વડોદરા લોકસભા સીટ પર ભાજપનાં ઉમેદવાર સામે પોસ્ટર કાંડ બાદ હવે વધુ એક લોકસભા સીટ પર ભાજપનાં ઉમેદવાર અંગે સોશિયલ મીડિયામાં પત્રિકા વાયરલ થતા પ્રદેશ મોવડી મંડળ ડેમેજ કંટ્રોલ કરવા દોડતું થઈ જવા પામ્યું હતું. તો બીજી તરફ શિસ્તમાં માનનારી ભાજપમાં અંદરો અંદરનો કાર્યકર્તાઓ તેમજ અગ્રણીઓની નારાજગી સામે આવી રહી છે.
ભાજપ દ્વારા લોકસભા બેઠકનાં ઉમેદવાર જાહેર કર્યા બાદ કેટલાક સિનીયર નેતાઓમાં કંઈક અંશે નારાજગી જોવા મળી રહી છે. ત્યારે વડોદરામાં પોસ્ટર વોર બાદ હવે વલસાડ લોકસભા બેઠક પર ભાજપનાં ઉમેદવારને લઈ પત્રિકા વાયરલ થઈ હતી. ભાજપનાં ઉમેદવાર અંગે સોશિયલ મીડિયામાં પત્રિકા વાયરલ થઈ હતી. ધવલ પટેલને ઉમેદવાર બનાવતા અગ્રણીઓ- કાર્યકર્તાઓ નારાજ થયા હોવાનો પત્રિકામાં દાવો કરવામાં આવ્યો હતો. પત્રિકામાં વલસાડ બેઠક પર ભાજપનાં ઉમેદવાર બદલવાની માંગ કરવામાં આવી છે.
- Advertisement -
ભાજપનાં ઉમેદવારથી ગ્રામજનો અજાણઃ દિનેશ પટેલ (પ્રમુખ, વલસાડ જીલ્લા કોંગ્રેસ)
આ બાબતે વલસાડ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, વલસાડ ઉમેદવાર બદલાય છે. ત્યારે ભાજપ પાસે 156 વિધાનસભા હોય અને તમે આ વિસ્તારની વાત કરો છો. એટલે એ લોકો પણ જાણી ગયા છે કે અમારાથી કંઈ ભૂલ થઈ છે. ધવલ પટેલ સુરત રાંદેર ખાતે રહે છે. પરંતું વાસદા તાલુકાની બાજુમાં આવેલ ગામનાં વતની છે. પરંતું અમારા કોંગ્રેસનાં ઉમેદવાર અનંતભાઈને પૂછ્યું કે, તમારા તાલુકાનો વ્યક્તિ છે ત્યારે અનંતભાઈને નથી ખબર. ગામનાં જ વ્યક્તિને ભાજપમાં ઉમેદવાર ધવલ પટેલનું ઘર ક્યાં આવ્યું તે બાબતે પૂછતા ગામનો વ્યક્તિ પણ ગૂંચવાઈ જવા પામ્યો હતો. ગ્રામજનોએ જણાવ્યું હતું કે પરિવાર તો બહાર રહે છે. ભાજપને હવે ગભરાટ થઈ ગયો છે. એટલે હવે તેઓ ઉમેદવાર બદલવાની વાત કરે છે. ત્યારે વલસાડ સીટ કોંગ્રેસ જીતશે જ તેઓ આશાવાદ વ્યક્ત કર્યો હતો.
સ્થાનિક લેવલે રોડ રસ્તાથી લઈ મોટી સમસ્યામાં લોકોની સાથે રહ્યા છીએઃ અનંત પટેલ (કોંગ્રેસના ઉમેદવાર)
કોંગ્રેસનાં ઉમેદવાર અનંત પટેલે જણાવ્યું હતું કે, મને ઉમેદવાર બદલે તો પણ નફો છે અને ન બદલે તો પણ નફો છે. કારણ કે અમે સ્થાનિક લેવલે રોડ રસ્તાથી લઈ મોટામાં મોટી સમસ્યામાં લોકોની સાથે રહ્યા છીએ. અહીં વલસાડ લોકસભાની નાળ અને તેના પ્રાણ પ્રશ્નો વિશે અમને પુરેપૂરી ખબર છે. ત્યારે ઉમેદવાર ગમે તે હોય અમે અમારી ઉમેદવારી ચાલુ રાખીશું. અમને લોકોનો પ્રતિસાદ ખૂબ મળી રહ્યો છે. તેમ 26-વલસાડ લોકસભા અમે બહુમતીથી જીતીશું તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
- Advertisement -
ભાજપ તમામ પાસાની ચકાસણી કર્યા બાદ જ ઉમેદવાર પસંદ કરે છેઃ હેમંત કંસારા (પ્રમુખ, વલસાડ જીલ્લા ભાજપ)
આ બાબતે વલસાડ જીલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાએ જણાવ્યું હતું કે, આ વાત તદ્દન ખોટી છે. ભારતીય જનતા પાર્ટી એક કેડરબેઝ પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટી જ્યારે ઉમેદવાર પસંદ કરે છે. ત્યારે બધા જ પાસાની ચકાસણી કર્યા બાદ જ ઉમેદવાર પસંદ કરવામાં આવે છે. તેમજ એક વખત ઉમેદવાર પસંદ થયા પછી ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બદલતી નથી. આ ખોટો ગ્લોબલ પ્રચાર છે. વિરોધીઓ પાસે હાલ બીજા કોઈ મુદ્દા ન હોઈ લોકોને ભડકાવવાનો પ્રયાસ કરે છે.
થોડા સમય પહેલા વડોદરામાં પોસ્ટર વોર થયું હતું
લોકસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ ભાજપ દ્વારા એક પછી એક લોકસભા બેઠકનાં ઉમેદવારના નામ જાહેર કરતા કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે થોડા સમય પહેલા વડોદરામાં ભાજપનાં લોકસભા સીટના ઉમેદવાર રંજનબેન ભટ્ટ સામે પોસ્ટર વોર થયું હતું. જેમાં રંજનબેન ભટ્ટ વિરુદ્ધ ઠેર ઠેર શહેરમાં પોસ્ટર લાગ્યા હતા. તેમજ સોશિયલ મીડિયામાં પણ તેઓની વિરુદ્ધ પોસ્ટર વોર શરૂ થયું હતું. રંજનબેન ભટ્ટની ઉમેદવાર જાહેર કરતા કંઈક અંશે કાર્યકરોમાં નારાજગી જોવા મળી હતી. જે બાદ ભાજપ દ્વારા આ સમગ્ર બાબતે દખલગીરી કરી માંડ માંડ મામલો શાંત પાડ્યો હતો.