ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ જંગમાં હવે એક નવો વળાંક આવ્યો છે. અત્યાર સુધી ઇઝરાયલની પડખે ઉભેલું અમેરિકા હવે ઇઝરાયલની એક હરકતથી લાલઘૂમ થઈ ગયું છે. ઈરાનના ઓઈલ ડેપો પર કરવામાં આવેલા ભીષણ હુમલા બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી હોવાના અહેવાલો મળી રહ્યા છે.
અમેરિકાની ભારે નારાજગી
- Advertisement -
ઈરાન પર 28 ફેબ્રુઆરીથી ઇઝરાયલ અને અમેરિકાના સંયુક્ત હુમલા ચાલુ છે, પરંતુ તાજેતરમાં ઇઝરાયલે જે રીતે ઈરાનના તેલ ડેપો અને રિફાઈનરીઓને નિશાન બનાવી છે તેનાથી અમેરિકા નારાજ છે. અમેરિકાનું વહીવટીતંત્રનું કહેવું છે કે ઇઝરાયલ જંગને એ સ્તર સુધી ભડકાવી રહ્યું છે જે અસ્વીકાર્ય છે. આ પ્રકારના હુમલાથી સામાન્ય નાગરિકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે અને પરિસ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે.
હુમલા પાછળ ઇઝરાયલની દલીલ અને અમેરિકાની હેરાની
તેલ અવીવે (ઇઝરાયલ) અમેરિકાને જાણ કરી હતી કે તેમણે એવી ઓઈલ ફેસિલિટીઝ પર હુમલો કર્યો છે જેનો ઉપયોગ મિસાઈલ લોન્ચરમાં ઈંધણ ભરવા માટે થતો હતો. જોકે, અમેરિકાના અધિકારીઓ આ વાતથી ચોંકી ગયા છે. રિપોર્ટ્સ અનુસાર, જ્યારે અમેરિકાને આ હુમલાની જાણ થઈ ત્યારે ત્યાંથી મેસેજ આવ્યો હતો કે – “તમે આ શું કરી નાખ્યું?” અમેરિકાને આટલા ભીષણ હુમલાની અપેક્ષા નહોતી.
- Advertisement -
તેહરાન બન્યું નરક: ઝેરી હવા અને ઓઈલનો વરસાદ
ઇઝરાયલના આ હુમલા બાદ તેહરાનના આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા છે. આસપાસની ઈમારતો પર તેલની જાડી પરત જામી ગઈ છે. સૌથી ભયાનક બાબત એ છે કે આકાશમાં જામેલો ધુમાડો હવે કાળા ટીપાં સ્વરૂપે નીચે ટપકી રહ્યો છે, જેના કારણે તેહરાનની હવા ઝેરી બની ગઈ છે. સ્થાનિકોનું કહેવું છે કે જ્યારે ડેપોમાં આગ લાગી ત્યારે એવું લાગતું હતું કે જાણે આગની નદી વહી રહી હોય.
લોકોને ઘરમાં પુરાઈ રહેવા આદેશ
તેહરાનમાં હવાની ગુણવત્તા એટલી ખરાબ થઈ ગઈ છે કે લોકોને માસ્ક પહેર્યા વગર બહાર ન નીકળવા અને બને ત્યાં સુધી ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. આ હુમલાને કારણે માનવીય કટોકટી સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે વિશ્વભરમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.




