ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
ગરવા ગિરનારની પરિક્રમાનો તા.2 નવેમ્બરથી પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે સમગ્ર પરિક્રમા રૂટ પર જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગના અધિકારીઓએ પરિક્રમા માર્ગ, શ્રદ્ધાળુઓ માટે જરૂરી પ્રાથમિક સુવધાઓ મળી રહે એ માટેનું નિરીક્ષણ કર્યું હતું.
જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા, કમિશનર તેજસ પરમાર, એસપી સુબોધ ઓડેદરા, નાયબ વન સંરક્ષક અક્ષય જોશી, આરોગ્ય વિભાગ, પોલીસ, વન વિભાગ સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓએ સરકડીયા થી બોરદેવી સુધીના કઠિન ચઢાણ અને માર્ગ પર ચાલીને શ્રદ્ધાળુઓ માટે પરિક્રમાના આ રૂટ પર જાત નિરીક્ષણ કર્યું હતું. ભવનાથમાં પરિક્રમાના પ્રવેશ દ્વારથી ઈટવા ઘોડી, ઝીણા બાવાની મઢી, નળપાણીની ઘોડી, માળવેલા માળવેલાની ઘોડી, બોરદેવી અને પરિક્રમા પૂર્ણ થાય છે તે ભવનાથના દ્વાર સુધી ઉક્ત અધિકારીઓએ ચાલીને તેમજ મોટર માર્ગે સમગ્ર રૂટનું નિરીક્ષણ અને જરૂરી વ્યવસ્થાઓની તપાસણી કરી હતી. તેમજ પરિક્રમાથીઓની સુવિધાઓ માટે જરૂરી સૂચનાઓ સબંધિત અધિકારીઓને આપવામાં આવી હતી.
- Advertisement -
અત્રે ઉલ્લેખનીય છે કે, ગિરનાર પરિક્રમાર્થીઓ માટે પાણી, વીજળી, આરોગ્ય સહિતની તમામ મૂળભૂત સુવિધાઓ માટેની મોટાભાગની પૂર્વતૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પાવનકારી પરીક્રમા દરમિયાન કુદરતી જળ સ્ત્રોત દુષિત ન થાય તેની કાળજી લેવા અને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે સાધુ સંતો અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ભાવિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.



