રાજકોટ મહાપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.3ના રેલનગર વિસ્તાર અને તેને લાગુ રામ પાર્ક, મધુવન પાર્ક, સંતોષી નગર, શ્રી રેસિડેન્સી સહિતની સોસાયટીઓના રસ્તાઓમાં અસંખ્ય ખાડા પડયા હોય અને વરસાદ બાદ તેમાં પાણીના ખાબોચિયા ભરાયેલા રહેતા હોય સમગ્ર વિસ્તારમાં કાદવ કિચડનું સામ્રાય છવાઇ ગયું છે, અહીં રસ્તાઓનું તાકિદે રિપેરિંગ કરવામાં આવે તેવી પ્રબળ લોકમાંગણી ઉઠવા પામી છે. વિશેષમાં લતાવાસીઓએ મહાપાલિકામાં કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે, રામ પાર્ક સોસાયટીમાં અંદાજિત 100 જેટલા મકાન આવેલ છે અને બાજુમાં આવેલ શ્રી રેસીડેન્સી જેમાં અંદાજિત 150 જેટલા મકાન આવેલ છે અહીં રહેતા લોકોને મેઇન રોડ સુધી જવા માટે એક જ રસ્તો છે જે પણ કાચો રસ્તો છે.
હાલ ચોમાસાની ઋતુમાં વરસાદના કારણે રેલનગર મેઇન રોડ ઉપર આવેલા રામ પાર્કના ગેઇટ થી લઇને રામપાર્ક શેરી નં.1, 2,3 અને સોસાયટીમાં આવેલ રામેશ્વર મહાદેવ મંદિર સુધીના રસ્તામાં વ્યાપક પ્રમાણમાં કાદવ-કીચડ તથા ખાડા છે અને પાણી ભરાયેલ છે. અહીં મેટલ(પથ્થર) નાખેલ હોવાથી રોડ ખુબ જ ખરાબ સ્થિતિમાં છે. જેના કારણે સોસાયટીમાં વસતા લોકોને મેઇન રોડ સુધી આવવા-જવામાં ખુબ તકલીફ પડે છે. બાળકોને શાળાએ જવામાં તથા મહિલાઓ અને વડીલો ને વાહન લઇને નીકળવામાં ભય સર્જાય છે કેમ કે કીચડ વધારે હોવાના કારણે વાહનો સ્લીપ થાય છે. મહાપાલિકા તત્રં તાકિદે રેલનગર વિસ્તારના ઉપરોકત વિસ્તારોની રસ્તાની સમસ્યા ઉકેલે તેવી પ્રબળ લોકમાંગણી ઉઠવા પામી છે



