અગાઉ SNKના કિરણ પટેલ પણ ભાજપમાંથી ઉભા
રહ્યા હતાં અને કૉંગ્રેસના બાવળિયા સામે હારી ગયા હતા
ક્ષત્રિયો તો ભાજપ વિરુદ્ધ મતદાન કરશે જ, જો લેઉવા પટેલો ધાનાણી તરફ ઢળ્યાં તો રૂપાલાની હાર નક્કી….
ઓવર કૉન્ફિડન્સ રાખવા જેવું વાતાવરણ નથી, રાજકોટ ગઢ છે પણ અજેય નથી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.29
રાજકોટ લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલના ક્ષત્રિયો વિશે કરવામાં આવેલા નિવેદન બાદ હજુ પણ રૂપાલાના વિરોધ માટે ક્ષત્રિયો મક્કમ છે. રાજકોટથી લઈ રાજ્યભરમાં ક્ષત્રિયો દ્વારા રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપે બારડોલીમાં પરસોત્તમ રૂપાલાના વિરોધમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ રૂપાલા એક હજાર ટકા હારશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત ભાવનગર, જામનગર અને રાજકોટમાં પણ હવે ક્ષત્રિયોએ રૂપાલા સાથે ભાજપના અન્ય ઉમેદવારોનો વિરોધ કરવાનું શરૂ કર્યું છે જે ભાજપ માટે ચિંતાજનક બાબત કહી શકાય.
આજથી એકાદ મહિના અગાઉ રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ એક કાર્યક્રમ દરમિયાન પર કરેલી ટિપ્પણી બાદ સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી છે. આ રોષ ધીમેધીમે રૂપાલા ઉપરાંત ભાજપ અને મોદી સુધી પહોચી ગયો છે. આમ છતાં પરસોતમ રૂપાલા પોતાની જીતને લઈ આસ્વસ્થ્ય છે. ક્ષત્રિયોની ગામેગામ મહાસભા, વિરોધ પ્રદર્શન અને રેલીઓ પછી પણ રૂપાલા જીતી જ જશે એવો આત્મવિશ્વાસ ધરાવી રહ્યા છે તે પાછળનું કારણ અકબંધ છે. આખરે રૂપાલા રાજકોટ બેઠક જીતી જ જશે એ મામલે આટલા કોન્ફિડન્સમાં કેમ છે?
- Advertisement -
એવું કહેવાય છે કે, રાજકોટ એ ભાજપનો ગઢ છે, અહીંથી કોઈપણ અજાણી વ્યક્તિને ભાજપની ટિકિટ આપી ઉભી રાખવામાં આવે તો પણ જીતી જાય છે. જોકે ભૂતકાળ તપાસીએ તો આ વાતમાં તથ્ય નથી. રૂપાલાના બફાટ બાદ આ લોકસભા બેઠક પર ભાજપના ક્ષત્રિયો મત તૂટવાનું નક્કી મનાઈ રહ્યું છે. અધૂરામાં પૂરું આ બેઠક પર લેઉવા પટેલના મતદારો પણ કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીની તરફેણમાં મત કરે એવી શક્યતાઓ સેવાઈ રહી છે. વર્તમાન રાજકીય અને સામાજિક પરિસ્થિતિ જોતા ભાજપનો ગઢ તૂટતા વાર નહીં લાગે તેવું જણાઈ રહ્યું છે.
જો ભૂતકાળમાં જઈ ઈતિહાસ તાપસીએ તો ભાજપનો ગઢ ગણાતી રાજકોટ લોકસભા બેઠક પરથી જ ભાજપ ઉમેદવાર કિરણ પટેલ કોંગ્રેસ ઉમેદવાર સામે હારી ચૂક્યા છે. તે સમયે કડવા-લેઉવા વાદ વચ્ચે એક સૂત્ર વહેતું થયું હતું કે, કોળી ચાલશે પણ કડવા નહીં. જેણે ભાજપનો ગઢ તોડી નાખ્યો હતો. આ લોકસભા ચૂંટણીમાં પણ રૂપાલા વિરુદ્ધ એકલા ક્ષત્રિય મતદારો જ નહીં લેઉવા મતદારો પણ છે જે ભાજપનો ગઢ તોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
નરેશ પટેલ કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીને જીતાડવા મહેનત કરતા હોય તેવું ચિત્ર!
સૌરાષ્ટ્રમાં નાની-મોટી ચૂંટણીઓ દરમિયાન પાટીદાર અગ્રણી નરેશ પટેલ જેને અપ્રત્યક્ષ ટેકો કરતા હોય છે તેનું પલડું ભારે માનવામાં આવતું હોય છે. ભૂતકાળમાં લોકસભા ચૂંટણી વખતે ભાજપ ઉમેદવાર કિરણ પટેલને હરાવવા અને કુંવરજી બાવળિયાને જીતડવામાં નરેશ પટેલ મહત્વપૂર્ણ ભૂમિકામાં હતા. વર્તમાન લોકસભા ચૂંટણીમાં નરેશ પટેલ કિંગ મેકર બની કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીને જીતાડવા મહેનત કરતા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે કારણ કે, પરેશ ધાનાણી સાથે નરેશ પટેલને ગાઢ સંબંધ છે એ જાણીતી વાત છે. હવે જ્યારે પરેશ ધાનાણી રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હોય ત્યારે નરેશ પટેલ પોતાના સમાજને અંદરખાને કોંગ્રેસ ઉમેદવારને જીતાડવા અને ભાજપ ઉમેદવારને હરાવવા મહેનત કરશે તેવો અનેક નિષ્ણાતોનો અભિપ્રાય છે.