પાનકાર્ડ મેચ થતા ન હોય તેવા પાંચ વર્ષની એન્ટ્રીની તપાસ કરાઇ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં રૂ.30 લાખથી વધુ રકમની મિલકત ખરીદી કરી તેનો દસ્તાવેજ બનાવનારની તપાસ માટે પહેલીવાર બુધવારે સબ રજિસ્ટ્રાર કચેરીમાં આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી હતી. તપાસમાં એવી માહિતી બહાર આવી છે કે, રૂ. 30 લાખ કે તેથી વધુ રકમની મિલકત રાજકોટ શહેરના ડોક્ટરો, વેપારી, ઉદ્યોગપતિ સહિતના મોટાં માથાંઓએ ખરીદી કરી છે. સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી જે ડેટા એકત્રિત કરવામાં આવ્યો છે તે અમદાવાદ મોકલવામાં આવ્યો છે. તેમજ જંગી રકમની જેને મિલકત ખરીદી-વેચાણ કર્યુ છે તેની પૂછપરછ આવકવેરા વિભાગ કરશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. આ ઉપરાંત પાનકાર્ડ મેચ થતા ન હોય તેવા પાંચ વર્ષની એન્ટ્રીની તપાસ કરાઇ છે.
આ અંગેની આવકવેરા વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટમાં મિલકત ખરીદી-વેચાણમાં કાળાં નાણાંમાં થાય છે.અત્યાર સુધી જે લોકો રિટર્ન ફાઈલ કરે છે, તેઓ માલ-મિલકત, વાહનની ખરીદી, તેઓના બેંક એકાઉન્ટની માહિતી સ્થાનિક કક્ષાએથી મેળવાતી હતી, પરંતુ આમ છતાં અનેક લોકો ટેક્સચોરી કરતા હતા અને ભરવા પાત્ર ટેક્સ ભરતાં નહોતા. આથી આવા ટેક્સચોરોને શોધવા માટે ઉચ્ચકક્ષાએથી સબ રજિસ્ટ્રાર કચેરીમાં તપાસ કરવાના આદેશ મળ્યા હતા.જેના આધારે આ તપાસ કરવામાં આવી હતી. જેમાં મિનિમમ રૂ.30 લાખ કે તેથી વધુ રકમની મિલકતની ખરીદી જેણે કરી હોય. દસ્તાવેજો બનાવ્યા હોય તેવા લોકોની યાદી તૈયાર કરવામાં આવી માહિતી મેળવાઈ હતી.
હવે જે -જે લોકોના નામ બહાર આવ્યા છે તેમણે છેલ્લા પાંચ વર્ષમાં કેટલો ટેક્સ ભર્યો છે ? તેની આવક કેટલી છે? તેઓએ ખર્ચ કયા-કયા કર્યો છે તેમજ મિલકત સિવાય અને કોઈ મોંઘા વાહનોની ખરીદી કરી છે કેમ? તેમજ શેરબજારમાં કેટલું રોકાણ કર્યું છે? તે તમામની વિગતો ચકાસવામાં આવશે. જો ટેક્સચોરી માલૂમ પડશે તો તેની પાસેથી ટેક્સની વસૂલાત કરાશે અને સાથોસાથ પેનલ્ટી પણ વસૂલવામાં આવશે.