જેનિન શહેરમાં 10 ડ્રોન હુમલા, મૃત્યુઆંક વધી શકે: પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલય
ખાસ-ખબર સંવાદદાતા
ઇઝરાયલે દ્વારા કબજા હેઠળના પશ્ર્ચિમ કાંઠાના શહેર જેનિન પર મોટા પ્રમાણમાં હવાઈ અને જમીની હુમલાને પગલે ઓછામાં ઓછા 8 પેલેસ્ટિનિયનના મોત થયા હતા. જ્યારે અન્ય 50 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે મૃત્યુઆંક વધી શકે છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગઈકાલે વહેલી સવારે ઇઝરાયલે તેના કબજા હેઠળના પશ્ર્ચિમ કાંઠે હુમલો કરવા માટે ડ્રોનનો ઉપયોગ કર્યો અને આ વિસ્તારમાં ઘણાબધા સૈનિકોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ ફાયરિંગ અને વિસ્ફોટના કારણે વિસ્તાર હચમચી ગયો હતો.
- Advertisement -
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હુમલા બાદ પેલેસ્ટિનિયનોએ ઈઝરાયેલના સૈનિકો પર પથ્થરમારો કર્યો હતો. ઇઝરાયલે વેસ્ટ બેંકમાં છેલ્લા 20 વર્ષમાં સૌથી મોટો હુમલો કર્યો છે. અગાઉ 2002માં એક અઠવાડિયાથી વધુ ચાલેલી લડાઈમાં 50થી વધુ પેલેસ્ટાઈન અને 23 ઈઝરાયેલ સૈનિકો માર્યા ગયા હતા. લગભગ બે દાયકા બાદ હવે બીજો મોટો હુમલો થયો છે. જેનિન શહેરમાં મકાનો પર ઓછામાં ઓછા 10 ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. એક સંયુક્ત નિવેદનમાં ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ અને સ્થાનિક ગુપ્તચર સેવાએ જણાવ્યુ હતું કે તેઓએ જેનિન શરણાર્થી શિબિરમાં એક કમાન્ડ સેન્ટર પર હુમલો કર્યો હતો જે આતંકવાદીઓના ગઢ તરીકે જાણીતો હતો.