માધાપર ચોકડીએ કોંગ્રેસનો હેલ્મેટના કાયદાનો વિરોધ: કૉંગ્રેસના આગેવાનોની અટકાયત
ભાજપ સરકારના પાપે શેરીથી લઈ હાઈવે સુધી રોડ-રસ્તાઓ ઉપર ભ્રષ્ટાચારના મસમોટા ખાડાઓ
- Advertisement -
કૉંગી કાર્યકરોના આક્ષેપ: કરોડો રૂપિયાની મલાઈ કમલમ કાર્યાલયથી ભાજપના કોર્પોરેટરો, ધારાસભ્યો અને સાંસદના ઘરે થઈ ગાંધીનગર સુધી પહોંચે છે-દરેકના મોઢે તાળાં
કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિત રાજપૂત અને પોલીસ વચ્ચે ઘર્ષણ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં વાહનચાલકોને હેલ્મેટ ફરજીયાતના કાયદાની અમલવારી માટે આજે શહેરના દરેક ચોકે ચોકે પોલીસ પોઇન્ટો ગોઠવવામાં આવ્યા હતા. જો કે સવારનો વરસાદ બંધ ન થતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ત્યારે કોંગ્રેસના ગાયત્રીબા વાઘેલા અને અતુલ રાજાણીની આગેવાનીમાં માધાપર ચોકડીએ હેલ્મેટના કાળા કાયદાનો વિરોધ કરે તે પહેલા જ પોલીસે કાર્યકોરોની અટકાયત કરી હતી. કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિત રાજપૂત સહિતના વિદ્યાર્થીઓ એકઠા થતા હતા તે જગ્યાએથી પોલીસે અટકાયત કરતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું અને 10 જેટલા વિદ્યાર્થીઓની અટકાયત પોલીસે કરતા માધાપર ચોકડી હેલમેટ વિરોધી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. પોલીસે સાથે ઘર્ષણ સમયે કોંગ્રેસના નેતા રોહિતસિંહે કહ્યું 500 પોલીસ કર્મી જો હેલ્મેટના અમલીકરણ માટે ઉતારે તેના કરતા રાજકોટમાં દારૂ, જુગારના અડ્ડાઓ રેડ માટે ઉતારો તો તમારી દાનતનો પ્રજાને ખ્યાલ પડે. અનેક નાચતફરતા ગુનેગારો ખુલ્લેઆમ રખડે છે ત્યાં પોલીસબળ ઉતારો. પ્રજાને ખોટી રીતે કનગડત કરવાનું સરકાર બંધ કરે, અમે પ્રજાની સાથે છે જ્યાં સુધી હેલ્મેટ કાયદો પરત ખેંચશે નહીં ત્યાં સુધી વિરોધ શરૂ રહેશે અમારો તેવું જણાવ્યુ હતુ.
કોંગ્રેસના આગેવાનોએ કહ્યું હતું કે અમારી સાથે 500 પોલીસકર્મીઓ આવે અમે દારૂના અને જુગારના અડ્ડાઓ, વ્યાજમાફીઓ-ભૂમાફિયાઓના ઘર બતાડીએ અનેક ગુનાઓમા નાચતા ફરતા ગુનેગારો ખુલ્લેઆમ ફરે છે તેને બતાડિયે. રાજકોટ શહેર અને મધ્યમાંથી પસાર થતા રોડ-રસ્તાઓ ઉપર ભાજપ સરકારના આશીર્વાદ અને ભાગીદારીથી ભ્રષ્ટાચાર આચરી કરાયેલ કામોના કારણે મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય છે જેના કારણે રસ્તે પસાર થતા હજારો વાહન ચાલકો રોજે-રોજ અકસ્માતોનો ભોગ બને છે. કેટલાય નિર્દોષ નાગરીકોના હાડકાઓ ભાંગે છે તો કેટલાયના જીવ ગુમાવવાનો વારો આવે છે. જેના કારણે કેટલાય પરિવારો પોતાના લાડકવાયા ગુમાવે છે અને તંત્રના પાપે પરીવારોના માળા વિખેરાઈ છે. જેની રાજયની ભાજપ સરકાર, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન,રૂડા કલેક્ટર સહીતના નિભંર તંત્રને લેશમાત્ર દરકાર નથી. કોંગ્રેસ તાત્કાલિક રોડ-રસ્તાઓનું સમારકામ કરાવવા અને આ કામના જવાબદારો સામે ફરજ બેદરકારી બાબતે કાર્યવાહી કરવા અને હેલ્મેટ કે ઈ- મેમાઓ મોકલી પ્રજાના ખીસ્સા ખાલી કરતી ભાજપ સરકાર અને તંત્ર સામે મજબૂત લડાઈ આપશે. આજના વિરોધ પ્રદર્શનમા કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા, પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, લીગલ સેલના પ્રમુખ અશોકસિંહ વાઘેલા, વિદ્યાર્થી નેતા રોહિત રાજપુત, જયેશ ઠાકોર, મનિષાબા વાળા, દિલીપ આસવાની, ગૌરવ પુજારા, જગુભા જાડેજા, દીપક ભાટિયા, યશ ભીંડોરા, રોનક રવૈયા, રૂતમ પરમાર સહિત આગેવાનો જોડાયા હતા.
- Advertisement -
માથામાં તપેલી પહેરી નાગરિકનો વિરોધ: મને કાળા પાણીની સજા કરશો તો પણ હેલ્મેટ નહીં પહેરૂં
રાજકોટ શહેરમાં હેલ્મેટના કાયદાનો વિરોધ કરવા એક વાહનચાલક હેલ્મેટના બદલે તપેલી પહેરીને નીકળ્યા હતા તેમણે કહ્યું હતું કે, મારી પાસે હેલ્મેટના પૈસા નથી. મને કાળા પાણીની સજા આપો તો પણ હેલ્મેટ નહીં પહેરૂં. જામીન પર છૂટી બહાર આવીને પાછી તપેલી પહેરીશ. આખા શહેરમાં હું નીકળ્યો મને પોલીસે ક્યાંય રોક્યો નથી.