રાજકોટ અગ્નિકાંડ મામલે સરકાર એક્શન મોડમાં ગાંધીનગરમાં ગૃહરાજ્યમંત્રીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી હતી
ફાયર ઑફિસર બી.જે. ઠેબા અને ટાઉન પ્લાનિંગ ઑફિસર સાગઠીયા સામે કાર્યવાહી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.29
રાજકોટ આગકાંડ મામલે સરકાર એક્શન મોડમાં છે. આજે ગાંધીનગરમાં ગૃહરાજ્યમંત્રીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી હતી. SIT ના સભ્યો સાથે હર્ષ સંઘવીની બેઠક મળી હતી. બેઠકમાં SIT વડા સુભાષ ત્રિવેદી, ટેકનિકલ એજ્યુકેશન કમિશનર બંછાનિધી પાની, FSLના ડાયરેક્ટર એચ.પી.સંઘવી, ચીફ ફાયર ઓફિસર જે.એન.ખડિયા, માર્ગ અને મકાન વિભાગના સુપરિટેન્ડિંગ એન્જિનિયર એમ.બીદ.દેસાઈ હાજર રહ્યા હતા.બેઠક બાદ મીડિયા સાથે વાત કરતાં સીટના વડા સુભાષ ત્રિવેદીએ જણાવ્યું કે, આ ઘટનામાં લોકોના જીવ ગયા છે, તેમને ન્યાય આપવા માટે જે સીટની રચના કરી હતી, તેની તપાસનું રિવ્યૂ કર્યું છે. આમાં જે કોઇ જવાબદાર હોય તેને શોધી તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે ગૃહમંત્રીએ સૂચના આપી છે. એમણે ચિંતા વ્યક્ત કરી છે કે, ભવિષ્યમાં કોઇપણ પ્રકારનો આવો બનાવ ન બને તેવી સિસ્ટમ બનવી જોઇએ. આમાં જે કોઇ અધિકારી કે પદાધિકારી હશે, તેમની પૂછપરછ કરવામાં આવશે. પૂછપરછ બાદ યોગ્ય રીતે આંકલન કરીને સરકારને રિપોર્ટ આપવામાં આવશે.
આ દરમિયાન જાણવા મળતી વિગત મુજબ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ખાતે એમ.ડી. સાગઠીયાને પૂછપરછ માટે લાવવામાં આવ્યા છે. અગ્નિકાંડ સામે આવ્યા બાદ ટાઉન પ્લાનિંગ ઓફિસરના પદ પરથી એમડી સાગઠીયાને દૂર કરવામાં આવ્યા છે. એમડી સાગઠીયાનો ચાર્જ રૂડાના અધિકારીને આપવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે, ફાયર NOC સાથે ડેવલોપમેન્ટ પ્લાન, ઇઞ પરમિશન અને પ્રોપર્ટી ટેક્ષ લીધા વગર ગેમ ઝોન ચાલતુ હતું. આ બધા પાસાઓ ટાઉન પ્લાનિંગ સાથે જોડાયેલા છે. રાજકોટ ટાઉન પ્લાનિંગ બાદ ફાયર વિભાગના અધિકારીની પૂછપરછ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, ફાયર ઓફિસર બી.જે. ઠેબાને ક્રાઈમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા છે. ભક્તિનગર પી.આઈ મયુરસિંહ સરવૈયા ફાયર ઓફિસરને ક્રાઈમ બ્રાન્ચ ખાતે લાવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચ ખાતે બી. જે ઠેબાનું વિશેષ નિવેદન નોંધવામાં આવશે. એફઆઇઆર દાખલ કરતાં સમયે અગ્નિકાંડ મામલે બી. જે. ઠેબા પોતાનું નિવેદન તાલુકા પોલીસને આપી ચૂક્યા છે.
2021થી અત્યાર સુધીના અધિકારીઓને SITનું તેડું
રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં અત્યાર સુધીના સૌથી મોટા અહેવાલ સામે આવ્યા છે. તાજેતરની માહિતી અનુસાર એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીએ નવું ફરમાન જાહેર કરતાં 2021થી અત્યાર સુધીના તમામ ક્લાસ 1 ઓફિસર્સને એસઆઈટી સમક્ષ હાજર થવા માટે આદેશ કરવામાં આવ્યો છે.
કોણે હાજર થવાનું રહેશે? અત્યાર સુધીની મળતી માહિતી અનુસાર એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદી સમક્ષ પૂછપરછ હેતુસર કલેક્ટર, પોલીસ અને મ્યુનિસિપલ કમિશનર સહિત તમામ ક્લાસ 1 અધિકારીઓએ પૂછપરછ માટે હાજર રહેવું પડશે. તેમાં 2021થી અત્યાર સુધી ફરજ પર તહેનાત અધિકારીઓને પૂછપરછ માટે હાજર થવાનું ફરમાન જાહેર કરાયું છે. બધાને સમન્સ મોકલી દેવામાં આવ્યા છે.