ધર્મેન્દ્રસિંહજી કોલેજ, વિરાણી હાઇસ્કૂલ, શાસ્ત્રી મેદાન અને ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં મહોત્સવ યોજાવાની શક્યતા
અગાઉ પ્રવાસન વિભાગ મહોત્સવનું આયોજન કરવાના હતા પરંતુ હવે મનપાના યજમાનપદે યોજાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમાં 10 જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાવાનો છે.
વાઇબ્રન્ટ સમિટને અનુલક્ષીને અગાઉ પ્રવાસન વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાવાનો હતો. એને બદલે હવે મહાપાલિકાના યજમાનપદે પતંગ મહોત્સવ યોજાશે. સામાન્ય રીતે મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ કે ધર્મેન્દ્રસિંહજી કોલેજના મેદાનમાં પતંગ મહોત્સવ યોજાતો હોય છે. આ વખતે અલગ અલગ ચાર મેદાનમાંથી કોઇ એક મેદાન નક્કી કરવામાં આવશે, જેમાં ધર્મેન્દ્રસિંહજી કોલેજ સહિત ચાર મેદાન અંગે વિચારણા કરવામાં આવી રહી છે. આ પતંગ મહોત્સવમાં 50 કરતાં વધારે દેશોના પતંગબાજો ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે અગાઉ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન ગુજરાત પ્રવાસન વિભાગ એકલા હાથે કરવાનું હતું, પણ પતંગ મહોત્સવ માટે રેસકોર્સ મેદાન મળે એમ ન હોઈ પ્રવાસન વિભાગે હાથ ઊંચા કરી દઈને રાબેતા મુજબ મહાનગરપાલિકા પર જવાબદારી થોપી દીધી છે, આથી હવે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ મહાનગરપાલિકાના યજમાનપદે યોજાશે.
આગામી 11 જાન્યુઆરીએ રાજકોટની મારવાડી કોલેજમાં ગુજરાત રીજનલ વાઇબ્રન્ટ સમિટનું આયોજન થવાનું છે, જેના ઉદ્દઘાટન માટે વડાપ્રધાન મોદી 11 જાન્યુઆરીના બપોરે રાજકોટ આવી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા એક તરફ વડાપ્રધાનના રોડ શો માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે બીજી બાજુ વાઈબ્રન્ટ સમિટના એક દિવસ અગાઉ 10 જાન્યુઆરીએ જ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે.
અગાઉ સ્માર્ટસિટીના અટલ સરોવર વિસ્તારમાં પણ પતંગ મહોત્સવનું આયોજન કરવાની વિચારણા હતી, પણ ત્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગાલા ડિનરનું આયોજન કરવામાં આવ્યું હોઈ, મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે જે રીતે ધર્મેન્દ્રસિંહજી કોલેજના મેદાનમાં પતંગ મહોત્સવ યોજે છે એવી જ રીતે આ વર્ષે પણ ધર્મેન્દ્રસિંહજી કોલેજનાં મેદાનમાં પતંગ મહોત્સવ યોજાય એેવી શક્યતા છે, જોકે મહાપાલિકા દ્વારા વાઇબ્રન્ટ સમિટને અનુલક્ષીને ધર્મેન્દ્રસિંહજી કોલેજના મેદાન ઉપરાંત વિરાણી હાઇસ્કૂલ, શાસ્ત્રી મેદાન, ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજવાની શક્યતા ચકાસવામાં આવી રહી છે.
50 કરતાં વધુ દેશોના 150થી વધુ પતંગબાજો રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા
મેયર નયના પેઢડિયાએ જણાવ્યું હતું કે ગુજરાત ટૂરિઝમના સચિવ સાથે યોજાયેલી વીડિયો-કોફરન્સ બાદ પ્રવાસન વિભાગે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ માટે મહાનગરપાલિકાને જવાબદારી સોંપી દીધી હતી. આ પતંગ મહોત્સવમાં 50 કરતાં વધુ દેશોના 150થી વધુ પતંગબાજો રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે અને હજુ પણ રજિસ્ટ્રેશન ચાલી રહ્યાં છે. વધારે પતંગબાજો આ મહોત્સવમાં પોતાની કલા પ્રદર્શિત કરે એવી શક્યતા હોવાથી હાલમાં આ માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
રેસકોર્સ મેદાનમાં વાહનના પાર્કિંગ માટે વ્યવસ્થા
આ પતંગ મહોત્સવ રેસકોર્સ મેદાનમાં યોજાવાનો હતો, જોકે રેસકોર્સ મેદાન ખાનગી પાર્ટી દ્વારા 11 અને 12 જાન્યુઆરી એમ બે દિવસ માટે અગાઉથી બુક કરી દેવાયું છે. તો 11ના રોજ વડાપ્રધાનના કાર્યક્રમને અનુલક્ષીને રેસકોર્સ મેદાનમાં બસ સહિત ખાનગી વાહનના પાર્કિંગ માટે વ્યવસ્થા કરવાની હોઈ, આ કાર્યક્રમના આયોજકોને પણ તારીખ બદલવા માટે કહેવાયું છે. આમ, વાઇબ્રન્ટ સમિટની આનુષંગિક વ્યવસ્થાના ભાગરૂપે રેસકોર્સ મેદાનમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજી શકાય એમ નથી.



