આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા બેડી ગામ તેમજ નાનામવા પાસેથી બે વેપારીઓને ઝડપી લેવામાં આવ્યા’તા
બંને શખસો કમિશનથી વેપારીઓને ટેકસ ચોરી કરાવી વ્હાઇટ રોકડ અપાવી દેતા’તા
P.I. કૈલા PSIજાડેજા, આર. કે. જાડેજા, વિરમભાઈ ધગલ, મયુર પટેલ તથા એભલભાઈ બરાળિયાની સફળ કામગીરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં વેપારીઓને કમિશન લઈ ટેકસ ચોરીમાં મદદ કરતા નિલેષ મનસુખ ભાલોડી (ઉ.વ. 43) અને તેના માણસ જયસુખ સુંદરજી ફેફર (ઉ.વ. 25)ને રાજકોટની આર્થિક ગુના નિવારણ શાખાના સ્ટાફે ઝડપી લઈ રૂ. 2.14 કરોડ જેવી માતબર રકમ કબજે કરી છે. આ કેસમાં ટૂંક સમયમાં ઈન્કમટેક્ષ વિભાગ પણ ઝંપલાવશે.
મળતી માહિતી મુજબ, આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે ઈઓડબલ્યુના એએસઆઈ આર. કે. જાડેજા વગેરેને એવી બાતમી મળી હતી કે નિલેષ ભાલોડી શ્રોફનો ધંધો કરે છે. તે વેપારીઓને ટેક્ષ ન ભરવો પડે તે માટે પોતાની પેઢીના બેન્ક ખાતામાં કેશ સેલ્ફ ડિપોઝીટ, એનઈએફટી અને આઈએમપીએસ મારફતે જમા લઈ તે કેશ વેપારીઓએ ખેતપેદાશ (જણસી) ખરીદ કરી છે એવું ખોટું બહાનું બતાવી રૂ. 1 લાખ પર રૂ. 550નું કમિશન કાપી ચૂકવે છે. એટલું જ નહીં રોજબરોજ લાખો-કરોડોની હેરા-ફેરી કરે છે. આ બાતમીના આધારે ઈઓડબલ્યુના સ્ટાફે વોચ ગોઠવી હતી. બરાબર તે વખતે મોરબીના વેપારીઓને કેશ આપવા જતાં નિલેષ અને તેના માણસ જયસુખને એસયુવી કારમાંથી બેડી ચોકડી પાસેથી પીએસઆઈ સી. બી. જાડેજાએ ઝડપી લીધા હતા. કારની તલાશી લેતાં રૂ. 90 લાખની રોકડ મળી આવી હતી.
- Advertisement -
બંનેએ આપેલી માહિતીના આધારે ઈઓડબલ્યુના સ્ટાફે નાનામવા મેઈન રોડ પર મારવાડી બિલ્ડીંગની બાજુમાં આવેલ નાઈન-સ્કવેર બિલ્ડીંગના છઠ્ઠા માળે આવેલી ઓફીસ નં. 608માં દરોડો પાડી ત્યાંથી વધુ રૂ. 1.25 કરોડની રોકડ કબજે કરી હતી. આ રીતે કુલ રૂ. 2.14 કરોડની રોકડ શક પડતી મિલકત તરીકે કબજે કરી હતી. જયારે બંને આરોપીઓની અટકાયત કરી હતી. બંને આરોપીઓની પૂછપરછમાં ઈઓડબલ્યુના સ્ટાફને જાણવા મળ્યું હતું કે નિલેષે 2020ની સાલમાં 150 ફૂટ રીંગ રોડ પર હરિક્રિષ્ના આર્કેડમાં ટીટેનિયમ એન્ટરપ્રાઈઝ જયારે 2022ની સાલમાં 150 ફૂટ રીંગ રોડ પર સિલ્ક રૂટ નામના બિલ્ડીંગમાં ફલેવેરિયમ થ્રેડ નામની ઓફિસ શરૂ કરી હતી. આ ઉપરાંત ઉપલેટા એપીએમસીમાં બે-ત્રણ દુકાનો લીધી હતી. સાથોસાથ પેઢીમાં ખેતપેદાશોની ચીજવસ્તુઓની કમિશનથી લે-વેચ કરવા માટે જરૂરી લાયસન્સ પણ મેળવ્યા હતા. તે અનધિકૃત રીતે વેપારીઓને અન્ય જગ્યાએથી લેવાની થતી રકમ પોતાના બેન્ક ખાતામાં જમા કરાવડાવી, તે રકમ પોતે બેન્ક ખાતામાંથી ઉપાડી રૂ. 1 લાખ પર રૂ. 550નું કમિશન કાપી બાકીની રકમ વેપારીઓને ચુકવી દેતો હતો. આ રીતે ટેકસ ચોરી કરતાં વેપારીઓને કમિશન લઈ મદદરૂપ થતો હતો. ક્રાઈમ બ્રાંચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું કે આરોપીઓ ખરેખર કેટલા સમયથી આ પ્રકારના વહેવારો કરતા હતા, કયા-કયા વેપારીઓને ફાયદો પહોંચાડયો છે તે અંગે તપાસ કરવામાં આવશે. આરોપીઓના પીએન્ડબી, એસબીઆઈ, બીઓબી, આઈસીઆઈસીઆઈ અને એકસીસ સહિતની બેન્કોમાં રહેલા ખાતાઓના સ્ટેટમેન્ટ મંગાવી તેના આધારે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.