યશુ ઘુઘરા, પટેલ ઘુઘરા, જય અંબે વડાપાંવ સહિતના ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરાઈ
નીલકંઠ ઢોસા પેઢીમાંથી 33 કિલો અખાદ્ય સંભાર-મંચુરિયન અને આસ્થા એન્ટરપ્રાઇઝમાંથી 28 કિલો અખાદ્ય પનીર મળ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
મનપાની ફૂડ શાખાની ટીમ દ્વારા ખાદ્યચીજોનું વેચાણ કરતાં ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત શહેરના ‘નીલકંઠ ઢોસા’ અને ‘આસ્થા એન્ટરપ્રાઈઝ’ની પેઢીમાંથી અખાદ્ય ફૂડ મળી આવતાં તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો તેમજ 19 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
રાજકોટ મહાનગરપાલિકાના સર્વેલન્સ ચેકીંગ દરમિયાન જાનકી એવન્યુ, શિવદૃષ્ટિ પાર્ક, મવડી 80 ફૂટ રોડ પાસે આવેલી નીલકંઠ ઢોસા પેઢીની તપાસ કરતાં સ્થળ પર સંગ્રહ કરેલો વાસી સંભાર તથા મંચુરિયનનો કુલ મળી અંદાજિત 33 કિ.ગ્રા. અખાદ્ય જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. ન્યુઅંબિકા પાર્ક, સાધુ વાસવાણી રોડ પાસે આવેલા આસ્થા એન્ટરપ્રાઈઝ પેઢીની તપાસ કરતાં સ્થળ પર સંગ્રહ કરેલું વાસી પનીર મળી આવતા અંદાજિત 28 કિ.ગ્રા. અખાદ્ય પનીરનો જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવ્યો અને પેઢીને હાઈજેનિક કંડીશન જાળવવા, યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી.
ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે શહેરના મોરબી રોડ હોકર્સ ઝોનમાં આવેલા ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 19 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 1 ધંધાર્થીને લાઈસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી તેમજ ખાદ્યચીજોના કુલ 20 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. જેમાં યશ ઘુઘરાને લાઈસન્સ મેળવવા સૂચના અને પટેલ ઘુઘરા, મા આશાપુરા દાબેલી, જય અંબે વડાપાવ, મહાકાળી પાણીપુરી, જય અંબે ઘુઘરા, જય ભોલેનાથ પાણીપુરી, જય ભગીરથ કચ્છી દાબેલી, ખોડીયાર ચાઈનીઝ પંજાબી, ચામુંડા સ્ટીમ ઢોકળા, ભગવતી ચાઈનીઝ પંજાબી, કુળદેવી ચાઈનીઝ, બોમ્બે વડાપાવ, દિલખુશ પાણીપુરી, ગણેશ વડાપાવ, રાજસ્થાન ભેળ એન્ડ પાણીપુરી, પ્રિન્સ બદામ શેક, લક્ષ્મી પાણીપુરી અને પટેલ વડાપાવની ચકાસણી કરવામાં આવી હતી.