ખાસ-ખબર સંવાદદાતા
તાજેતરમાં સાળંગપુર હનુમાન નો વિવાદ સમગ્ર ગુજરાતની ચર્ચાનો કેન્દ્ર બન્યો હતો અને એક તરફ સ્વામિનારાયણ સંપ્રદાય તો બીજી તરફ ગુજરાતના સંતો મહંતો આમને સામને થયા હતા ત્યારે ખુદ સરકારે મધ્યસ્થી બનીને મામલાને થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને હજુ થોડો જ સમય થયો છે ત્યારે વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક સ્વામીનારાયણના સ્વામી દ્વારા ખોડીયાર માતાજીનું અપમાન કરતા શબ્દો બોલવામાં આવી રહ્યા છે જેને પગલે માઈ ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે અને માટેલ ખોડીયાર મંદિર દ્વારા આવેદન પાઠવવામાં આવશે તેમ પણ જાણવા મળ્યું છે. હાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી બ્રહ્મસ્વરૂપદાસની એક વિડિયો ક્લિપ વાઇરલ થઇ રહી છે.
જેમાં સ્વામી બ્રહ્મસ્વરૂપદાસ દ્વારા ખોડીયાર માતાજીનું અપમાન કર્યું હોવાનું સામે આવ્યું છે. આ વિવાદિત વીડિયો ક્લિપ માં સ્વામી બ્રહ્મસ્વરૂપદાસ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે મહારાજ એ પોતાના ભીના કપડામાંથી નીચોડેલ પાણીથી કુળદેવીને છાંટા ઊડાડ્યા તેથી કુળદેવી પણ સત્સંગી બની ગયા હતા અને તેમના સંપ્રદાયના ધર્મનો અંગીકાર કરનાર વ્યક્તિને ખુદ માતાજી પણ પગે લાગે છે. આ પ્રકારના વિવાદિત વાણી વિલાસના કારણે હાલ વિડીયો વિવાદનું કેન્દ્ર બન્યો છે અને માતાજીનો ભક્તો દ્વારા આ મામલે રોષની લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વીડિયોને પગલે વાંકાનેર ખાતે આવેલા સુપ્રસિદ્ધ માટેલ ધામ ખાતે પણ સ્વામી બ્રહ્મસ્વરૂપદાસનો વિરોધ નોંધવામાં આવી રહ્યો છે અને સમગ્ર મામલે કલેકટરને યોગ્ય કાર્યવાહી કરવા માટેનું આવેદનપત્ર પણ પાઠવવામાં આવશે તેવું મીડિયા સાથેની વાતચીતમાં માટેલ ધામ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
- Advertisement -
સ્વામીઓના બફાટ યથાવત: હવે દલિત સમાજને હડધૂત કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
સાળંગપુર મંદિરના કેમ્પસમાં હનુમાનજીને દાસ બતાવવાની સ્વામિનારાયણના સંતો દ્વારા કરવામાં આવેલી ચેષ્ટાનો દેશભરમાં વિરોધ થયો હતો અને સનાતનીઓના રોષને જોઇ વાસ્તવિક્તા સ્વીકારી વિવાદાસ્પદ ચિત્રો દૂર કરવામાં આવ્યા હતા. આમ છતાં સ્વામિનારાણના સંતો દ્વારા બફાટ ચાલુ જ રહ્યો છે. વધુ એક વીડિયો ફરતો થયો છે જેમાં સત્સંગ સભામાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંત દલિત સમાજને નીચો બતાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ મામલે દલિત સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને સોમવારે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. લોધિકાના કાંગશિયાળી ગામમાં રહેતા અને તાલુકાના આગેવાન ભરતભાઇ માવજીભાઇ ચાવડાએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતનો વધુ એક વીડિયો ફરતો થયો છે.
સત્સંગ સભામાં ભાવિકોને સંબોધતી વખતે આ સંત ભાન ભુલ્યા હતા અને સ્વામિનારાયણ સંપ્રદાયના કેફમાં ભક્તોને રંગવા માટે દલિત સમાજને નીચો બતાવતા ઉદાહરણ આપ્યા હતા. વીડિયોમાં દર્શાતા સંતે રાજાના કુંવર આવતા હોય ત્યારે અન્ય સમાજ (દલિત સમાજ)ના છોકરાએ સામું ન જોવાય તેવી વાત કરી હતી અને તેમાં દલિતના યુવકને બદલે જ્ઞાતિ અંગે હડધૂત કરતા શબ્દોનો ઉચ્ચાર કર્યો હતો તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયની ધૂન લાગે તો માયા દલિત સમાજના વ્યક્તિ જેવી લાગે તેવું કહી ત્યારે પણ દલિત સમાજને હડધૂત કરાયો હતો. ભરતભાઇ ચાવડાએ આક્રોશ સાથે કહ્યું હતું કે, દલિત સમાજને હડધૂત કરવાનો કરેલો પ્રયાસ સાંખી નહીં લેવાય અને ફરિયાદ કરાશે.