જૂના ઝઘડાનું સમાધાન કરવા બોલાવી યુવાનને છરીના 10 ઘા ઝીંક્યા હતા, પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના નવલખી રોડ ઉપર ધક્કાવાળી મેલડી માતાના મંદિર પાસે રેલવેની હદમાં જુના ઝઘડાનો ખાર રાખી ઝઘડાનું સમાધાન કરવાના બહાને બોલાવી યુવાનને આઠ શખ્સોએ છરીના દસ જેવા આડેધડ ઘા ઝીંકીને જીવલેણ હુમલો કરતા આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો. સારવાર દરમિયાન યુવાનનું મોત થતા રેલવે પોલીસે 307 ની કલમમાં હવે 302 ની કલમ ઉમેરીને આઠ આરોપીની ધરપકડ કરી હતી.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ પર આવેલ મુરલીઘર હોટલ પાછળ રહેતા પપ્પી નાગજીભાઈ વિકાણીને ગત તા. 16 ના રોજ રાત્રે મોરબીના નવલખી રોડ ઉપર ધકાવાળી મેલડી માતાના મંદિર પાસે રેલવેની હદમાં જુના ઝઘડાનો ખાર રાખી આ ઝઘડાનું સમાધાન કરવાના બહાને બોલાવી આરોપીઓ પ્યારું દાદુભાઈ સલાટ, ભદું હેમુભાઈ સલાટ, રાયચંદ સલાટ, અર્જુન સલાટ સહિતના શખ્સોએ આડેધડ દસ જેટલા છરીના ઘા ઝીંકી દીધા હતા જેથી આ જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા પપ્પી નાગજીભાઈ વિકાણીને તાકીદે રાજકોટ સારવાર અર્થે ખસેડાયા બાદ તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જો કે જે તે સમયે મૃતકના ભાઈ વિક્રમભાઈની ફરિયાદના આધારે કલમ 307 હેઠળ જીવલેણ હુમલાનો ગુન્હો રેલવે પોલીસમાં નોંધાયો હતો ત્યારે હવે યુવાનનું મોત થતા 302 ની કલમ ઉમેરી હત્યા કરનાર આરોપીઓ પ્યારું દાદુભાઈ સલાટ, ભદું હેમુભાઈ સલાટ, રાયચંદ સલાટ, અર્જુન સલાટ, સવાણું ઉર્ફે શંકર સલાટ, નવઘણ સલાટ, રાજુ લાલાભાઈ ભરવાડ, રાજેશ ઉર્ફે ભાદો સલાટ અને અર્જુન કાલાભાઈ સલાટની રેલવે પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.