પાંચ ભવનમાં H.O.D.ની નિમણૂક પાછળ મોટું કારસ્તાન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ખાસ-ખબરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હેડશિપ બાય રોટેશન નીતિના અમલમાં કરાયેલી ગેરરીતિના પુરાવાસહ વિસ્તૃત અહેવાલ બાદ સૌરાષ્ટ્રના શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ સાથે શિક્ષણ જગતમાં એક એવી પણ ચર્ચા શરૂ થઈ છે કે, કુલપતિ ઉત્પલ જોશી, બીઓએમના સભ્યો, મહેકમના રંજન ખૂંટની મિલીભગતથી અનામતનો છેદ ઉડાડવાની કોશિશ કરવામાં આવી છે. માત્ર મનોવિજ્ઞાન ભવનમાં સિનિયર દલિત પ્રોફેસર ડો. યોગેશ જોગશનની જગ્યાએ ડો. તરલિકા ઝાલાવાડિયાને જ અધ્યક્ષ બનાવવા નહીં પરંતુ હિન્દી ભવનમાં સિનિયર આદિવાસી પ્રોફેસર ડો. કલાસવાની જગ્યાએ ડો. શૈલેષ મહેતા અને કમ્પ્યુટર સાયન્સ ભવનમાં સિનિયર એસીબીસી પ્રોફેસર ડો. કુંભારાણાની જગ્યાએ ડો. અતુલ ગોસાઈને પણ અધ્યક્ષ બનાવવા તમામ નીતિ-નિયમો નેવે મૂકવામાં આવ્યા છે. આ સાથે એમબીએ ભવનમાં હિતેશ શુક્લ અને હોમસાયન્સ ભવનમાં હસમુખ જોશી સહિત પાંચેય ભવનમાં અધ્યક્ષ નિમણૂંકમાં યુનિવર્સિટીના સત્તાધીશોએ હળાહળ જ્ઞાતિવાદ કર્યો હોવાનું દેખાય છે!
સૂત્રોના જણાવ્યા અનુસાર ટૂંકસમયમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષોથી અટકેલી પ્રોફેસરની ભરતી પ્રક્રિયા શરૂ થવાની છે. આ ભરતી પ્રક્રિયા અગાઉ કુલપતિ ઉત્પલ જોશી અને બીઓએમના સભ્યો દ્વારા મહેકમના વધારાના ચાર્જમાં રહેલા જૂનિયર પ્રોફેસર કહ્યાગરા રંજન ખૂંટની કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં ફિઝિકલ હેન્ડીકેપની સીટ પર ભરતી કરવામાં આવશે એટલે તેઓ સિનિયર પ્રોફેસર બની જશે. આ સિવાય હાલમાં હેડશિપ બાય રોટેશન અંતર્ગત પાંચ ભવનના અધ્યક્ષમાં પણ લાગતાવળગતાની નિમણૂંક કરવામાં આવી છે.
શું યોગેશ જોગસન, ડૉ.ક્લાસવા અને ડૉ. કુંભારાણાને જ્ઞાતિવાદને કારણે વેંતરી નંખાયા?
- Advertisement -
આમ કરવા પાછળ એક બહુ મોટા કારસ્તાનના બીજ રોપવામાં આવ્યા છે જેના પડઘા પડવાના શરૂ થવામાં છે.
એવું કહેવાય છે કે, હવે જ્યારે ભવિષ્યમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષોથી અટકેલી ભરતી પ્રક્રિયા શરૂ થશે ત્યારે કુલપતિ, બીઓએમ સહિત હેડશિપ બાય રોટેશન અંતર્ગત પાંચ ભવનના અધ્યક્ષ બની ગયેલા જૂનિયર પ્રોફેસરની ટોળકી કોને લેવા અને કોને ન લેવા એ નક્કી કરશે! બીજી તરફ મહેકમમાં રંજન ખૂંટ નિયમોનું મનગમતો અર્થઘટન કરી કોઈપણ જગ્યાએ સહી કરવા તૈયાર બેઠા છે. એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કલ્પનાતિત આયોજન કરીને પાંચ ભવનમાં લાગતાવળગતા અધ્યક્ષને ઘૂસાડી દેવામાં આવ્યા છે અને હવે રંજન ખૂંટને પ્રોફેસર બનાવવામાં ફિઝિકલ હેન્ડીકેપની બેઠક પર પ્રોફેસરની ભરતી કરવા જાહેરાત આપી દેવામાં આવી છે.
