મુંબઈમાં ઈઝરાયલના કોન્સ્યુલ જનરલ કોબી શોશાનીએ કહ્યું કે, ઈઝરાયેલ સેના અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં કોઈ ભારતીય જાનહાનિની કોઈ માહિતી નથી
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ત્યાં રહેતા ભારતીયોની મુસીબતો વધી ગઈ છે. ઈઝરાયેલમાં 20 હજારથી વધુ ભારતીયો રહે છે. આ તરફ મુંબઈમાં ઈઝરાયલના કોન્સ્યુલ જનરલ કોબી શોશાનીએ કહ્યું કે, ઈઝરાયેલ સેના અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં કોઈ ભારતીય જાનહાનિની કોઈ માહિતી નથી. ભારત અને ઈઝરાયેલ વચ્ચેની ફ્લાઈટ બંધ થઈ ગઈ છે. વિદેશ મંત્રાલય ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવામાં વ્યસ્ત છે.
- Advertisement -
શું કહ્યું ઈઝરાયેલના કોન્સ્યુલ જનરલે ?
ઈઝરાયેલના કોન્સ્યુલ જનરલ કોબી શોશાનીએ કહ્યું કે, અમને ઈઝરાયેલમાં રહેતા કોઈપણ ભારતીયના મૃત્યુ કે ઈજાની જાણ નથી. જો અમને આ અંગે કોઈ માહિતી મળશે તો હું અંગત રીતે આ બાબતની તપાસ કરીશ. ઇઝરાયેલમાં 20,000થી વધુ ભારતીયો રહે છે. મને ત્યાં ફસાયેલા ભારતીયોની ચોક્કસ સંખ્યા ખબર નથી. ઈઝરાયેલમાં રહેતા મોટાભાગના ભારતીયો તેલ અવીવમાં રહે છે. દર વર્ષે અહીંથી હજારો લોકો તીર્થયાત્રા માટે જેરુસલેમ પણ જાય છે.
અત્યાર સુધીમાં 2100 લોકોના મોત
કોબી શોશાનીએ જણાવ્યું કે, જ્યારે શનિવારે હમાસે હુમલો કર્યો ત્યારે ઇઝરાયેલમાં આયોજિત એક કાર્યક્રમમાં બોલિવૂડના ઘણા કલાકારો હાજર હતા. તાજેતરમાં જ અભિનેત્રી નુસરત ભરૂચા સુરક્ષિત રીતે ભારત પરત આવી છે. આ સંઘર્ષ શનિવારે ત્યારે શરૂ થયો જ્યારે હમાસના ઉગ્રવાદીઓએ ઈઝરાયેલમાં ઘૂસીને લોકોને નિશાન બનાવવાનું શરૂ કર્યું. જેના કારણે દાયકાઓમાં પ્રથમ વખત ઈઝરાયેલની સડકો પર મોટાપાયે ગોળીબાર કરવામાં આવ્યો હતો. બંને તરફથી 2100 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.
ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીયો માટે ‘ઓપરેશન અજય’ શરૂ થયું
ભારતે ઈઝરાયેલથી ભારત પરત ફરવા ઈચ્છતા ભારતીયો માટે ‘ઓપરેશન અજય’ શરૂ કરવાની જાહેરાત કરી છે. ઇઝરાયેલ અને ભારત વચ્ચેની ફ્લાઇટ્સ બંધ થવાને કારણે ત્યાં ફસાયેલા ભારતીયો ઇચ્છે તો પણ પરત ફરી શકતા નથી. વિદેશમંત્રી એસ જયશંકરે ટ્વિટર પર પોસ્ટ કર્યું કે, ઈઝરાયેલથી પરત ફરવા ઈચ્છતા ભારતીયો માટે ‘ઓપરેશન અજય’ શરૂ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, વિશેષ ચાર્ટર ફ્લાઈટ્સ અને અન્ય વ્યવસ્થાઓ માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અમે વિદેશમાં અમારા નાગરિકોની સુરક્ષા અને કલ્યાણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.
- Advertisement -