રાણાવાવમાં બેરોકટોક ગેરકાયદે બાયો ડીઝલ વેપાર: અધિકારીઓની મીઠી નજર કે મજબૂરી?
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
પોરબંદર જીલ્લાનાં રાણાવાવ શહેરમાં ગેરકાયદે બાયો ડીઝલના ધંધા બેફામ બની ગયા છે. સ્ટેશન રોડ અને અન્ય વિસ્તારોમાં 8 થી 10 ગેરકાયદે બાયો ડીઝલ સ્ટેન્ડ બેરોકટોક ધમધમી રહ્યા છે. આ વ્યવસાયમાં મોટા માફિયાઓ સંકળાયેલા છે. અને સ્થાનિક તંત્ર જાણે આ હકીકત સામે આંખ મીંચી બેઠું છે. જ્યારે એક જાગૃત નાગરિકે આ બાબતે મામલતદાર ડાભી સાહેબને રજૂઆત કરી, ત્યારે તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ થયો. એક જાગૃત નાગરિકે પોતાનું નામ ન આપવાની શરતે ખાસ ખબર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, રાણાવાવના સ્ટેશન રોડ અને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદે બાયો ડીઝલના સ્ટેન્ડ ખુલ્લેઆમ ચાલી રહ્યા છે. મેં રાણાવાવના મામલતદાર ડાભી સાહેબને આ બાબતે રજૂઆત કરી હતી. તેમનો જવાબ આશ્ચર્યજનક હતો! તેમણે કહ્યું કે ‘હા, ચાલે છે, પણ હું ખૂબ વ્યસ્ત છું, તેથી કાર્યવાહી કરી શકતો નથી.’
મામલતદારનો જવાબ: ‘હા, ચાલે છે, પણ હું વ્યસ્ત છું!’
જાગૃત નાગરિકે ‘ખાસ ખબર’ સાથે વાતચીતમાં વિસ્તૃતમાં જણાવ્યું હતું કે, હું રાણાવાવના જવાબદાર નાગરિક તરીકે મામલતદાર ડાભી સાહેબ સુધી પહોંચ્યો. મેં તેમને જણાવ્યું કે રાણાવાવમાં ગેરકાયદે બાયો ડીઝલના સ્ટેન્ડ ધમધમી રહ્યા છે, તો તેમણે ખુલ્લેઆમ કહ્યું – ‘હા, ચાલે છે, પણ હું ખૂબ વ્યસ્ત છું, પગલા લઈ શકતો નથી.’ આવી બેદરકારી માત્ર શંકાસ્પદ જ નહીં, પણ સરકારના અધિકારીઓની નિષ્ક્રિયતા અને ભ્રષ્ટાચાર તરફ સાફ ઈશારો કરે છે. જો એક સરકારી અધિકારી ગેરકાયદે ધંધાની જાણકારી હોવા છતાં કોઈ પગલા નહીં ભરે, તો શું તેનો અર્થ એ નથી કે તે ધંધાની સહમતિ આપી રહ્યો છે?
‘તું ગમે ત્યાં જઇશ, અમારું કામ બંધ નહીં થાય!’ – ધમકીભર્યા ફોન
જાગૃત નાગરિકે વધુમાં ચોંકાવનારી વિગતો આપી કે તેમને સાંજ સુધીમાં અનેક ધમકીભર્યા કોલ મળ્યા. એ ફોનમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું કે: રાણાવાવના મામલતદાર ડાભી સાહેબ થી માંડી બધા અમારી ગોઠવણમાં છે! તું ગમે ત્યાં રજુઆત કરવા જઇશ, અમારો ધંધો ક્યારેય બંધ નહીં થાય! તેમજ ડાભી સાહેબે કહ્યું છે કે હવે ફરી તેમને આ બાયો ડીઝલ બાબતે ફોન પણ કરતો નહીં..!’” ત્યારે સવાલ એ છેકે રાણાવાવ મામલતદારને કરેલી રજૂઆતની બાયો ડીઝલનો ગેરકાયદે ધંધો કરતા માફીયાઓને કેમ પડી તથા રજુઆત કરનાર ના નામ નંબર કંઈ રીતે મળ્યા..? શું રાણાવાવ મામલતદાર આ ગેરકાયદે ધંધાના ભાગીદાર છે?