ઝારખંડ સામાન્ય સ્નાતક સ્તરની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાને ધ્યાનમાં રાખીને, શનિવાર અને રવિવારે 5 કલાકથી વધુ સમય માટે રાજ્યભરમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે . તેમાં કહેવામાં આવ્યું છે કે, પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ખલેલ ન પડે તે માટે શનિવારે સવારે 8 વાગ્યાથી બપોરે 1:30 વાગ્યા સુધી સેવાઓ બંધ રહેશે અને રવિવારે પણ આ પ્રતિબંધ ચાલુ રહેશે. વોઈસ કોલ, બ્રોડબેન્ડ સર્વિસ અને લેન્ડલાઇન સેવાઓ આ સમયગાળામાં ચાલું રહેશે.
પ્રતિબંધના નિર્ણયનું કારણ આપતાં, ઝારખંડ સરકારે કહ્યું કે અગાઉ એવું જોવામાં આવ્યું હતું કે કેટલાક અનૈતિક વ્યક્તિઓએ ફેસબુક, વોટ્સએપ, એક્સ, ટેલિગ્રામ અને યુટ્યુબ જેવી વિવિધ મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને પરીક્ષામાં ચોરી કરી હતી. ઝારખંડની સરકાર પરીક્ષા પ્રક્રિયામાં કોઈપણ છટકબારીઓને દૂર કરવા માંગે છે જે લોકોનાં મનમાં ભરતી પ્રક્રિયાની અખંડિતતા અંગે શંકા પેદા કરી શકે છે તેથી ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે.
- Advertisement -
મુખ્યમંત્રી હેમંત સોરેને કહ્યું કે તેમણે પરીક્ષાની તૈયારીઓને લઈને વરિષ્ઠ અધિકારીઓ સાથે વાત કરી છે. તેમણે કહ્યું કે બેદરકારી કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. પરીક્ષા દરમિયાન જો કોઈ કંઈ ખોટું કરવાનો પ્રયાસ કરશે તો તેની સાથે કડક કાર્યવાહી કરવામાં આવશે. જેએસએસસીઅધિકારીએ જણાવ્યું કે ઝારખંડ સ્ટાફ સિલેક્શન કમિશન 823 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરશે, જેમાં લગભગ 6.39 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે.