દર્શના ભવ્ય રાવલ
આજે અહીં એવી સ્ત્રીની વાત કરવી છે જે ખૂબ નાની વયે આકાશવાણીમાં કેઝ્યુઅલ એનાઉન્સર તરીકે જોડાયેલા પલક આચાર્ય ત્રિવેદી. તેઓ એક દશકાથી સારા ઉદ્દઘોષક તરીકે કાર્યરત છે, બીજા હિમાદ્રી આચાર્ય દવે જેઓ પારિવારિક જવાબદારી બખૂબી નિભાવી ચાલીસ વર્ષની વયે પોતાના કારકિર્દીની શરૂઆત કરે છે, જેઓ લેખક, પત્રકાર, કવિ અને સાહિત્યકાર છે
- Advertisement -
બાળપણથી જ કલા અને સાહિત્યના વાતાવરણમાં ઉછરેલા અને જાણે ગળથૂંથીમાં જ લેખક અને પત્રકારત્વ મળ્યું હોય એવા હિમાદ્રી આચાર્ય દવે જેઓ મૂળ રાજકોટના અને હાલ પુણેમાં રહી પોતાના લેખન ક્ષેત્રે કાર્યશીલ છે. હિમાદ્રીબેન નાની ઉંમરે જ સાંસ્કૃતિક તેમજ સામાજિક વિષયો પરના લેખ લખતા આવ્યા છે. પરંતુ સામાજિક અને પારિવારિક જવાબદારી વચ્ચે લેખન કાર્ય છૂટી ગયું હતું. પોતાના શોખ અને વારસામાં મળેલી આવડતને ન્યાય આપી ફરી લેખન કાર્ય ચાલુ કર્યું. હિમાદ્રીબેન કવિયત્રી, બ્લોગર, કોલમિસ્ટ છે. તેઓ પર્યાવરણ, રાજકારણ, વ્યક્તિ વિશેષ, સંસ્કૃતિ વિષય, સાંપ્રત ઘટનાઓ, સામાજિક વિષય, ફિલ્મ રિવ્યુ અને સંશોધનાત્મક લેખ લખે છે. તેમના લેખ ખાસ ખબર, જનસત્તા અને અભિયાનમાં નિયમિત પ્રકાશિત થતાં રહે છે. ઘણીવાર અભિયાનમાં તેમની સ્ટોરી કવર સ્ટોરી તરીકે પણ લેવામાં આવી છે. ’દેવ લીપી’, ’તેજ ગુજરાતી’ અને ’નમો ન્યૂઝ’ વેબ પોર્ટલ પર આર્ટિકલ મૂકવામાં આવે છે. હિમાદ્રીબેન કવિતા, ગીત, ગઝલ પણ લખતાં રહે છે. તેમની કવિતાઓ અવારનવાર ‘અખંડ આનંદ’, ‘કવિલોક’ ‘શબ્દસર’ જેવા પ્રસિદ્ધ સામયિકોમાં પ્રકાશિત થતી રહે છે. તેઓ જુદા જુદા કલાકારોના ઇન્ટરવ્યૂ પણ કરે છે. તેમનું ગુજરાતી લોકસંગીત અને ગુજરાતી લોકગાયકોના ઇન્ટરવ્યૂ આધારિત શ્રેણીનું પુસ્તક ટૂંક સમયમાં પ્રકાશિત થવા જઈ રહ્યું છે. તેમણે મીનાક્ષી ચંદારાણાનાં પુસ્તક વારતા રે વારતા’નું હિંદી અનુવાદ *0? ૠ ।6 .ૠ’ કર્યું હતું. આ અનુવાદને 2019નું ગુજરાત સાહિત્ય અકાદમીનું તૃતીય પારિતોષિક મળ્યું છે. ફિલ્ડ રિપોર્ટિંગ એટલે કે ગ્રાઉન્ડ ઝીરો પરથી રિપોર્ટિંગમાં કરતા સ્પષ્ટ વક્તા હિમાદ્રીબેનના મતે પત્રકાર અને લેખક કેવો હોય તે વિશે જણાવતા તેઓ કહે છે કે : કલા એટલે માત્ર મનોરંજન નહીં પરંતુ કલા એ મનોરંજનની સાથે માહિતી આપે છે. કલાનો એક હેતુ માનવજાતને શ્રેષ્ઠ સંદેશ આપવાનો છે. લેખન પણ એક કલા જ છે આથી જે પણ લેખન કરીએ તે સત્ય નિષ્પક્ષ તટસ્થ અને સંશોધાત્મક હોવું જરૂરી છે. ગૂગલ દેવો ભવ: એટલે કે ગૂગલનો સહારો લઈને નહી પરંતુ માહિતીની ખરાઈ કરીને લખવું જરૂરી છે. જરૂર પડે તો વિષય નિષ્ણાત પાસેથી માહિતી લેવી જોઈએ. સસ્તી લોકપ્રિયતા મેળવવા લોકોને ખુશ કરવા વાણી વિલાસ ન કરવો. કોલમ ચલાવવા કે કોલમ પૂરી કરવા વિષયથી વિચલિત ન થવું જોઈએ. રાજકારણ વિષય પર લખવાનું આવે ત્યારે કોઈ એક ધારાથી પ્રભાવિત થવું જોઈએ નહીં પરંતુ તટસ્થતા કેળવવી જોઈએ. હિમાદ્રી આચાર્ય દવે મહિલા દિવસ અંતર્ગત જણાવે છે કે : હવે સ્ત્રીઓ આઝાદ નહીં સમજદાર થઈ ગઈ છે તેથી સ્ત્રી પુરુષ સમાનતાની વાત છોડી દેવી જોઈએ. સ્ત્રીનું એક અલગ વ્યક્તિત્વ છે. ક્યાં પાંખો સંકોરવી અને ક્યાં વિસ્તારવી એ સ્ત્રીએ પોતે જ નક્કી કરવાનું હોય છે. આજે સ્ત્રી પુરુષના કાયદામાં જૂજ સ્ત્રીઓ કાયદાનો દુરુપયોગ કરી પુરુષને હેરાન કરે છે. પરિણામે આજે ફેમિનીઝમ શબ્દ સુગાળવો થઈ ગયો છે આથી કોઈને હેરાન કરવું તે ફેમિનીઝમ નથી. હું કોઈને હેરાન કરીશ નહીં અને ખુદને કોઈની હેરાનગતિનો ભોગ બનવા દઈશ નહીં એ જ ખરું ફેમિનિઝમ જ નહીં, માનવધર્મ છે.
જે કામ કરવાનું પેશન હોય તેનો ક્યારેય થાક લાગતો નથી: પલક આચાર્ય ત્રિવેદી
- Advertisement -
બોલવાનો અને સંચાલન કરવાનો શોખ ધરાવતા પલક આચાર્ય ત્રિવેદી સ્કૂલમાં હતા ત્યારેથી જ કાર્યક્રમનું સંચાલન કરતા. રાજ્ય કક્ષાની સ્પર્ધામાં કવિતા પઠન અને કવિ સંમેલનનું સંચાલન કરતા હતા. પલક આચાર્ય ત્રિવેદી કારકિર્દીની શરૂઆત કરતા જણાવે છે કે મારો પરિવાર શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલો એટલે હું પણ શિક્ષક બનું તેવી પરિવારજનોની ઈચ્છા તેથી મેં એમ.એ. બી.એડનો અભ્યાસ કર્યો. પરંતુ મારા માતા પહેલેથી રેડિયો સાંભળવાના શોખીન. રેડિયોના ઉદ્દઘોષક સાંભળી તેઓ વિચારતા કે “મારી દીકરી પલક પણ એક દિવસ રેડિયોમાં બોલે અને હું તેને સાંભળું.” માતાના આ સ્વપ્નને સાર્થક કરવા પલક આચાર્ય ત્રિવેદીએ 2014માં આકાશવાણી એનાઉન્સરની પરીક્ષા પાસ કરી આકાશવાણીના યંગેસ્ટ એનાઉન્સર તરીકે જોડાયા. તેઓ કહે છે કે મારી ભાષા શુધ્ધિમાં આકાશવાણીનો મોટો ફાળો રહ્યો છે. છેલ્લા એક દશકાથી આકાશવાણીમાં ઉદ્દઘોષક તરીકે ફરજ નિભાવતા પલક આચાર્ય ત્રિવેદી દૂરદર્શનના ઘણા કાર્યક્રમનું સંચાલન કર્યું છે. હાલમાં તેઓ પોલિટિકલ ઇવેન્ટ્સ, સોશિયલ ઇવેન્ટ્સ, મેરેજ ફંક્શન, સ્કૂલ ફંક્શન, વિવિધ સરકારી કાર્યક્રમો, મુખ્યમંત્રીના કાર્યક્રમો અને વડાપ્રધાનના વર્ચ્યુઅલ ઇવેન્ટ્સનું સંચાલન ખૂબ સારી રીતે કરે છે. રાજકોટની જાણીતી ન્યૂઝ ચેનલ સીટી ન્યૂઝમાં સિનિયર ન્યૂઝ એન્કર તરીકે પણ જોડાયેલા છે. હાલમાં જ તેઓએ સેલિબ્રિટી એન્કર તરીકે પણ ઝંપલાવ્યું છે. “ઘરની ચિંતા ન કરીશ હું સંભાળી લઈશ” હંમેશા આવી રીતે પ્રોત્સાહિત કરતા પતિ પ્રશાંત ત્રિવેદી પત્નિ પલકના કાર્યથી ગૌરવ અનુભવે છે. પલકના જીવનમાં પતિ પ્રશાંતનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. તેઓ વુમન્સ ડે વિશે જણાવે છે કે પતિ પત્નીના સંબંધમાં વિશ્વાસ અગત્યનો છે. આજે મોટાભાગના લોકોને દેખાવથી મોર્ડન બનવું છે પણ વિચારોથી નહીં આથી વિચારોથી મોર્ડન બની વિચારોની ક્રાંતિ લાવવી જરૂરી છે. કોઈપણ પ્રશ્નનું નિરાકરણ પૂર્વ ધારણ બાંધવાથી નહીં પરંતુ તટસ્થતાથી થાય છે.