અત્રે ખાસ નોંધનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નિયમોનું મનધડન અર્થઘટન કરી ન માત્ર જૂનિયન પ્રોફેસરને મોસ્ટ સિનિયર પ્રોફેસર ગણાવી હેડ ઓફ ડિપાર્ટમેન્ટ બનાવી દેવામાં આવ્યા છે પણ આ સાથે તમામ નીતિ-નિયમો નેવે મૂકી આદિવાસી, દલીત અને એસીબીસીની કેટેગરીમાં આવતા મોસ્ટ સિનિયર પ્રોફેસર સાથે અન્યાય પણ કરવામાં આવ્યો હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. હવે શૈક્ષણિક સાથે સામાજિક સંગઠનો પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હેડશિપ બાય રોટેશન નીતિ હેઠળ થયેલા અન્યાય મામલે આગળ આવશે એવા એંધાણ છે.
અન્ય યુનિવર્સિટીમાં તમામ ભવન માટે સમાન નિયમ, સૌ.યુનિ.માં જેવું ભવન એવા નિયમો!
ગુજરાતની અન્ય યુનિવર્સિટીમાંઓ તમામ ભવનો માટે સમાન નિયમો છે જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અલગ-અલગ ભવન માટે જુદાજુદા નિયમ હોવાનું સ્પષ્ટ થયું છે. મનોવિજ્ઞાન ભવનમાં મોસ્ટ સિનિયર પ્રોફેસર ડો. યોગેશ જોગશનની હેડ ઓફ ડિપાર્ટમેન્ટમાંથી હકાલપટ્ટી કરી તેમનાથી જૂનિયર પ્રોફેસર ડો. તરલિકા ઝાલાવડીયાને ભવનના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. બીજી તરફ ભૂતકાળમાં અંગ્રેજી ભવનમાં ડો. આર.બી.ઝાલાની જગ્યાએ કમલ મહેતાને હેડ બનાવ્યા, સ્ટેચ્યૂટની અમલવારી પહેલા. કેમ કે તેઓ 11 વર્ષ અગાઉ હેડ રહી ચૂક્યા હોવાની તેમની નિમણૂંક સિનિયોરિટી મુજબ થઈ જ્યારે હાલમાં હેડશિપ બાય રોટેશન નીતિના અમલમાં જેઓ 5-5 વર્ષ સુધી ડિપાર્ટમેન્ટ હેડ રહ્યા તેમને પણ હેડમાંથી કાઢ્યા હતા. આખરે મનોવિજ્ઞાન ભવનમાં અંગ્રેજી ભવનની જેમ જ કોમન એક્ટ કે સમાન નિયમ લાગુ કેમ પડતા નથી ઉપરાંત કેમ 29 ભવનોમાંથી માત્ર 5 ભવનમાં જ હેડશિપ બાય રોટેશન નીતિનો અમલ કરવામાં આવ્યો એ અંગેનો વિગતવાર અહેવાલ હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે.
હેડશિપ બાય રોટેશન નીતિના નામે કોમર્સ ડિપાર્ટમેન્ટના હેડ પણ બદલવાના હતા પણ…
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાંથી એક એવી પણ વાત બહાર આવી રહી છે કે, હેડશિપ બાય રોટેશનની નીતિના અમલના નામે કોમર્સ ડિપાર્ટમેન્ટમાં પણ હેડ બદલી પોતાના લાગતાવળગતા જૂનિયર પ્રોફેસરને ઘૂસાડવાની તૈયારી થઈ ચૂકી હતી. છેલ્લી ઘડીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક ભૂતપૂર્વ કુલપતિએ કોમર્સ ડિપાર્ટમેન્ટમાં હેડ તરીકે રહેલા તેમના હોમ મિનિસ્ટરને હટાવવામાં આવશે તો વિવાદોનું વાવાઝોડું ફૂંકી દેવામાં આવશે એવી ચીમકી મારી દીધી હતી. તેથી કોમર્સ ડિપાર્ટમેન્ટમાં હેડશિપ બાય રોટેશનની નીતિનો અમલ કરી હેડ બદલવાનો વિચાર પડતો મૂકવામાં આવ્યો હતો.