ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
બનાવની હકીકત એવી છે કે તા. 13-07-2023ના રોજ ગુજરનાર કૌશિક રમેશભાઈ જરીયા ઉ.વ.આ. 15વાળા એક્ટિવા નંબર જીજે03એમએફ 8015 ચલાવીને તેમના ઘરે જતા હતા ત્યારે ગોંડલ રોડ, ફ્લાયઓવર બ્રીજ ઉપર પહોંચતાં આ કામના સામાવાળા આઈસર ટ્રક નં. જીજે15વાયવાય 8530ના ચાલકે પોતાના હવાલાવાળો ટ્રક મારંમાર, પૂરઝડપે, અતિબેદરકારીપૂર્વક ચલાવીને ગુજરનાર કૌશીકભાઈને પાછળથી તેમના એક્ટિવા સહિત હડફેટે લેતાં હાલનો આ ગંભીર અકસ્માત બનવા પામેલ હતો. જેમાં ગુજ. કૌશીકભાઈને અકસ્માતની ગંભીર ઈજાઓને કારણે અકસ્માતના સ્થળે જ મૃત્યુ નિપજેલ હતું જેથી આ બનાવ સંબંધે એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આઈસર ટ્રકના ચાલક વિરૂદ્ધ આઈ.પી.સી. 279, 304(અ) અને મોટર વ્હીકલ એક્ટની કલમ 134, 177, 184 મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલો હતો.
આ કામમાં ઓરીએન્ટલ જનરલ ઈન્સ્યોરન્સ કંપની તરફથી અરજદારના વાહનની પણ બેદરકારી તેમજ મૃતક કૌશીક સગીર વયના હોય તેમજ પોતે લાયસન્સ ધરાવતા ન હોય જેથી અકસ્માત મૃતકની બેદરકારીને કારણે બનવા પામેલો છે તે અંગે દલીલો કરવામાં આવેલી પરંતુ અરજદારના એડવોકેટ અજય કે. જોષી દ્વારા એવી દલીલ કરવામાં આવેલી કે આ અકસ્માતમાં ફરિયાદ તેમજ ચાર્જશીટ આઈસર ટ્રકના ચાલક વિરૂદ્ધ કરવામાં આવેલી છે જેથી એકમાત્ર બેદરકારી આઈસર ચાલકની બેદરકારીને કારણે બનવા પામેલ છે તેવું નામદાર કોર્ટ દ્વારા માન્ય રાખવામાં આવેલું છે.
આ કામમાં ગુજરનારની આવક તથા ભવિષ્યની આવકના મુદ્દાઓ પર દલીલો કરવામાં આવેલી અને પુરાવાઓ રજૂ કરવામાં આવેલા અને ગુજરનારના વારસદારો તેમના પર આધારિત હોય, ગુજરનાર તેમના બ્રેડવીનર હોય, જે તમામ મુદ્દાઓ પર અરજદારના એડવોકેટ દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી અને તે નામદાર કોર્ટ દ્વારા માન્ય રાખવામાં આવેલી અને વિવિધ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચૂકાદાઓ રજૂ રાખેલા તે ધ્યાને લઈ આ અકસ્માતમાં માત્ર અને માત્ર આઈસર ટ્રકના ચાલકની બેદરકારી ઠરાવેલી અને ગુજરનારના વારસદારોને રકમ રૂા. 31,00,000 ચૂકવવા રાજકોટ સ્પેશીયલ એમ.એ.સી. ટ્રીબ્યુનલ દ્વારા હુકમ કરવામાં આવેલો છે.
આ કામમાં ગુજરનારના વારસદારો વતી અજય કે. જોષી (એડવોકેટ), પ્રદિપ આર. પરમાર (એડવોકેટ), વિશાલ દક્ષિણી (એડવોકેટ) તેમજ મદદનીશ તરીકે રીદ્ધી શ્રીમાળી તેમજ નંદન ઝાપડા રોકાયેલા હતા.