15 નવેમ્બર સુધીમાં જાળવી રખાયેલા ખેલાડીઓની યાદી સોંપવી પડશે
દસેય ટીમોના પર્સમાં પાંચ કરોડનો વધારો: માર્ચના ત્રીજા સપ્તાહથી ટૂર્નામેન્ટ થઈ શકે શરૂ
- Advertisement -
23 ડિસેમ્બરે કેરળના કોચીમાં આઈપીએલનું મિનિ ઑક્શન થશે. આ વખતે તમામ 10 ટીમોને પર્સમાં પાંચ કરોડથી વધુ મળશે. પાછલીવાર મેગા ઑક્શનમાં ટીમો પાસે 90 કરોડ રૂપિયાનું પર્સ હતું જેમાં આ વર્ષે પાંચ કરોડનો વધારો કરવામાં આવ્યો છે.
તમામ 10 ટીમો પાસે પાછલા મેગા ઑક્શન બાદ થોડા પૈસા બચ્યા હતા જેમાં હવે પાંચ કરોડ ઉમેરાઈ જશે. અત્યારે પંજાબ કિંગ્સ પાસે પર્સમાં સૌથી વધુ રૂપિયા બચ્યા છે. પાછલા ઑક્શન બાદ તેની પાસે 3.45 કરોડ રૂપિયા બચ્યા હતા. પાંચ કરોડ ઉમેરાયા બાદ હવે હરાજીમાં તે 8.45 કરોડ રૂપિયા સાથે ઉતરશે. જ્યારે પાછલા આઈપીએલમાં સામેલ થયેલી લખનૌ સુપરજાયન્ટસે પોતાનું આખું પર્સ ખાલી કરી નાખ્યું હતું મતલબ કે હવે તેની પાસે માત્ર પાંચ કરોડ રૂપિયા જ બાકી રહેશે.
પાંચ કરોડ રૂપિયા ઉમેરાયા બાદ હવે ચેન્નાઈ સુપરકિંગ્સ પાસે 7.95 કરોડ રૂપિયા, રોયલ ચેલેજર્ન્સ બેંગ્લોર પાસે 6.55 કરોડ, રાજસ્થાન રોયલ્સ પાસે 5.95 કરોડ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ પાસે 5.45 કરોડ રૂપિયા પર્સમાં બાકી છે. પાછલા વર્ષે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ ઑક્શનમાં 5.15 કરોડ રૂપિયા સાથે હરાજીમાં ઉતરશે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ ત્રણેય 5.10 કરોડ રૂપિયાથી ખેલાડીઓની ખરીદી કરશે.
- Advertisement -
તમામ દસેય ટીમોને 15 નવેમ્બર સુધીમાં રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરવા કહેવામાં આવ્યું છે. પાછલીવાર થયેલા મેગા ઑક્શન બાદ આ વર્ષે મિનિ ઑક્શન થશે મતલબ કે આ વખતે ટીમો પોતાના અનેક પસંદગીના ખેલાડીઓને સાથે રાખી શકશે. વહેતાં થયેલા અહેવાલો પર વિશ્ર્વાસ કરવામાં આવે તો ચેન્નાઈ સુપરકિંગ્સ રવીન્દ્ર જાડેજાને તો દિલ્હી કેપિટલ્સ શાર્દૂલ ઠાકુર સહિતના ખેલાડીઓને છૂટા કરવા વિચાર કરી રહી છે.
2023ના આઈપીએલમાં 10 ટીમો વચ્ચે કુલ 74 મેચ રમાશે. આ સીઝન માર્ચના ત્રીજા સપ્તાહમાં શરૂ થઈને મેના અંત સુધી ચાલવાની શક્યતા છે. 2022ની આઈપીએલ 26 માર્ચથી શરૂ થઈને 29 મે સુધી ચાલી હતી. પાછલી સીઝનમાં આઠની જગ્યાએ 10 ટીમો વચ્ચે ટૂર્નામેન્ટ રમાઈ હતી. ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપરજાયન્ટસની બે નવી ટીમોએ ટૂર્નામેન્ટમાં એન્ટ્રી કરી હતી. ટૂર્નામેન્ટના ફાઈનલમાં ગુજરાતે રાજસ્થાનને હરાવ્યું હતું.