નિયમનું વિરુધ્ધ આંગણવાડીમાં સાસુ,વહુને નોકરી આપી દેવાઇ
નોકરી માટે છુટાછેડાનાં ખોટા પુરાવા ઉભા કર્યાની ફરિયાદ પણ કરાઇ
- Advertisement -
cdpoને તપાસનાં આદેશ : જિલ્લામાં અન્ય આંગણવાડીની તપાસ થવી જરૂરી
જિલ્લામાં આંગણવાડીમાં ચાલતી લોલમલોલ
જૂનાગઢ જિલ્લામાં અનેક આંગણવાડીમાં લોલમલોલ ચાલી રહી છે. મોટા ભાગે આંગણવાડી ભાડાનાં મકાનમાં બેસે છે. તેમજ અનેક આંગણવાડીમાં પાણીની સુવિધા પણ નથી. અનેક આંગણવાડીમાં બાળકો અનિયમીત અને ઓછા આવી રહ્યાં છે. પરંતુ તંત્ર દ્વારા કોઇ પગલા લેવામાં આવતા નથી.
ખાસ ખબરસંવાદદાતા
જૂનાગઢ જિલ્લા પંચાયત હસ્તકની આંગણવાડીમાં ગેરરીતીનું ભૂત ધુણ્યું છે. વિસાવદરનાં વેકરીયા ગામે આંગણવાડીની ભરતીમાં ગેરરીતી થયાનાં આક્ષેપ થયા છે. નિયમ વિરુધ્ધ એક જ આંગણવાડીમાં સાસુ, વહુને નોકરી આપી દેવામાં આવી છે. એટલું જ નહી નોકરી માટે છુટાછેડાનાં ખોટા પુરાવા ઉભા કર્યાની પણ રજુઆત થઇ છે. આ ઘટનાને લઇ સીડીપીઓને તપાસનાં આદેશ કરાયાં છે.
- Advertisement -
જૂનાગઢ જિલ્લા પંચાયત હસ્તકની આંગણવાડીઓ કોઇ કોઇ મુદે વિવાદમાં રહે છે. વસ્તુની ખરીદીને લઇ પણ અગાઉ વિવાદ થયા હતાં. ત્યારે જૂનાગઢ જિલ્લા પંચાયત હસ્તકની આંગણવાડીમાં ફરી એક વખત વિવાદનો મધપૂડો છંછેડાયો છે. વિસાવદરનાં વેકરીયા ગામમાં આંગણવાડીમાં ભરતી કરવામાં આવી છે. ભરતીને લઇ વિવાદ ઉભો થયો છે. વેકરીયામાં આંગણવાડી ભરતીમાં ગેરરીતી થયાનાં ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. વેકરીયા ગામનાં જયશ્રીબેન ગીગાભાઇ પરમારે ડીડીઓને રજુઆત કરી જણાવ્યું હતું કે, તા. 23 એપ્રિલ 2022નાં આંગણવાડી તેમજ તેડાંગર ભરતી માટે ઓનલાઇન અરજી કરી હતી. ભરતીનાં મેરીટમાં બીજા ક્રમે હું આવી હતી. જેનો પહેલો ક્રમ આવેલો તે બહેનનાં સાસુ પહેલેથી જે આંગણવાડીમાં નોકરી કરે છે. આ અંગે ઓનલાઇન અપીલમાં ગયા હતાં. પરંતુ કોઇ જવાબ મળ્યો ન હતો. આંગણવાડી તેમજ તેડાંગર ભરતીનાં ઠરાવ મુજબ કુટુંબનાં એકથી વધુ સભ્યો આંગણવાડીમાં નોકરી કરી શકતા નથી. વેકરીયાની આંગણવાડીમાં આ ઠરાવનો ભંગ થયો છે. આ આંગણવાડીમાં હંસાબેન ભાનુશંકર તેરૈયા નોકરી કરે છે અને આ ભરતીમાં તેમનાં પુત્ર વધુ રૂચીતાબેન યુવરાજભાઇ તેરૈયાને ભરતીમાં લેવામાં આવ્યાં છે. સાસુ,વહુ એક જ આંગણવાડીમાં નોકરી કરતા હોય ઠરાવ મુજબ તેની ઉમેદવારી રદ થાય છે. જયશ્રીબેનની અપીલ બાદ જિલ્લા પંચાયતએ તપાસનાં આદેશ કર્યા છે અને આ પ્રકરણની તપાસ સડીપીઓને કરવા કહેવામાં આવ્યું છે. અપીલમાં આવેલા અરજદાર જયશ્રીબેનને આક્ષેપ કર્યો હતો કે, ભરતી માટે છુટાછેડાનાં પુરાવા પણ ખોટા રજુ કર્યા છે. તેની પણ યોગ્ય તપાસ થવી જોઇએ.
તપાસ ચાલુ છે. : પ્રોગ્રામ ઓફીસર
પ્રોગ્રામ ઓફીસર શારદાબેન દેસાઇએ કહ્યું હતુ કે,વેકરીયાનાં અરજદારે અપીલ કરી છે. તેમનું કહેવું છે કે સાસુ,વહુને નોકરી મળી છે. તેને સાંભળવામાં આવ્યાં છે. તપાસ ચાલુ છે. તેમજ સીડીપીઓને તપાસ સોંપવામાં આવી છે.
પતિ-પત્ની સાથે રહેતા હોવા છતા છુટાછેડા
જૂનાગઢ જિલ્લા પંચાયતમાં અપીલમાં આવેલા અરજદારે આક્ષેપ કર્યો હતો કે, પતિ-પત્ની સાથે રહેતા હોવા છતા પણ છુટાછેડાનાં પુરાવા રજુ કરવામાં આવ્યાં છે. ખોટા પુરાવા રજુ કરવામાં આવ્યાં છે. આ અંગે ફોજદારી કાર્યવાહી થવી જોઇએ.
આંગણવાડીનાં બહેનો પાસે કરાવાતા અન્ય કામ
બીજી તરફ આંગણવાડીનાં બહેનોએ રોષ ઠાલવ્યો હતો કે, આંગણવાડીનાં બહેનો પાસે અન્ય કામ લેવામાં આવી રહ્યાં છે. જુદા જુદા સર્વે કરાવવામાં આવે છે. તેમજ ઓનલાઇન ડેટા એન્ટ્રી કરવામાંથી બહેનોને ફરસદ મળતી નથી.