ખાસ-ખબર ન્યૂઝ વીરપુર
સમગ્ર દેશમાં હાલ રિદ્ધિ સિદ્ધિના દાતા ગણેશજીનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે યાત્રાધામ વીરપુરમાં પણ ભક્તિ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળી રહ્યો છે. અહીં, ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના નાના બાળકો દ્વારા ’રાજપૂત કા રાજા’ ગણપતિ દાદાનું સ્થાપન કરવામાં આવ્યું છે. શહેરો અને ગામડાઓમાં જુદા જુદા પંડાલ સજાવવામાં આવ્યા છે, તેમ અહીં પણ નાના ભૂલકાઓએ સુંદર ડેકોરેશન કરીને ગજાનન મહારાજને બિરાજમાન કર્યા છે. આ બાળકો રોજ સવાર-સાંજ ગૌરીનંદન ગણેશજીની આરતી કરે છે અને મોદક લાડુ તથા છપ્પન ભોગનો પ્રસાદ ધરાવે છે. બાળકોની સાથે, મોટાઓ પણ આ દાદાની આરતીમાં જોડાઈને ભક્તિમાં લીન થઈ રહ્યા છે. આ અનોખી ઉજવણી એ વાતનો ઉત્તમ દાખલો છે કે ગણેશ મહોત્સવ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ તે સમાજમાં ભક્તિ અને એકતાની ભાવનાને પણ મજબૂત કરે છે.