેજમેન્ટ અને સપ્લાય ચેઇનની રણનીતિને સમજવા માંગે છે.



