અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર 9 લોકોનો જીવ લેનાર આરોપી તથ્ય પટેલને લઈને મહત્વના સમાચાર, આજે આરોપીની રેગ્યુલર જામીન અરજી પર હાથ ધરાશે સુનાવણી.
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર જેગુઆર કારથી 9 જેટલાં લોકોને મોતને ઘાટ ઉતારનારા તથ્ય પટેલની રેગ્યુલર જામીન અરજી પર આજે ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. તો કોર્ટ આજે પ્રજ્ઞેશ પટેલની વચગાળાની જામીન અરજી પર ચુકાદો આપી શકે છે. અગાઉ પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પણ સુનાવણી દરમિયાન કોર્ટે બંન્ને પક્ષોની દલીલો સાંભળી ચુકાદો અનામત રાખ્યો હતો. પ્રજ્ઞેશ પટેલે કેન્સરની બિમારીનું કારણ દર્શાવી વચગાળાના જામીનની માંગ કરી છે.
- Advertisement -
તથ્ય પટેલના જામીનની કરી છે અરજી
અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં વકીલ નિસાર વૈદ્યએ તથ્ય પટેલના રેગ્યુલર જામીન અરજી કરી છે. જેના પર આજે સુનાવણી યોજાશે, આ દરમિયાન તથ્ય પટેલને થયેલી ઈજાના કાગળો પણ રજૂ કરાશે. સાથે કોર્ટ દ્વારા જે શરતે જામીન આપવામાં આવે તે શરતને પણ સ્વીકારવાની તૈયારી આરોપી દર્શાવી શકે છે. આપને જણાવી દઈએ કે, નબીરો તથ્ય પટેલ અત્યારે સાબરમતી જેલમાં બંધ છે.
તથ્યનું લાયસન્સ આજીવન માટે કરાયું છે રદ
ઇસ્કોન બ્રિજના આરોપી તથ્ય પટેલે 6 મહિનામાં જ 3 અકસ્માત સર્જ્યા હોવાનું તપાસમાં સામે આવતા અને વારંવાર ટ્રાફિક ગુનાઓ આચરવામાં આવ્યા હોવાથી તે રીઢો ગુનેગાર હોવાનું સાબિત થતાં આરટીઓ દ્વારા તેનું લાયસન્સ કાયમ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું. તથ્ય પટેલ વારંવાર ટ્રાફિક નિયમોનો ઉલાળીયો કરવામાં માહેર હોવાનું તપાસમાં સામે આવતા આરટીઓ દ્વારા આ એક્શન લેવામાં આવ્યું હતું.
ઇસ્કોન બ્રિજ પર 9 લોકોના જીવ લીધા
બુધવારે (10 ઓગસ્ટ) રાત્રે શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ તરફથી પૂર ઝડપે આવતી લક્ઝ્યૂરિયસ કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. 141.27થી વધુની સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચડાવી દીધી હતી. આ ભયાનક અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા. જ્યારે આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. તથ્ય પટેલ નામના કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું હતું. અકસ્માત સર્જનાર જેગુઆર ચાલક પણ ઘાયલ થતા સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી, જ્યારે યુવકના પિતાને પણ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. જે બાદ આરોપી તથ્યના રિમાન્ડ માંગ તેની પૂછપરછ હાથ ધરાઈ હતી. રિમાન્ડ પૂર્ણ થતાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો હતો. હાલ તથ્ય પટેલ જ્યુડિશિયલ કસ્ટડી અંતર્ગત અમદાવાદના સાબરમતી જેલમાં બંધ છે. પોલીસે તેની વિરુદ્ધ 1684 પાનાની ચાર્જશીટ રજૂ કરી છે.