ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ: વધતી હિંસા વચ્ચે, સંઘર્ષગ્રસ્ત ઈરાનથી 110 ભારતીય વિદ્યાર્થીઓને આર્મેનિયા ખસેડવામાં આવ્યા છે અને સુરક્ષિત રીતે દિલ્હી પરત ફર્યા છે. પરિવારો તેમના આગમનની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા હતા, સરકારના પ્રયાસો માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી રહ્યા હતા અને હજુ પણ ફસાયેલા લોકોને બચાવવાની આશા રાખી રહ્યા હતા.
ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ: યુદ્ધગ્રસ્ત ઈરાનથી આર્મેનિયા લાવવામાં આવેલા લગભગ 110 વિદ્યાર્થીઓને લઈને પહેલી ફ્લાઇટ 19 જૂનના રોજ વહેલી સવારે દિલ્હી પહોંચી હતી.
- Advertisement -
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. જેને લઈને ઈરાનમાંથી ભારતીય નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા અને ત્યાથી પરત લાવવા ભારત સરકારે ’ઓપરેશન સિંધુ’ શરૂ કર્યું છે. ત્યારે ઈરાનમાંથી બહાર કાઢવામાં આવેલા 110 ભારતીય વિદ્યાર્થીઓનું એક વિમાન ગુરૂવારે 19મી જૂને વહેલી સવારે દિલ્હી પહોંચ્યું છે. આ વિદ્યાર્થીઓને પહેલા ઈરાનથી આર્મેનિયા લઈ જવામાં આવ્યા હતા, ત્યાથી તેમને ભારત પરત લાવવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓમાં 90 જમ્મુ-કાશ્મીરના છે, જે મેડિકલનો અભ્યાસ કરતા હતા.
વિદ્યાર્થીઓના પરિવારો દિલ્હી એરપોર્ટ પર તેમના બાળકોની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. રાજસ્થાનના કોટાથી આવેલા એક પિતાએ જણાવ્યું હતું કે, ’મારો પુત્ર ઈરાનમાં બેચલર ઓફ મેડિસિન અને બેચલર ઓફ સર્જરી (MBBS) કરી રહ્યો હતો. તે હવે ભારત સરકાર દ્વારા મોકલવામાં આવેલા ખાસ વિમાન દ્વારા પરત ફર્યો છે. હું ભારતીય દૂતાવાસનો આભાર માનું છું.’ ઈરાનથી દિલ્હી પહોંચ્યા પછી વિદ્યાર્થી અમન અઝહરે જણાવ્યું હતુ કે, ’હું ખૂબ જ ખુશ છું. મારા પરિવારને મળ્યા પછી મને કેવું લાગે છે તે હું શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. ઈરાનમાં પરિસ્થિતિ અત્યંત ખરાબ છે. ત્યાંના લોકો પણ આપણા જેવા જ છે, નાના બાળકો પણ મુશ્કેલીમાં છે. યુદ્ધ કોઈના માટે સારું નથી. તે માનવતાને ખતમ કરે છે.’
ઉલ્લેખનીય છે કે, ઈરાનમાં 4,000થી વધુ ભારતીય નાગરિકો છે, જેમાંથી લગભગ અડધા વિદ્યાર્થીઓ છે. ભારત સરકાર ઈરાની અધિકારીઓ સાથે મળીને ત્યાં ફસાયેલા અન્ય નાગરિકોને સુરક્ષિત રીતે પરત લાવવા માટે કામ કરી રહી છે.