પોકેટ કોપ એપ્લિકેશનનો ઉપયોગ કરી પોલીસે સફળતા મેળવી, કુલ રૂ. 1,77,200/-નો મુદ્દામાલ રિકવર
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
અમદાવાદ શહેરના ઇસનપુર પોલીસે ગણતરીના દિવસોમાં ચોરીના ગુનાને ઉકેલી આરોપીઓને ઝડપી પાડી ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. ગત તારીખ 21/05/2025ના રાત્રે 11:00 વાગ્યે, ફરિયાદી સાબીર મુલ્લા (ઉ.વ. 44) ઇસનપુર ચાર રસ્તાથી મિલ્લતનગર ઢાળ ખાતે જવા રિક્ષામાં બેઠા હતા. આ દરમિયાન રિક્ષા ચાલક અને પાછળ બેઠેલા એક શખ્સે ફરિયાદીની નજર ચૂકવીને તેમના પેન્ટના ખિસ્સામાંથી પર્સ અને તેમાં રહેલી રોકડ રૂ. 27,200/-ની ચોરી કરી હતી. આ બનાવની ફરિયાદ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
એસીપી પ્રદીપસિંહ જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર બી.એસ. જાડેજાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.આર. સોલંકી અને તેમની ટીમે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગુનો શોધી કાઢ્યો. પોકેટ કોપ મોબાઇલ એપ્લિકેશનની મદદથી આરોપીઓની ઓળખ કરવામાં આવી છે. પોલીસે ગુનામાં વપરાયેલી રિક્ષા (નંબર: ૠઉં.27.ઝઇ.6350) કબજે કરી અને બે આરોપીઓને ઝડપી પાડ્યા. ચોરીમાં ગયેલી રોકડ રૂ. 27,200/- સહિત કુલ રૂ. 1,77,200/-નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો. પકડાયેલા આરોપીઓ: 1. શાહરૂખ આબીદભાઇ શાહ (ઉ.વ. 30), રહે: જાલમપુરીની ચાલી, ઇન્ડિયા બુલ્સની બાજુમાં, શહેરકોટડા, અમદાવાદ. 2. ઝાહિદ સુલતાનભાઇ શેખ (ઉ.વ. 32), રહે: મ.નં. 1, અલીફનગર, મુસ્તુફા મસ્જીદની સામે, કેનાલ રોડ, વટવા, અમદાવાદ. આ સફળ કામગીરી દ્વારા ઇસનપુર પોલીસે નાગરિકોની સુરક્ષા અને મિલકતની સલામતી માટે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.