ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના સિરામીક ઉત્પાદકો સાથે બહારના રાજ્યોમાં થતી છેતરપિંડી રોકવા સોમવારે મોરબી સિરામીક એસોશિએશન દ્વારા ગૃહમંત્રી સાથે રૂબરૂ રજુઆત થયા બાદ મંગળવારે એસોસીએશનના હોદેદારોએ રાજકોટ રેન્જ આઈજી સાથે બેઠક યોજી ફ્રોડ મામલે એસઆઈટીની રચના કરવા મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરી હતી. મોરબીમાં સીરામીક ઉદ્યોગ આજે 95% ટાઈલ્સ અને સેનેટરીવેરનું ઉત્પાદન કરતો હોઈ આ કલ્સ્ટરમાં આવતી અનેક સમસ્યાઓમાંની સૌથી મોટી સમસ્યા એ છે કે સીરામીક ઉદ્યોગકારો અલગ અલગ રાજ્યોમાં કરતા વેચાણમાં કેટલાક વેપારીઓ માલ લઈને પેમેન્ટ ખોટા કરે છે તેમજ દિવસે દિવસે વઘતા જતા ફ્રોડને કારણે નાણા ફસાઈ જવાનું પ્રમાણ ખુબ જ વધ્યું છે. આ ગંભીર બાબતે સોમવારે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની આગેવાનીમાં મોરબી સીરામીક એસો. ના તમામ પ્રમખોએ ગાંધીનગર ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીને રૂબરૂ મળી એસઆઈટીની રચના કરવા માટે રજુઆતો કરી હતી જેના અનુસંધાને મંગળવારે રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવને મોરબી સીરામીક એસોસીએસનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, હરેશભાઈ બોપલીયા, વિનોદભાઈ ભાડજા અને કિરીટભાઈ પટેલ રૂબરૂ મળ્યા હતા અને એસઆઈટીની રચના મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરી હતી.